કલમ 370નો આડકતરો મેસેજ – કાશ્મીરનો મામલો માત્ર ભારતનો

લમ 370ને દૂર કરવાથી એકથી વધુ પ્રકારના મેસેજ ગયા છે. તેમાં રાજકીય મેસેજીસનો મારો વધારે ચાલ્યો, પણ લોકતંત્રમાં તે સ્વાભાવિક છે. કોઈ પણ રાજકીય પક્ષ રાજકીય રીતે જોખમી લાગતું પગલું લે ત્યારે તેનો રાજકીય લાભ લેવાની કોશિશ પણ કરે. જોખમ ઉઠાવે તેને ફળ મળે. રાજકીય રીતે જોખમી લાગતું પગલું, ઘણી વાર રાજકીય રીતે બહુ લાભદાયી પણ નીવડે. કલમ 370 અને 35-એ અને રાજ્યની પુનઃરચના એ ત્રણેય પગલાં દ્વારા રાજકીય રીતે બહુ મોટો લાભ ભાજપને મળવાનો છે. ભૂતકાળમાં 370 કલમનો બચાવ કરીને લાભ લેતા આવેલા રાજકીય પક્ષોની હાલત કાશ્મીર લેતા રાષ્ટ્ર ખોયું તેના જેવી થઈ છે. કોંગ્રેસ જેવા મુખ્ય ધારાના પક્ષે વર્ષો સુધી કલમ 370ના નામે લઘુમતીનું તુષ્ટિકરણનો ફાયદો લીધો. હજી એ જ મુદ્દાને વળગી રહીને કાશ્મીરના પ્રાદેશિક પક્ષ જેટલી સ્થિતિ પણ ના રહે તેવી હાલત કોંગ્રેસની થઈ છે. કાશ્મીરમાં આનો નાનકડો ફાયદો થશે તો અબ્દુલ્લા અને મુફ્તિ પરિવારોને થશે, કોંગ્રેસ છાસ લેવા જતા દોણી ગુમાવવા જેવો ઘાટ થયો છે.

લદાખ જેવા નાના પ્રદેશોને અલગ ઓળખ આપવાનો એક મેસેજ પણ ગયો છે. તેના કારણે ઇશાન ભારતમાં નાના નાના કેન્દ્ર શાસિત પ્રદેશો એકાદ બે વધારે બને તેવું પણ બને. ઇશાન ભારતમાં બે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. કેટલોક પ્રદેશ પહાડી છે, કેટલો પ્રદેશ સમથળ. પહાડીઓ પર મૂળ પ્રજા વસે છે, આદિવાસીઓ વસે છે અને મેદાનોમાં બહારથી આવેલા લોકોની સંખ્યા વધારે છે. બંને વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે. હિલ કાઉન્સિલની અલગ રચના માટેની માગણી વધે તેવું પણ બને. આ બધા વચ્ચે એક મહત્ત્વનો મેસેજ એ પણ ગયો છે કે જમ્મુ અને કાશ્મીરનો મામલો એ માત્ર  ભારતનો મામલો છે. અત્યાર સુધી, હકીકતમાં આજની ઘડીએ પણ, સત્તાવાર રીતે સ્થિતિ એવી છે કે કાશ્મીરનો મામલો દ્વિપક્ષી છે. શિમલા કરાર કે લાહોર સમજૂતિ સુધી આ મામલે ભારત અને પાકિસ્તાન વાટાઘાટો કરે અને સહમતીથી ઉકેલ લાવે તેવી સત્તાવાર સ્થિતિ છે.

એ સ્થિતિ મને લાગે છે પલટાઈ ગઈ છે. ભારતે પોતાની રીતે જ નિર્ણય કરીને કાશ્મીરનો મામલો માત્ર અમારો મામલો છે, તેવો સ્પષ્ટ મેસેજ આપ્યો છે. આ મામલે અમારે કોઈને પૂછવાનું થતું નથી. કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. કોઈને જાણ કરવાની તમા પણ નથી. આવી તમા રાખવી જરૂરી છે, જો દેશ મહાસત્તાની તાકાત રાખવા માગતો હોય. મહાસત્તા પોતાના મામલા પોતાની રીતે જ સંભાળે. તેમાં દુનિયાને પૂછવા કે કહેવા કે દેખાડવા જવાનું ના હોય. ભારતની મહાસત્તાની મહત્ત્વાકાંક્ષા કંઈ અજાણી નથી. તે દિશામાં ધીમી પણ મક્કમ ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આર્થિક મહાસત્તા પહેલાં બનીશું, રાજદ્વારી સત્તા પછી બનીશું અને છેલ્લે લશ્કરી સત્તા બનવું પણ કદાચ અનિવાર્ય હશે.  કલમ 370 તે દિશામાં લેવાયેલું વધુ એક બહુ મહત્ત્વનું પગલું છે. વધુ એક એટલા માટે કે ધીમે ધીમે એક એક ડગલું દેશ ભરતો રહ્યો છે. શરૂઆત કદાચ આઝાદી પ્રાપ્તિ સાથે જ થઈ ગઈ હતી. અંગ્રેજોને અહીંથી કાઢીને અને તે રીતે દુનિયાભરના તેના સામ્રાજ્યના અંતની શરૂઆત કરીને ભારતે પ્રથમ પગલું ભર્યું હતું.
અંગ્રેજોએ જતાં જતાં અટકચાળાં કર્યાં હતાં અને દેશના બે ટુકડા કરી નાખ્યા હતા. ભારત તેમાંથી પણ ઉગરી ગયું. વસતિની ફેરબદલને કારણે ભારે ખુવારી ભોગવવી પડી, પણ દેશ તેમાંથી પણ બહાર આવી શક્યો. પાંચ જ વર્ષમાં શાંતિની સ્થાપના કરીને પ્રથમવાર મુક્ત ભારતમાં ચૂંટણી પણ કરાવી શક્યો. તે બીજું મહત્ત્વનું કદમ હતું.


સામ્યવાદીઓ દુનિયાભરમાં ભાંગફોડ કરતાં રહ્યા છે. સામ્યવાદીઓને કારણે હિંસા અને સશસ્ત્ર ક્રાંતિનો એક એક તબક્કો અનેક દેશોમાં આવ્યો છે. ભારતે સામ્યવાદીઓને પણ પલટાવી નાખ્યા. સામ્યવાદીઓ અને સમાજવાદીઓ ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા. ચૂંટણી લડીને સત્તા પર આવ્યા અને લાંબો સમય કેન્દ્રમાં પણ સત્તાના ખેલાડીઓ રહ્યા. આઝાદી પછી વિપક્ષ પણ તરત ઊભો થયો હતો. તેમાં જમીનદારો, શોષણખોરો, જ્ઞાતિવાદી સ્થાપિત હિતોના ટેકેદારો વધારે હતા. તેમને પણ આઝાદીમાં રસ નહોતો, તાનાશાહીમાં રસ હતો. આમ બબ્બે પ્રકારની તાનાશાહી વિચારધારાને ભારતે શમાવી અને સમાવી અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર બનાવી તે મહાસત્તાનું અગત્યનું લક્ષણ છે. તે વધારે એક કદમ હતું. બહુ પ્રારંભમાં જ બિનજોડાણવાદ જેવી નીતિમાં જોડાઈને ભારતે દુનિયાના રાજદ્વારી ક્ષેત્રમાં ઊડીને આંખે વળગે તેવી હાજરી રાખી હતી. તે નીતિ સફળ ભલે ના થઈ, પણ ભારતની નોંધ લેવી પડી. આગળ જતાં ભારતે જરૂર પડી ત્યારે સોવિયેટ સંઘ સાથે દોસ્તી દૃઢ પણ કરી. ચીનના આક્રમણનો ઘા ખમી ખાધો, અને પાકિસ્તાનને આખરે જોરદાર ઘા મારીને તેના ટુકડા કરી નાખ્યા. તે પણ વધારે એક મક્કમ કદમ હતું.

ભારતનું લોકતંત્ર કટોકટી પણ સહન કરી ગયું. તેનો સમાનો થઈ શક્યો, તે પછી તેની સામે વિપક્ષી મોરચો બની શક્યો અને ફરીથી ચૂંટણી પણ થઈ શકી. તેમાં વિજય પણ મળ્યો. પરંતુ કટોકટીને કારણે ઊભી થયેલી કડવાશ અને દુશ્મનીમાં બદલાની ભાવના રાખવામાં ના આવી. નહિતો કટોકટી હટ્યા પછી, સત્તા પરિવર્તન પછી સ્થિતિ ઉલટાની વકરી હોત. ભારતના મતદારોની જેમ જ ભારતના નેતાઓએ, બધા જ નેતાઓએ સમજદારી દાખવી અને જૂનું ભૂલી, આગળ વધવાની વાત સ્વીકારી તે પણ મહાસત્તા બનવા તરફનું કદમ હતું. એક વાર અણુપ્રયોગ થઈ ચૂક્યો હતો, તે પછી ભારતે પોખરણ-2નું મિશન પણ પાર પાડ્યું. દુનિયાએ મૂકેલા પ્રતિબંધોને પણ પાર કરી ગયું. દરમિયાન ઉપગ્રહો તૈયાર કરવાથી શરૂ કરીને, તેમને છોડવા, છોડવા માટેના રોકેટ તૈયાર કરવા, રોકેટને વધારે શક્તિશાળી બનાવવા અને ચંદ્ર અને મંગળ પર પહોંચવા સુધીની વૈજ્ઞાનિક તાકાત પણ હાંસલ થતી રહી. મહાસત્તા બનવા માટે આ તાકાત જોઈએ.

જરૂર પડી ત્યારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના સાલિયાણાં ગયા, ગોલ્ડ કન્ટ્રોલ એક્ટ, હજારથી મોટી નોટો બંધ અને લેટેસ્ટ નોટબંધીના આર્થિક ફટકા પણ દેશે સહન કર્યા. મહાસત્તા જ આવા ફટકા સહન કરી શકે.
આઝાદી વખતે જ વંચિત રહી ગયેલા માટે સકારાત્મક પક્ષપાતની નીતિ અપનાવાઈ હતી, તે વી. પી. સિંહ આગળ વધારી હતી. મંડલ પંચની સામે કમંડળનું આંદોલન દેશે જોયું અને છેલ્લે અનામતનો કકળાટ મટે તે માટે સમૃદ્ધ લોકો માટેની અનામતનું અચરજ પણ દેશે જોઈ લીધું. અમેરિકા જેવા દેશોના કેટલાક રાજ્યોમાં ગર્ભપાતની મંજૂરી ના આપવા માટેની માગણી થાય તેના જેવા અચરજ ભારતે ઘણા જોયા છે. શ્રીલંકામાં આઈપીકેએફ મોકલવામાં આવ્યું ત્યારે ભારત પ્રાદેશિક મહાસત્તા બની ચૂક્યું છે કે કેમ તેવી ચર્ચાઓ વ્યાપક રીતે થઈ હતી. તે પછી દુનિયાભરમાં પીસકિંપિંગ ફોર્સમાં ભારતીય સૈનિકોની ઉમદા કામગીરી દુનિયાએ વખાણી છે. મહાસત્તાનું લશ્કર આવું જ હોય. પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે તે વાતને સાબિત કરવા માટે રાજદ્વારી પગલાં પણ ખૂબ લેવાયા અને આખરે જરૂર પડી ત્યારે તેની સરહદમાં ઘૂસીને બૉમ્બ પણ ભારતીય સેના ફોડી આવી. સામો હુમલો કરવા આવ્યું તો બે વિમાનો તોડી પાડ્યા. ભારતનું વિમાન તૂટી પડ્યું અને પાઇલટ પકડાઈ ગયો તો તેને તાત્કાલિક સોંપી દેવાનો કાન પણ આમળી શકાયો.

કલમ 370 પછી કાશ્મીરમાં ભારતીય સેનાએ મહદ અંશે શાંતિ રાખવામાં સફળતા મેળવી છે. વિરોધ પ્રદર્શનો થયા હતા, થશે પણ ખરા અને લાંબો સમય થતા રહેશે, પણ તેને મિનિમમ ફોર્સ સાથે નિયંત્રણ કરવાની આવડત ભારતે દાખવી છે તે મહાસત્તાને શોભે તેવી છે. અને તેથી કલમ 370 નાબુદ કરીને અને કાશ્મીરનું વિભાજન કરીને, તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને એક કદમ ઓર લેવાયું છે અને દુનિયાને જણાવાયું છે કે ભારત મહાસત્તા બનવાની દિશામાં અટક્યા વિના આગળ વધી રહ્યું છે. હવે ચીનને સમજાવવાનું છે અને સલામતી સમિતિમાં કાયમી સભ્ય બનવાનું છે. આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનવાનું છે. તેમાં જોકે વર્તમાન મંદીના કારણે સ્પીડ ઘટશે, પણ તે સ્પીડ વધારવી પડશે. ત્યાં સ્પીડ કરવી જરૂરી છે. વિશાળ વસતિને કારણે કેટલીક બાબતોમાં દુનિયાથી અલગ રીતે વિચારીને ચાલવું પડશે અને ક્લાઇમેટ ચેન્જમાં ભારતે આગવું કશુંક કરવું પડે. તે સોફ્ટ અને આદર્શ મહાસત્તાનું લક્ષણ હશે. કુદરત સાથે રહીને કેવી રીતે મહાસત્તા બની શકાય તે ભારત દુનિયાને દેખાડી શકે છે.