અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ADR દ્વારા તમામ ઉમેદવારોના ખર્ચનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એ આધારે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કયા ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો છે તેની માહિતી આપવામાં આવી છે. આવો જોઈએ ચૂંટેલા ઉમેદવારે ચૂંટણી પાછળ કેટલા નાણાંનો ખર્ચ કર્યો છે?
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ADRએ વિશ્લેષણ કરતો એક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ MLA એ ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે. નિઝર બેઠકના જયરામ ગામીતે ચૂંટણી જીતવા માટે 38 લાખ ખર્ચ્યા છે જ્યારે કલોલ બેઠકના લક્ષ્મણજી પુંજાજી ઠાકોરે 37 લાખનો ખર્ચ કર્યો જ્યારે ધોળકા બેઠકના MLA કિરીટસિંહ ડાભીએ 36 લાખનો ખર્ચ કર્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા રૂ. છ લાખ, કોંગ્રેસના અમિત ચાવડાએ રૂ. નવ લાખ અને AAPના MLA ઉમેશભાઈ મકવાણાએ ચૂંટણી જીતવા બોટાદની બેઠકમાં રૂ. નવ લાખ ઓછો ખર્ચ કર્યો હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું છે.
લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 78 પ્રમાણે ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના એક મહિનામાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવાની હોય છે. નિયમો અનુસાર ગુજરાતમા વિધાનસભાના ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકે છે. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર એટલે કે વર્તમાન ધારાસભ્યો દ્વારા કરાયેલી ચૂંટણી ખર્ચનું વિશ્લેષણ એસોસિયેએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.
રાજ્યની વિધાનસભાની કુલ 182 ધારાસભ્યોમાંથી 174 ટકા ધારાસભ્યોએ ચૂંટણીમાં ખર્ચ કર્યો હતો. આઠ ધારાસભ્યોએ કહ્યું હતું કે તેમણે પોતાના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. કુલ 182 ધારાસભ્યોમાંથી 23 ટકા ધારાસભ્યોએ 50 ટકાથી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે. રાજ્યના ધારાસભ્યોનો ચૂંટણીનો સરેરાશ ખર્ચ રૂ. 27.10 લાખ થાય છે, એમાં ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ રૂ. 27.94 લાખ થયો હતો, જ્યારે કોંગ્રેસે સરેરાશ રૂ. 24.92 લાખ, આપ પક્ષે રૂ. 15.63 લાખ, SPના ધારાસભ્યનો સરેરાશ ખર્ચ રૂ. 6.87 લાખનો ખર્ચ, જ્યારે ત્રણ અપક્ષનો ચૂંટણી ખર્ચ રૂ. 21.59 લાખ દર્શાવ્યો છે.
ADRએ નોંધ્યું છે કે ચૂંટણી વખતે થતી રેલીઓ, સભાઓ, પ્રચાર-પ્રસાર અને અન્ય રીતે જે ખર્ચ કરવામાં આવે છે, તે અને ધારાસભ્યોએ દર્શાવેલા ખર્ચમાં મોટો તફાવત છે. પરંતુ ચૂંટણીમાં ઉમેદવારોના પક્ષ દ્વારા થતી જનરલ ખર્ચની વિગત આપવાની થતી ન હોવાથી સાચો ખર્ચ જાણી શકાતો નથી.