અદ્રશ્ય વિષાણુઓ અને તેની સામેનાં લડવૈયાઓ 

કોરોનાના કહેર વચ્ચે હમણાં ઇન્દોર અને પતિયાલામાં બનેલી બે ઘટનાએ આપણને સૌને અંદરથી હચમચાવી મૂક્યા છે. કોરોના વાઇરસ કરતાં ય આ અદશ્ય વાઇરસ કેમ ખતરનાક છે એ જાણીતા શિક્ષણવિદ ડો. ઇન્દુ રાવ અહીં સમજાવે છે…


બે એવી ઘટનાઓ હમણાં બની છે જેના કારણે હાલની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિ દરમિયાન આપણાં સમાજ અને સંસ્થાનો વચ્ચે ઉછરી રહેલા નબળી માનસિકતાનાં બીજા કેટલાક અદ્રશ્ય વાયરસો પણ પ્રકાશમાં લાવી દીધા છે. ઇન્દોરમાં ગયા અઠવાડીએ છાકટા થયેલા ટોળાએ કોરોના વાયરસનાં ટેસ્ટ માટે ગયેલા ડૉક્ટર્સ  અને નર્સ ઉપર પથ્થરમારો શરુ કરી દીધો.

અને બીજો બનાવ તરત જ બન્યો પતિયાલામાં. હિંસક થયેલા ટોળાએ લોકડાઉનના પાલન માટે ઉભા કરાયેલા ચેકપોઇન્ટ ઉપર હાજર આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર કક્ષાનાં પોલીસ અધિકારીના હાથનો પંજો કાપી નાખ્યો અને ફરજ ઉપરનાં બીજા કેટલાયને ઘાયલ કરી નાખ્યા. કોરોના સામેનાં મહાયુદ્ધનાં લડવૈયા એવા આ મેડિકલ સ્ટાફ અને પોલીસનાં બચાવપક્ષે પ્રસાશન તેમજ સમાજ જો કે તરત જ આવી ગયાં. ઈન્દોરનાં પથ્થરબાજોની દેશભરમાં ટીકા થઇ અને તેમનાં આકાઓએ માફી માગવી પડી અને ટેસ્ટ અને ટ્રીટમેન્ટ માટે સંમત પણ થવું પડ્યું. એવી જ રીતે  પતિયાલાની ઘટનાની એકસૂરે આખા દેશમાં ઘેરી નિંદા થઇ છે અને દોષિતોને ઘટતી સજા પણ થશે જ. આ બન્ને ઘટનાઓનું શબ્દોથી વર્ણન કરવું પણ અઘરું પડે તેટલી ઘૃણાસ્પદ છે.

 

 

પ્રશ્ન અહીં એ થાય છે કે આપણાં મૂલ્યોનું આટલું અધઃપતન કેમ થઇ ગયું છે કે આવા નાજુક સમયે આપણી સેવા અને સલામતી માટે ખડેપગે રહેલા મેડિકલ સ્ટાફ અને પોલીસ ઉપર પણ હુમલાઓ થવા લાગે.  સમાજમાં નીતિમત્તાનાં મૂલ્યોના શિક્ષણ બાબતે આપણી સ્કૂલ અને કોલેજો શું કરી રહી છે? યુનિવર્સિટીઓમાં છાનાખૂણે ફેલાઈ ગયેલા નબળી માનસિકતાનાં આ કોરોના જેટલા જ ઘાતક “વાયરસ”થી ઉદ્દભવેલા આવા દુર્વ્યવહારોની જવાબદારી લેવા આપણે સમાજ તરીકે તૈયાર છીએ ખરા? કે આ બાબતે પણ આપણે આંખ મીંચામણાં કરીને અન્યોને જવાબદાર ઠેરવવાની શાહમૃગનીતિ જ અપનાવીશું? આ અદ્રશ્ય “વાયરસ” સામે કડકાઈ કરીને અત્યારે તો પ્રસાશન અને સમાજે સમય ચોક્કસપણે સાચવી જ લીધો છે; પરંતુ આવી જઘન્ય ઘટનાઓ ન બને તે પાછળ જેની મૂળભૂત જવાબદારી ગણી શકાય તેવી આપણી એજ્યુકેશન સિસ્ટમનું શું?

વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતા અવગણના, અસલામતી, વિશિષ્ટતાનાં અભાવ જેવા શરૂઆતમાં સામાન્ય લાગતા “વિષાણુઓ”નાં કારણે જ આગળ જતાં વિવિધ પ્રકારની ગુંડાગર્દીનો મહામારી જેઓ ચેપ સ્કૂલ-કોલેજોમાં લાગવાનું શરુ થઇ જાય છે, તે શિક્ષણક્ષેત્રનાં લોકો જાણતા હશે. આવા વિષાણુઓનાં અસ્તિત્વની સમાજને ખબર નથી હોતી અને શિક્ષણનીતિનાં ઘડવૈયાઓ એ તરફે બેધ્યાન રહેવાનું પસંદ કરે છે. આવા “વિષાણુઓ”ને અગાઉથી પારખીને તે ઘાતક ન બને તેવી નક્કર પોલિસીઓ  યુનિવર્સિટીઓ દ્વારા ઘડાય તો સામુહિક સહઅસ્તિત્વ અને ઉદ્દાત ભાવનાઓ જેવા નૈતિક મૂલ્યોનાં કેળવણીબીજ સમાજમાં રોપી શકાય. પરંતુ, આવું થતું નથી અને ચેપગ્રસ્ત કહી શકાય તેવી જ અવસ્થામાં આપણી યુનિવર્સિટીઓ પોતાનું કામ કર્યે જાય છે. આ એક નુકસાનકારક અભિગમ છે અને તેનાથી યુનિવર્સિટીઓના અસ્તિત્વનો મૂળભૂત હેતુ માર્યો જાય છે. દુનિયાની ટોપ યુનિવર્સિટીઓનાં રેન્કિંગમાં આપણાં દેશની આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ યુનિવર્સિટીઓ શું કામ છે તેની પાછળનું આ એક મોટું અને મહત્વનું કારણ છે. કુંઠિત માનસિકતાનાં આ ઘાતક વાઇરસથી સંક્રમિત શિક્ષણશાસ્ત્રીઓનો પગદંડો જ્યાં સુધી આપણી યુનિવર્સિટીઓમાં રહેશે ત્યાં સુધી નવી પેઢીનાં વિદ્યાર્થીઓ અને પરિણામસ્વરૂપે સમાજને પણ તેની વિપરીત અસરો સહન કરવાની આવશે તે નિશ્ચિત છે.

સદભાગ્યે દરેક યુનિવર્સિટીઓ આ અદ્રશ્ય વાયરસથી ચેપગ્રસ્ત છે તેવું પણ નથી. કેટલીક યુનિવર્સિટીઓ આ બાબતે યોદ્ધા જેમ ચોક્કસ કામ કરી રહી છે. અત્યારની અદ્રશ્ય વિષાણુ થી ચેપગ્રસ્ત એજ્યુકેશન સિસ્ટમનાં માહોલમાં આવી સંસ્થાઓએ જો કે પોતાને કવૉરન્ટીન કરીને અલગ પાડી દીધી છે. તેમની પવિત્રતાને આંચ આવતી જયારે પણ તેમને દેખાણી ત્યારે ઉપર ટાંકેલા બે બનાવો મુજબ મુકાબલો કરવાં ડૉક્ટર, નર્સ અને પોલીસ માફક રણસંગ્રામમાં ઉતરતા પણ તેઓ અચકાયા નથી. પરંતુ હકીકત એ પણ છે કે સિસ્ટમને લાગુ પડેલા રોગ અને તેના નિદાન માટે જયારે જયારે તેઓએ સક્રિય થવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે અન્ય યુનિવર્સિટીઓની વિષાણુ સંક્રમિત સ્થાપિત ટોળકીઓએ ઇન્દોરની ઘટના માફક તેમને ભગાડી મૂકવા પથ્થરમારા સમાન હેરાનગતિઓ ઉભી કરેલી છે. આ ટોળકીઓ સામે મક્ક્મતાથી સામનો કરવાની જયારે પણ કોઈએ ચેસ્ટા કરી ત્યારે પતિયાલાની ઘટના માફક તેઓ કાંડા કાપી નાખતા પણ ક્યારેય ખચકાયા નથી. આ સંજોગોમાં નાસીપાસ થયેલી આવી અનેક યુનિવર્સિટીઓનાં સંચાલકોએ છેવટે પોતાની કામગીરી સ્થગિત કરવી પડી છે અને અમુક કિસ્સાઓમાં તો દેશ છોડવા સુધીનાં તેમને  દિવસો આવી ગયાનાં દાખલાઓ છે. અત્યંત દબાણ હેઠળ આવી અનેક યુનિવર્સિટીઓએ તો હાર કબૂલીને નાછૂટકે વિષાણુ સંક્રમિત સ્થાપિત ટોળકીઓ સાથે સામેલ પણ થઇ જવું પડ્યું છે.

મોટાભાગની યુનિવર્સિટીઓ એ સ્વીકારવા સુધ્ધા તૈયાર નથી હોતી કે તેઓ કોરોના જેવા જ ઘાતક વિષાણુથી ચેપગ્રસ્ત છે. ઉલટું, અમે એકદમ જ ઓલરાઇટ છીએ તેવું વાજીંત્ર વગાડતી રહે છે. આ માનિસકતાને ઇન્દોરનાં હુમલાખોરો કરતાં જુદી કઈ રીતે ગણવી? કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે જ્યાં સુધી મહાવિદ્યાલયોનાં સંચાલકો કેવા-કેવા નીતિગત સુધારાઓની તેમને જરૂર છે તે માટેનાં અભિપ્રાયો અને  યોજનાઓ અંગે ઉદારતાથી સાંભળવા પણ જો તૈયાર ન હોય તો તેમને ખ્યાલ પણ કઈ રીતે આવશે કે વાયરસ ક્યાં છૂપાયેલો પડ્યો છે અને તેની શું દવા છે. વિષાણુનાં સાયલન્ટ કેરિયર બનેલા સંચાલકોની સ્થાપિત ટોળકીઓ સુધારાઓના પ્રયત્નો સફળ થવા દે તેવી અપેક્ષા પણ આમાં કઈ રીતે રાખવી?

એક બીજી થિયરી એ પણ છે કે આવી કુંઠિત માનસિકતાનાં વિષાણુથી શિકાર થયેલાઓને એ સારી રીતે ખબર  જ છે કે તેમનામાં શું ખામીઓ છે. પરંતુ જો હક્કીત લોકો સમક્ષ ખુલ્લી પડી જાય તો પોતાની સત્તા અને હોદ્દાનાં સિંહાસનો ડગમગવા લાગે તેવા ડરથી તેઓ સુધારાઓની પ્રક્રિયામાં ભાગ લેવા તૈયાર નથી. હદ તો ત્યારે થાય છે કે પ્રસાશનનાં પીઠબળ સાથે  કોઈ એકલ-દોકલ યુનિવર્સિટીઓ આ બાબતે જો પહેલ કરે તો તેમને અફવાઓ અને ફેક ન્યૂઝ જેવાં માધ્યમોથી બદનામ કરીને ધક્કે ચડાવવામાં સ્થાપિત હિતો કોઈ કસર નથી છોડતા. આ બાબતને ઇન્દોર અને પતિયાલા ખાતે પૂરી ફરજનિષ્ઠા સાથે કામ કરી રહેલા ડોક્ટર્સ, નર્સ અને પોલીસ અધિકારીની જે હાલત કરવામાં આવી તેની સાથે સરખાવી જોવો એટલે પરિસ્થિતિનો અંદાજ આવે.

આપણે એ યાદ રાખવું જોઈએ કે  લડવૈયા જેવી ખુમારી સાથે શિક્ષણક્ષેત્રે સુધારાઓની આગેવાની લેનારાઓની અવગણના કરીને આપણે આડકતરી રીતે કેળવણીક્ષેત્રનાં દુશ્મનોને જ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ઇન્દોર અને પતિયાલા જેવી ઘટનાઓ પાછળ આપણી નબળી શિક્ષણનીતિનો દોષ સ્વીકારવા જેટલું વિશાળ મન આપણે નહીં રાખીએ તો આનાથી પણ વધુ ખતરનાક ઘટનાઓ માટે સમાજે તૈયાર રહેવું પડશે. યુનિવર્સિટીઓએ નીતિવિષયક ફેરફારો કરીને વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતા અવગણના, અસલામતી, વિશિષ્ટતાનાં અભાવ જેવા શરૂઆતમાં સામાન્ય લાગતા “વિષાણુઓ”નાં સંક્રમણ સામે લડાઈની  શરૂઆત કરવાની હવે તાતી જરૂર છે. આજુબાજુ આકાર લઇ રહેલી નાની-મોટી તમામ ઘટનાઓનું ઝીણવટથી પૃથ્થકરણ કરવાનું જો હવે ટાળીશું તો “વિષાણુઓ” વધુ જોર પકડશે તે ન ભૂલીએ.

(લેખિકા વેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની એકેડેમિક સ્ટાફ કોલેજના ડીરેક્ટર છે)