ધનતેરસઃ આ ધનનું પણ જતન કરીએ….

હિંદુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એટલે દીપાવલી. તેની શરૂઆત ધનતેરસથી થાય. સામાન્ય રીતે તેરના અંકને અશુભ માનવામાં આવે છે, આમ છતાં આખા વરસ દરમ્યાનની આ એક તેરસ શુભ મનાય છે.

એક માન્યતા મુજબ દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર એટલે ધનતેરસ. આ દિવસે ધનનો મહિમા પણ ગવાયો છે અને ધનના દેવતા ‘કુબેર’ની પૂજા થાય છે. સોના-ચાંદીની ખરીદી માટે પણ આ દિવસ અતિ શુભ મનાય છે. આમ, ધનતેરસ એટલે સુખ અને સમૃદ્ધિના સ્વાગતનું પ્રતીક.

બદલાતા સમયમાં ધનતેરસના આ પારંપરિક માહત્મ્યને જૂદી રીતે પણ વિચારી શકાય. જીવવા માટે સોનું-ચાંદી,ધન-દોલત કે ભૌતિક સુખો જ પર્યાપ્ત નથી. લાગણી, હૂંફ, પ્રેમ, સંબંધોની પણ માણસને જરૂર છે. આ બધા વગર જીવન શક્ય જ નથી. આજના દિવસે કંઈક નવા વિચારો અને નવા દ્રષ્ટિકોણ પર અમલ કરી એ રીતે પણ નવો દીપ પ્રગટાવી શકાય.

આપણાં જીવનકાળ દરમ્યાન આપણી જિંદગીના અમુક અતિ મૂલ્યવાન ધનને આપણે કેમ ભૂલી શકીએ?

  • આંગળી ઝાલીને, ટાઢ-તાપ વેઠીને જેમણે આપણને મોટા કર્યા એ વૃદ્ધો આપણું ધન નથી?
  • ઠીકરાંની પાટીમાં અક્ષર પડાવીને જીવતરના પાઠ શીખવ્યા એ શિક્ષકો આપણું ધન નથી?
  • શેરીમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા એકા’દ ઘરનો કાચ આપણાથી ફૂટ્યો હોય અને આજીવન એ રાઝને હૈયામાં દફનાવી દેનાર આપણાં મિત્રો આપણું ધન નથી?
  • જીવનની નાની-મોટી આપણી તમામ જરૂરિયાતને એમના શોખ સમજીને પુરી કરનાર આપણું “પોતીકું” પાત્ર આપણું ધન નથી?
  • જેમના થકી જીવતરની વાડી લીલી થઈ એવા આપણા સંતાન એ આપણું ધન નથી?
  • “કુટુંબ પહેલા દેશ અને મારા પહેલા તમે” આવું વિચારી આપણી દિવાળી અજવાળવા પોતાની જાતને જલાવતા પણ પીછેહઠ નથી કરતા એ સરહદ પરના જવાનો આપણું ધન નથી?

 

આવા ધનનો સંચય કરવો અને એનું યોગ્ય જતન કરવું એ પણ આપણી જવાબદારી છે. ભૌતિક સુખો વગર જીવન હજી શક્ય છે, પરંતુ મન, હૃદય અને આત્માનો ખોરાક તો છે આ લાગણીઓ. લાગણીની, પ્રેમની સરવાણી દરેકના હ્ર્દયમાં સતત ફૂટ્યા કરે એ આવશ્યક છે. ‘શેના માટે જીવવું?’ એના કરતાં ‘કોના માટે જીવવું?’ એ વધારે મહત્વનું છે. તિજોરીના ધન કરતાં વધુ કિંમતી છે મનની તિજોરીનું ધન. એનું જતન થશે ત્યારે જ અંતરનો દીપ પ્રગટશે.

આજના દિવસે આપણાં સૌના મનમાં આ નવા દ્રષ્ટિકોણના દીવાની હારમાળા પ્રગટે અને આવા તમામ ધનનું જતન થાય એવી મંગલ કામના કરીએ.

(નીતા સોજીત્રા)