આપણા માટે તો તાલાલાથી કેસર કેરીના ટ્રક આવવા લાગે એટલે કેરીની સિઝન શરૂ થાય. સાથે વલસાડની હાફૂસ પણ આવી ગઈ અને થોડા દિવસમાં બીજી પણ વરાઇટી આવે અને મે મહિનો આખો કેરી માણવાનો મહિનો. જૂનના વાદળા બંધાવા લાગે એટલે કેરીની સિઝન પૂરી થવા લાગે. પણ આ આમ આદમીની આમની વાત છે. ખાસ આદમી માટે આમ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે. મુંબઈમાં બારે મહિના કેરી મળે એવું કહેવાય, પણ ગુજરાતમાં મુખ્ય શહેરોમાં પણ હવે આખું વરસ કેરી મળ્યા કરે. ચોમાસું બાદ કરી નાખીએ, કેમ કે ભેજ અને કેરીને વેર છે.પણ કેરીની મોસમની શરૂઆત સૌથી વધારે ભેજવાળા પ્રદેશ કેરળથી જ થાય છે. તાલાલા, વલસાડ અને રત્નાગીરી જેટલું જ જાણીતું નામ મુથલમાડા છે. પલાક્કડ નજીકના આ ગામ અને આસપાસમાં એકલા આંબાવાડીયા જ જોવા મળે છે. આપણે મે મહિનામાં 41 ડિગ્રી અનુભવીએ અને કેરી ખાવાનો આનંદ લઈએ ત્યારે માર્ચમાં જ મુથલમાડામાં 41 ડિગ્રી ગરમી પડવા લાગે છે અને બંગનપલ્લી કેરીનો ઉતાર આવવા લાગે છે. લગ્નની સિઝનમાં તાજી કેરીનો રસ ખવરાવવો હોય તો ટીનપેકના બદલે કેરળની કેરી મોટા શહેરોમાં મળે છે. કેટરરને આ વર્ષોથી ખબર છે, પણ આ કેરી મુથલમાડાના વાડીઓમાંથી આવે છે તે ફ્રૂટના જથ્થાબંધ વેપારીઓને જ ખબર હોય છે.
પલાક્કડથી તામિલનાડુની સરહદ તરફ જઈએ એટલે 27 કિમી મુથલમાડા થાય. તામિલનાડુનું ગોવિંદપુર ટાઉન ત્યાંથી સાવ નજીક પડે છે. જોકે કેરી કેરલની સૌ પ્રથમ આવે. તામિલનાડુની કેરી એપ્રિલમાં આવે. આસપાસની બધી જ વાડીઓમાં આંબા વાવેલા છે. કૃષિ વિભાગના આંકડાં પ્રમાણે 4500 હેક્ટરમાં આંબાવાડિયા આવેલા છે અને સ્થાનિક માર્કેટિંગ યાર્ડના અનુમાન અનુસાર આ વર્ષે 200 કરોડ રૂપિયાથી વધારેની કેરીની અહીંથી નિકાસ થશે. નિકાસ એટલા માટે કે મુંબઇ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી અહીંથી ટ્રક ભરાઇને કેરી માર્ચમાં રવાના થવા લાગે છે, પણ એટલા જ મોટા પ્રમાણમાં સીધી ગલ્ફ અને યુરોપમાં પણ નિકાસ થાય છે. તાલાલામાં માત્ર કેસર ઊગે અને રત્નાગીરી તથા વલસાડમાં હાફૂસ. સૌરાષ્ટ્રમાં જમાદાર કેરી અને દેશી કેરી પણ ઘણી થતી હતી, પણ વરાઇટી ઓછી થતી જાય છે. તેની સામે આ પલાક્કડ વિસ્તારમાં કેરીની પણ ઘણી બધી વરાઇટી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની હાફૂસ પણ અહીં ઉગે છે અને ઉત્તર પ્રદેશની તોતાપુરી પણ અહીં પાકે છે. આ કેરી અહીંથી ગુજરાત, મુંબઈ અને દિલ્હી સુધી જાય છે. આ ઉપરાંત ઉત્તર ભારતના માર્કેટ માટે વધારે ચાલતી વરાઇટીમાં માલ્ગોવા અને બંગનપલ્લીનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોને પ્રિયોર વધારે ગમે છે, જેમાં રસ વધારે હોય છે. નીલમ કેસર જેવી કડક હોય છે અને તે લાંબો સમય બગડતી નથી. ચંદ્રકારણ બહુ ખુશ્બોદાર હોય છે, જેનો શાક તરીકે પણ ઉપયોગ કરી શકાય અને મૂવાન્ડન કેરીમાં અથાણું બને છે. ફેબ્રુઆરીના અંતમાં જ પ્રિયોર કેરી તૈયાર થઈ ગઈ હોય છે અને તરત જ બંગનપલ્લી પણ બજારમાં આવી જાય છે. જોકે બગીચા આપી દેવાનું કામ સાત મહિના પહેલા થઈ ગયું હોય છે. ઉત્તર ભારતના કેરીના વેપારીઓ ચોમાસું ભરપુર હોય અને કેરીનો વેપારી પૂરો થઈ ગયો હોય ત્યારે આવતા વર્ષની તૈયારી માટે કેરળ પહોંચી જાય છે. ઓગસ્ટમાં જ ભાવતાલ થઈ જાય અને આખો બગીચો રાખી લેવામાં આવે. તે પછી પાંચ મહિના વાડીવાળા માવજત કરે. જાન્યુઆરીથી વેપારીઓ અહીં આવી જાય અને વેપારની તૈયારીઓ કરવા લાગે. છેક એપ્રિલ સુધી આ વેપારીઓ અહીં રહેતા હોય છે.
મુંબઈ, દિલ્હી, જયપુર, અમદાવાદના ફ્રૂટના વેપારીઓ માટે આ કસદાર ધંધો થઈ ગયો છે. મુથલમાડાની કેરી મોંઘી પણ હોય છે. 400 રૂપિયે કિલોથી ભાવ શરૂ થતો હોય છે. શિયાળાની લગ્નની સિઝનમાં કેરીનો રસ ઓછો હોય છે, પણ જો આપવાનો થાય તો હવે તૈયાર ટીનપેક મળે છે. ગુજરાતમાં તાલાલાના ખેડૂતો પણ હવે શીખી ગયા છે અને સિઝનના અંતે ભાવ બહુ ઘટવા લાગે ત્યારે બજારમાં કેરી વેચવાના બદલે તેનો રસ કાઢીને ટીનના ડબ્બામાં પેક કરી દેવાય છે. તેને ડિપ ફ્રિઝમાં મૂકી દેવાય છે, જે દિવાળી પછી લગ્ન સિઝનમાં વેચાય છે. આમ છતાં મુંબઈ, દિલ્હીમાં તાજી કેરીનો આગ્રહ હોય ત્યારે ફ્રૂટના વેપારીઓ કેરળની આ કેરીઓ લાવી આપે છે.
વાહનવ્યવહાર વધ્યો અને કેરીની નિકાસ ગલ્ફના દેશોમાં વધી પછી અહીં આંબાવાડિયા વધ્યા છે. આટલી વાડીઓ આ પહેલા નહોતી. પાણીની એટલી સમસ્યા નહોતી, ત્યારે પરંપરાગત રીતે ડાંગરની ખેતી વધારે થતી હતી. પણ પાણી ઘટવા લાગ્યું છે અને કેરી રોકડિયો પાક ગણાતો હોવાથી છેલ્લા કેટલાક દાયકાથી વધુ ને વધુ જમીનમાં આંબાવાડિયા બની ગયા છે.
કેરળ અને તામિલનાડુ વચ્ચે પેરિયાર ડેમ પ્રોજેક્ટનો વિવાદ છે તે આ વિસ્તારમાં આવેલો છે. તેથી સરકાર માટે પણ ખેડૂતોને પાણી આપવું સહેલું નથી. બીજું સરકાર પોતે જ હવે ઇચ્છે છે કે વધારે પાણીથી તૈયાર થતા ચોખાના બદલે કેરીના બગીચા બને. પાણી પણ ઓછું જોઈએ છે ને રોકડિયો પાક હોવાથી ખેડૂતો ખુશ રહે છે. જોકે વર્ષો પહેલાં અહીં નિયમ હતો કે ખેડૂતોએ ફરજિયાત ડાંગર વાવવી પડે. બીજો પાક લેવા માટે કલેક્ટરની પરવાનગી જોઈએ. હવે ખેડૂતોને આંબા વાવવા સહેલાઇથી પરમિશન મળી જાય છે.
કેરલમાં ફેબ્રુઆરી અને માર્ચ કેરીની સિઝન ગણાય. તે પછી તરત જ તામિલનાડુમાં એપ્રિલમાં કેરીની સિઝન આવે. અને તેનાથી ઉપરની તરફ ઉત્તરમાં આગળ વધીએ એટલે આંધ્રના વિજયવાડામાં મે મહિનામાં કેરીની સિઝન આવી ગઈ હોય. ત્યાં સુધીમાં મહારાષ્ટ્ર રત્નાગીરી, વલસાડની હાફૂસ પણ આવવા લાગે અને મે મહિનો આખો કેસર કેરીને નામ રહે. હવે કચ્છમાં પણ કેસર કેરી થવા લાગી છે. જૂનમાં વરસાદ સાથે સિઝન પૂરી થાય ત્યારે બિહાર અને યુપીની તોતાપુરી તૈયાર થઈ ગઇ હોય. લંગડો વગેરે ઉત્તર ભારતની કેરીની મોસમ છેક જુલાઈ સુધી ચાલે છે. આ રીતે ફેબ્રઆરીમાં કેરળમાં શરૂ થયેલી કેરીની મોસમ છેક જુલાઈના અંત સુધી બિહારમાં ચાલે છે અને તે પછી પણ રસ ખાવાની ઇચ્છા હોય તો ટીનપેક તો મળે જ છે હવે. બિહારમાં એક ખેડૂતે એક જ આંબા પર એક ડઝન કરતાં વધારે પ્રકારની કેરીઓ ઉગાડી છે. તે એક વર્લ્ડ રેકર્ડ છે, જેના વિશે તમે વાંચ્યું હશે. ના વાંચ્યું હોય તો કમેન્ટમાં જણાવજો, આવતા હપ્તે તેમની વાત લખીશું.