યાદ છે પ્રવદા? ફરી ચાલુ થવાનું છે, કરશે ઇલોન મસ્ક!

પ્રવદા જૂની પેઢીના લોકોને યાદ છે. રશિયા મહાસત્તા તરીકે અમેરિકાની બરોબરી કરી રહ્યું હતું ત્યારે દુનિયાભરમાં પ્રચાર માટે પ્રકાશનો હતા. ગુજરાતીમાં પણ સોવિયેટ પ્રકાશનો હતાં. ગુજરાતીઓ આવી બાબતમાં પસ્તીની ગણતરી કરે એટલે સસ્તા અને ચળકદાર કાગળોમાં પ્રગટ થતાં સોવિયેટ પ્રકાશનો પણ બહુ ચાલતા હતા. જોકે ગુજરાતીમાં પ્રવદા નહોતું આવતું, પણ પ્રવદામાં પ્રગટ થતી સામગ્રી કોઈ ને કોઈ રીતે સોવિયટ પ્રકાશનોમાં આવી જતી હશે.
પ્રવદાનો અર્થ થાય છે સત્ય. આટલો મોટો અર્થ! અખબારનું નામ જ પ્રવદા. વ્લાદિમીર લેનિને શરૂ કરેલું, તેનું પોતાનું સત્ય પ્રગટ કરવા માટે. સ્વાભાવિક છે, મારે તેની તલવાર, અખબાર તેનો પ્રચાર.

આ પ્રવદા એટલા માટે યાદ આવ્યું કે પ્રવદા નામની વેબસાઇટ શરૂ થવાની છે. કોણ શરૂ કરવાનું છે ખબર છે? તમે ચોંકી જશો. પ્રવદા વ્લાદિમીર પુટીન નથી શરૂ કરવાના. પ્રવદા અમેરિકામાંથી શરૂ થવાનું છે. તેના ફાઉન્ડર ગણાશે ઇલોન મસ્ક.ઇલોન મસ્ક? આ નામ હવે જૂની પેઢીના લોકોને સમજાવવું પડશે, નવી આઇટી સાવી જનરેશન તરત તેને ઓળખી જશે. હવે સવાલ નવી અને જૂની બધી પેઢીના લોકો માટે છે કે સત્તાધીશોને અને આધુનિક યુગના ઉદ્યોગપતિઓને સત્ય સાથે શું લેવાદેવા? સત્ય સાથે સત્તા મળે નહીં અને સત્ય સાથે ધંધો પણ ના ચાલે. ઇલોન મસ્ક દુનિયા કો બદલ ડાલો વાળો ઉદ્યોગપતિ બન્યો છે, ત્યારે તેને વળી સત્ય ક્યાંથી યાદ આવ્યું?

સત્ય અજબ ચીજ છે. તમને કોઈ તમારું સત્ય યાદ અપાવે ત્યારે સત્ય યાદ આવી જાય છે. આ કામ અખબારી જગત કરતું આવ્યું છે. સત્યના સંદેશવાહક તરીકે અખબારી જગતનો પાયો જ સત્ય છે, પણ તે સત્ય જેના વિશેનું હોય તેને પચતું નથી. (અખબારી જગતનું પોતાનું સત્ય શું તેવો સવાલ કરવાનો વાચકને હક છે.) ઇલોન મસ્કને તેનું સત્ય વારેવાર યાદ અપાવવામાં આવે છે તેનાથી હવે આખરે તે કંટાળ્યો છે.

તે પોતાની પ્રોડક્ટમાં કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તેનું નિરાકરણ કઈ રીતે લાવવું તે રીતે હવે પોતાના અને પોતાની પ્રોડક્ટ વિશેનું કડવું સત્ય મીડિયા સતત બતાવે છે તેનું કાયમી નિરાકરણ કેમ લાવવું તેનો ઉપાય શોધી કાઢ્યો છે. તે પોતે પ્રવદા નામની વેબસાઇટ શરૂ કરશે. આ પ્રવદા વેબસાઇટમાં તમારે અખબારી જગતની, મીડિયાને ખણખોદ કરવાની. વાચક તરીકે તમને જ્યાં પણ લાગે કે અખબારમાં, મીડિયામાં કશુંક અસત્ય પ્રગટ થયું છે ત્યારે તમારે પ્રવદા વેબસાઇટને તે જણાવી દેવાનું. ઇલોન મસ્કની પ્રવદા તેની યાદી પ્રગટ કરશે અને દુનિયાને જણાવશે કે જુઓ મીડિયામાં પ્રગટ થતું સત્ય અને વાચકોને લાગતું સત્ય કેવું છે.

મસ્કને હંમેશની જેમ એવું લાગ્યું છે કે પોતે કોઈ મોટી શોધ કરી છે. તે પોતાની બે મોટી અને મહત્ત્વની પ્રોડક્ટ વિશે પણ એવું જ માની રહ્યો છે કે તેણે બહુ મોટી શોધ કરી છે. સસ્તુ અને વારેવાર વાપરી શકાય તેવું અવકાશયાન. તથા એવા રોકેટ બનાવવા જે આકાશમાં ઉપગ્રહ મૂકીને પરત આવે અને પરત વાપરી શકાય. ઉત્તમ વિચાર છે, પણ તે મસ્કની પોતાની શોધ નથી. અવકાશમાં જઇને પરત આવી જાય તેવા અવકાશયાન બનતા જ હતાં. બીજી પ્રોડક્ટ એટલે ઇલેક્ટ્રિક કાર. તે પણ કોઈ નવી વાત નથી. તેમાં નવી વાત છે ઉત્તર કક્ષાની બેટરી તૈયાર કરવી અને અનુકૂળ ડ્રાઇવટ્રેઇન તૈયાર કરવી.

સત્ય વાત એ છે કે આ બંને પ્રોડક્ટ પાછળ બે દાયકાની મહેનત પછીય મસ્કને જોઈએ તેવી સફળતા મળી નથી. આ પ્રોડક્ટ્સ તે પરફેક્ટ બનાવી શક્યો નથી. કમર્શિયલી તેને જોઈએ તેવી સક્સેસ મળી નથી. ઇલેક્ટ્રિક કારના તેના એક પછી એક મોડેલમાં કંઈક નાની મોટી ખામી રહી જાય છે અને તેનું વધુ એક મોડેલ માર્કેટમાં આવવામાં વિલંબ થઇ રહ્યો છે.

અખબારોનો ધર્મ સાચી વાત કરવાનો છે. અમેરિકન અખબારો અને પત્રકારોએ માત્ર પોતાનો ધર્મ બજાવ્યો. તેમણે માત્ર એટલું જ સાદું સત્ય દેખાડ્યું કે ઇલોન મસ્ક વાતો મોટી મોટી કરે છે, પણ તેમાં કાયમ ખોટો પડે છે. તેણે આપેલી ડેડલાઇન કાયમ લંબાઇ જાય છે. ત્રણેક વર્ષમાં તૈયાર થઈ જનારી તેની કાર ત્રણેક ડેડલાઇન ચૂકી ગયા પછી નવ વર્ષે તૈયાર થઈને આવે છે. તે પણ એવી ક્રાંતિકારી નથી હોતી, જેટલી જણાવવામાં આવી હોય.

આ વાતો મસ્કને પચી નથી તેથી હવે તેણે આ પ્રવદાનો વિચાર વહેતો મૂક્યો છે. હજી શરૂ નથી કર્યો, પણ તે વિચાર સોશિઅલ મીડિયામાં તેમણે મૂક્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયામાં કશુક પોસ્ટ કરે અને સૌ ચોંકે અથવા સૌને મનોરંજન મળે તેમ મસ્કની પોસ્ટથી પણ સૌ ચોંક્યા છે અને કદાચ થોડા વખત પછી તેમાંથી મનોરંજન પણ મળશે. મનોરંજન એ અર્થમાં મળી શકે છે કે વાચકોનો કોઈ ભરોસો નહીં. પ્રવદા નામની સાઇટ ખરેખર શરૂ થઇ તો વાચકો તેમાં મસ્કની મોટી મોટી વાતો વિશે છપાયેલા અહેવાલનો જ લિસ્ટ કરશે અને તેને રેન્ક કરશે. કોને ખબર?
મસ્કને ખ્યાલ નથી કે મીડિયા વૉચ એ પણ અખબારી જગતનો અગત્યનો હિસ્સો છે. અગાઉ પણ મીડિયામાં મીડિયાની સ્થિતિ વિશે ટીપ્પણી થતી હતી અને હવે તે વધારે વ્યાપક બની છે. ભારતમાં ધ હૂટથી શરૂ કરીને ભડાસ4મીડિયા સુધીની અનેક સાઇટ્સ મીડિયા પર વૉચ રાખનારી તૈયાર થઈ છે. બીજું અખબારી જગતમાં પ્રથમથી જ સ્વંયશિસ્ત માટેના પ્રયાસો થતા રહ્યાં છે. એડિટર્સ ગિલ્ડ જેવી સંસ્થામાં અખબારી જગત સામે ફરિયાદ કરી શકાય છે. ઘણા અખબારોમાં ઓમ્બુડ્સમેન એટલે કે વડેરા નિરીક્ષક હોય છે, જેમને વાચકો ફરિયાદ કરી શકે છે.

સત્ય પર અખબારી જગતનો એકાધિકાર નથી તે વાત સાચી છે, પણ આજકાલ પોતાને તકલીફ પડે ત્યારે સત્તાધીશો અને ઉદ્યોગપતિઓ અને વગદાર લોકો મીડિયાને બ્લેમ કરે છે. આ એક નવી ચાલ ચાલતી થઈ છે. તેની પાછળ કેટલા હિતો છે, જે પદ્ધતિસર તેને ઉત્તેજન આપી રહ્યાં છે. પત્રકારોએ તેને સમજીને તેનાથી સાવધ થવાની જરૂર છે અને વાચકોએ પણ સાવધ રહેવાનું છે. આખરે હિત વાચકોનું જાળવવાનું છે અને સત્ય વાચકો માટે મૂકી આપવાનું છે.

તામિલનાડુમાં કોપર પ્લાન્ટના વિરોધમાં સ્થાનિક લોકો એકઠા થયાં. ટોળું તોફાની થયું. તોફાની ટોળાં પર પોલીસે ગોળીબાર કરવો પડે. પણ તામિલનાડુમાં શું થયું? પોલીસે નિશાન તાકીતાકીને ગોળીઓ છોડી. ટોળાંને વિખેરવા નહીં, પણ ટોળાંમાંથી કેટલાને પાડી દેવા માટે ગોળીબાર થયો. આ બહુ આઘાતજનક છે અને આ સ્થિતિનું સત્ય સૌએ સમજવું પડે તેમ છે. એ ઘટનામાં પણ સત્ય શું છે તે તરત બહાર નથી આવ્યું, પણ આવી રહ્યું છે. તેમાં પણ ઉદ્યોગગૃહો અને સત્તાધીશોની સાઠગાંઠ અને મીડિયાગૃહોની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે.

ઇલોન મસ્કની પ્રવદા જેવી સાઇટ આ સત્ય અને સવાલો ઊભા કરવા માટેનું યોગ્ય માધ્યમ છે ખરું? કદાચ નહીં. મીડિયાનું કોર્પોરેટીકરણ થાય ત્યારે સમસ્યા થાય છે તે આપણે સમજી છીએ. પ્રવદા એ કોર્પોરેટે ઊભું કરેલું માધ્યમ જ રહેવાનું. મીડિયાનો મિજાજ સ્વતંત્ર રહેવો જોઈએ. મીડિયા સ્વતંત્ર રહેવા જોઈએ અને એકથી વધારે સંખ્યામાં રહેવા જોઈએ, જેથી બે પરસ્પર વિરોધી વિચારધારાના, માન્યતાના મીડિયામાં પ્રગટ થનારા બે અસત્યો આમનેસામને અથડાય ત્યારે તેમાંથી પ્રવદા પ્રગટે, પ્રવદા પ્રસ્ફૂટ થાય, પ્રવદા પ્રસરે અને પ્રવદાનો પ્રવાહ વહેતો થાય.