ચાંદની રાતે ઓ હંસી ચીતડું ન બાળીએ…

આવતી કાલે એટલે ૮ માર્ચે વિશ્વ સમસ્તમાં મહિલા દિવસ ઊજવાશે. આ નિમિત્તે જાતજાતના કાર્યક્રમો યોજાશે. મારા જેવા ફિલિમનું લખનારા હિંદી કે ઈતર ભાષામાં મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી અથવા પાવરફુલ વુમન કેરેક્ટરવાળી ફિલ્મોને યાદ કરશે, જેમાં ‘મધર ઈન્ડિયા’થી લઈને ‘બંદિની’ અને ‘ખૂન ભરી માઁગ’થી ‘પિન્ક,’ ‘ઈન્ગ્લિશ વિન્ગ્લિશ,’ ‘મૉમ,’ ‘ક્વીન’ કે હાલમાં ઓટીટી પર રિલીઝ થયેલી ‘મિસેસ’ જેવી સેંકડો ફિલ્મનાં ઉદાહરણ આપવામાં આવશે.

માયબોલીની વાત કરીએ તો ૧૯૭૧માં આવીને ટિકિટબારી પર છવાઈ ગયેલી ‘જેસલ-તોરલ’માં પાવરફુલ મહિલા પાત્ર હતું. કાનજી રાઠોડની ‘કંકુ,’ કાંતિ મડિયાની ‘કાશીનો દીકરો,’ વગેરે બાદ નવા ફાલમાં અમિતાભ બચ્ચન-જયા ભાદુરીની કંપનીએ જેનું નિર્માણ કર્યું એ સ્વરૂપ સંપટ રાવલ અભિનિત ‘સપ્તપદી’થી લઈને વિપુલ મહેતાની ‘કૅરી ઑન કેસર,’ વિજયગિરિ બાવાની ‘૨૧મું ટિફિન,’ નિર્માતા આનંદ પંડિત માટે જય બોડાસે ડિરેક્ટ કરેલી ‘ફક્ત મહિલાઓ માટે,’ માનસી જોશી અભિનિત, વિરલ શાહ દિગ્દર્શિત ‘કચ્છ એક્સપ્રેસ,’ અભિષેક શાહની ‘હેલ્લારો’ તથા હાલમાં રિલીઝ થયેલી ‘ઉંબરો,’ જયંત ગિલાટરની ‘હલકીફૂલકી,’ વગેરે. સર્જક સંદીપ પટેલની ફિલ્મોમાં સશક્ત નારીપાત્રો જોવા મળે છે.

ઓ હેલ્લો, આ કંઈ સંપૂર્ણ યાદી નથી. કોઈ નામ ભુલાઈ ગયાં હોય તો અબ ઘડીએ જ સૉરી. અને મારે તો વાત કરવી છે ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશનની નજીક સરકી રહેલા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં પ્રકાશિત હરકિસન મહેતાની નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પરથી સર્જાયેલી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા’ની. નારી જેમાં પ્રધાન હતી એવી આ ફિલ્મે તે સમયે ગુજરાતી ચલચિત્રસૃષ્ટિનો પ્રવાહ પલટ્યો હતો.

આજથી પાંચ દાયકા પહેલાં, ૧૯૭૫ના ઑગસ્ટમાં ‘શોલે’ રિલીઝ થઈ એના એક અઠવાડિયા બાદ ‘ડાકુરાણી ગંગા’ના સર્જનનો પ્રારંભ થયેલો. ઈન્ટરેસ્ટિંગ્લી, હિંદી-ગુજરાતી સિનેમાના ઍક્ટર-ડિરેક્ટર કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત ભૂખણવાળા દિગ્દર્શિત ‘ડાકુરાણી…’ અને ‘શોલે’ને સાંકળતી એક રસપ્રદ સ્મૃતિ છે.

1975માં સ્વાતંત્ર્યદિનના દિવસે ‘શોલે’ રિલીઝ થઈ એના થોડા દિવસ બાદ, નાળિયેરી પૂર્ણિમાના ‘ડાકુરાણી ગંગા’નું મુહૂર્ત થયું. ના ના, ‘શોલે’ અને ‘ડાકુરાણી…’ વચ્ચે આ સામ્ય નથી. તમે આગળ વાંચો.

પચાસ વર્ષ પહેલાંની રક્ષાબંધનના દિવસે મુંબઈના ‘નટરાજ સ્ટુડિયો’માં આશરે એક હજાર મહેમાનોની હાજરીમાં ‘ડાકુરાણી…’નું મુહૂર્ત થયું. ગેસ્ટ લિસ્ટમાં કોણ હતા? ફિલ્મનાં હીરો-હીરોઈન રાજીવ-રાગિણી, દિગ્દર્શક કે.કેથી લઈને ગુજરાતી રંગભૂમિનાં શીર્ષસ્થ નામો જેવાં કે, પ્રવીણ જોશી, સરિતા જોશી, વિજય દત્ત, લાલુ શાહ, ઉપરાંત શક્તિ સામંત, તાહિર હુસૈન, ગોવિંદ સરૈયા, સંગીતકાર કલ્યાણજી-આણંદજી, વાંકાનેરના મહારાજા સાહેબ, ‘ચિત્રલેખા’નાં મધુરીબહેન કોટક, મૌલિક કોટક, વગેરે. સૌને ઉચાટ એ વાતનો હતો કે મુહૂર્તનો ક્લૅપ આપનાર મુખ્ય મહેમાન સમયસર પધારીને મુહૂર્તની ઘડી સાચવી લે એટલે બસ.

બરાબર અગિયાર વાગ્યે એક કાર સ્ટુડિયોમાં પ્રવેશી. એમાંથી ઊતર્યા માંડ અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલી ‘શોલે’ના ઠાકૂર બલદેવસિંહ અર્થાત્ જ સંજીવકુમાર. સ્ટુડિયોમાં પ્રવેશતાં જ એમને જોવા-મળવા-ઑટોગ્રાફ મેળવવા ભીડ બેકાબૂ બની ગઈ. તે વખતે સેલ્ફી-બેલ્ફી જેવું હતું નહીં, પણ સ્ટારલોગના હસ્તાક્ષર લેવાનું ગાંડપણ હતું. મહેમાનોની ભીડ જોઈને સફારી સુટમાં સજ્જ, કપાળ પર કંકુનો ચાંદલો ને હાથમાં 3-4 રાખડી બંધાવીને પધારેલા સંજીવભાઈએ સવાલ કર્યો કે, આજે કેટલી ફિલ્મનાં મુહૂર્ત છે?

જવાબ મળ્યોઃ એક જ. મીઠું મલકતાં સંજીવકુમારે ક્લૅપ આપ્યો, સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના કલ્યાણજીભાઈએ કૅમેરાની સ્વિચ ઑન કરી અને રાજીવ-રાગિણી પર લેવામાં આવેલો શૉટ ઓકે થયો. તાળીના ગડગડાટ વચ્ચે બરફી-પેંડાનાં બોક્સ ખૂલ્યાં…

21 ઑગસ્ટ, 1975ના મુહૂર્ત થયા બાદ ‘ડાકુરાણી…’નું શૂટિંગ શરૂ થયું 15 સપ્ટેમ્બર, 1975ના, વાંકાનેર પેલેસથી. ત્યાર બાદ સુરતની જેલ, ડુમસના દરિયાકિનારે, ભીમપોર, ઉકાઈ ડેમ, વગેરે અનેક ઠેકાણે શૂટિંગ થયું. રાજીવ-રાગિણી ઉપરાંત ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, અરવિંદ જોશી, ઊર્મિલા ભટ્ટ, દિનેશ હિંગુ, કિશોર જરીવાલા, બિપિન કોટક, જયંત વ્યાસ, વગેરે હતા. વેણીભાઈ પુરોહિતનાં ગીતો (મુકેશ-અનુરાધાના સ્વરમાં ગવાયેલું “ચાંદની રાતે ઓ હંસી ચીતડું ન બાળીએ…” યાદ છે?) સંગીત દિલીપ ધોળકિયાનું હતું.

1976માં અમદાવાદમાં ‘ડાકુરાણી ગંગા’નો પ્રીમિયર યોજાયો. પહેલા દિવસે જ ડાકુરાણી… સુપરહિટ જાહેર થઈ. ગુજરાત સરકારના આઠ એવૉર્ડ્સ મેળવી જનારી ‘ડાકુરાણી…’ને ગુજરાતની ‘શોલે’ એવું બિરુદ મળ્યું.