લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે, એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે, અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે શપથગ્રહણ કરી લીધાં છે. સાથે મોદી ટીમે પણ શપથ લીધાં છે. પણ ગુજરાતના રાજકીય ગરમાવો હજી એમનો એમ છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણી લડ્યાં, અને તે બને જીત્યાં માટે તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. જેથી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી, તેની ચૂંટણી યોજાશે. તે ચૂંટણીની ચોપાટમાં ભાજપના જ ઉમેદવાર જીતે તે માટે અત્યારથી સોગઠાં ગોઠવવાનું શરૂ થઈ ગયું છે.
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ 101નું છે. ચાર બેઠકો ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદરની પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપના ચાર પેરાશૂટ ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપના આ ચાર ધારાસભ્યોએ શપથ લીધાં, પછી ભાજપનું સંખ્યાબળ વધીને 105નું થયું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે દ્વારકાના પબુભા માણેકને ડીસ્કવૉલીફાય કર્યા છે, જેથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પબુભાને ગમે ત્યારે ડીસ્કવૉલીફાય જાહેર કરશે. તેમ જ અલ્પેશ ઠાકોર સહિત ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની વાતો ચાલી રહી છે. વધુ ચાર ધારાસભ્યો (1) હસમુખ પટેલ, (2) પરબત પટેલ, (3) ભરતસિંહ ડાભી અને (4) રતનસિંહ રાઠોડ લોકસભાની ચૂંટણી લડ્યાં છે, આ ચાર ધારાસભ્યો રાજીનામાં આપશે, તો તે બેઠક પર ફરીથી પેટાચૂંટણી યોજાશે. ફરી પાછું વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટી જશે.
જો રાજ્યસભામાં બે બેઠક જીતવી હશે તો ભાજપે સંખ્યાબળ વધારવું પડશે. માટે જ ભાજપ કોંગ્રેસમાંથી વિકેટ ખેરવીને ભાજપમાં લાવવા માટેના ચક્રો ગતિમાન કરી દીધાં છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા તો ભાજપમાં જોડાઈ જશે, અને ફરીથી ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડશે. જો કે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ખૂબ જ મહત્વનું નિવેદન કરીને કોંગ્રેસને ચોકાવી દીધી હતી કે કોંગ્રેસમાંથી હજી 15થી વધુ ધારાસભ્યોના રાજીનામાં પડશે, અને તેઓ ભાજપના સંપર્કમાં છે. જે નિવેદન પછી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
કોંગ્રેસની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થઈ છે, જેના આઘાતમાંથી હજી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ સહિત ટોચની નેતાગીરી બહાર નીકળી શકી નથી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું કે તેમ કરવા માટે મક્કમ છે તેવા અહેવાલ છે. દેશમાં ચારેકોરથી રાહુલ અધ્યક્ષપદે જળવાઈ રહે તે માટે લાગણીમાગણી ઉઠી છે. હારનું પોસ્ટમોર્ટમ કરવાનું હોય તેના સ્થાને હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું, અન્ય રાજ્યોના કેટલાંય પ્રદેશ પ્રમુખો અને વિપક્ષના નેતાપદેથી રાજીનામાં આપી દીધાં છે. હાલત એવી છે કે કોણ કોના રાજીનામાં સ્વીકારે, કોંગ્રેસના ટોચના અને સીનીયર નેતાઓ વિચાર કરતાં થઈ ગયાં છે કે 2014 કરતાં 2019 વધારે ભારે પડ્યું છે. એવું તો શું થયું કે જનતાએ કોંગ્રેસને નકારી છે.
કોંગ્રેસે જનતાને વચનો આપવામાં કાંઈ બાકી રાખ્યું જ નથી. આર્થિક પછાત લોકોને વાર્ષિક રૂપિયા 72,000(માસિક રૂ.6,000) આપવાનું વચન આપ્યું હતું. ખેડૂતોના દેવા માફ કરવાનું વચન, જીએસટીમાં એક સ્લેબ રાખવાની વાત, દરેકને ઘરનું ઘર આપવાનું વચન કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. આવા વચનો છતાં જનતા કોંગ્રેસ સાથે નથી ગઈ. આ ખૂબ મોટો વિચાર માગી લે તેવી વાત છે.
જો કે કેન્દ્રમાં મોદી સરકાર પાર્ટ-2 શરૂ થયો છે, લોકસભામાં સ્પષ્ટ બહુમતી ખરી, પણ રાજ્યસભામાં નથી. 2020માં એનડીએને બહુમતી મળશે, પણ ત્યાં સુધી મોદી સરકારે શાંતિથી નવા નિર્ણયો લેવા પડશે. નવા બિલ પસાર કરવામાં પણ સર્વાનુમતે નિર્ણયો લેવા પડશે. રાજ્યસભામાં કોઈ બિલ અટકી ન પડે તે પણ જોવું પડશે. 2020માં રાજ્યસભામાં એનડીએને બહુમતી મળે તે માટે ભાજપે અત્યારથી કમર કસી છે.
ગુજરાતમાં રાજ્યસભાના બે સાસંદોને ચૂંટીને મોકલવાના છે, જે પહેલાં ભાજપના બે સાંસદો જીતે તે માટે પૂરતું સંખ્યાબળ કરવા માટે અને કોંગ્રેસનું સંખ્યાબળ ઘટે તે માટે રાજકીય દાવપેચ રમવા પડશે. જે માટે ગુજરાતમાં આગામી દિવસોમાં રાજકીય ગરમી વધુ રહશે. રાજ્યસભાની ચૂંટણી તો ખરી, પણ સાથે વિધાનસભાની પેટાચૂંટણી પણ આવશે. ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ શું ચૂકાદો આપે છે તેના પર પણ સૌની નજર છે. ટૂંકમાં લોકસભાની ચૂંટણી ભલે પૂરી થઈ પણ ગુજરાતમાં રાજકીય વાતાવરણ તંગ અને ગરમ રહેશે.
અહેવાલ- પારુલ રાવલ