સર્જકો ટાઈટેનિક જેવી ભૂલ કરે ત્યારે…

એ ફિલ્મ હતી ‘ટાઈટેનિક.’ દેશ-દુનિયામાં ધૂમ મચાવનારી ‘ટાઈટેનિક’ નામની એક જંગી સ્ટીમર હતી, જે હીમશીલા સાથે અથડાયા બાદ ડૂબી ગયેલી, પણ એમાં પ્રવાસ કરતાં બે પ્રવાસી રોઝ (કેટ વિન્સ્લેટ) અને જૅક (લિયાનાર્દો ડિકેપ્રિયો)ની પ્રેમકહાણી તરતી રહેલી. યાદ છેને?

હાલ ધૂમ મચાવી રહેલી ‘અવતાર-2’ના ડિરેક્ટર જેમ્સ કેમરુનની 1997માં આવેલી એ ફિલ્મના સ્મરણે હમણાં અચાનક કૉમિક સ્વરૂપ ધારણ કર્યું. એ ઐતિહાસિક જહાજ ડૂબ્યું તે પહેલાં દરિયામાં ખાબકેલા અનેક પ્રવાસીમાં જૅક અને રોઝ પણ હતાં. રોઝના હાથમાં લાકડાંનું બારણું આવી જતાં એ એની પર બેસીને ગઈ ને જીવી ગઈ, જ્યારે એ જ બારણું પકડીને બરફ જેવા ઠંડાં પાણીમાં ઊભેલા જૅકના હાથમાંથી બારણું છૂટ્યું ને એણે બીજા 1500 પેસેન્જર્સ સાથે જળસમાધિ લીધી.

હમણાં કેટ વિન્સ્લેટને ચમકાવતી જેમ્સ કેમરુનની ‘અવતાર-ટુ’ની રિલીઝ વખતે એક પોડકાસ્ટમાં કોઈએ ધ્યાન દોર્યું કે જૅક પણ બારણા પર ચડી ગયો હોત તો એ પણ બચી ગયો હોત. એ શું કામ પાણીમાં ઊભો રહ્યો? ફૅનનો ઈશારો શેની તરફ હતો એ સમજી ગયેલી કેટે દાઢમાં કહ્યું, “શું કરું, હું જાડીપાડી હતીને…” પછી એણે છણકો કરતાં કહ્યું “આ ફૅન્સ શા માટે આટલા નાલાયક હોય છે? ના, હું જાડી નહોતી.”

હાલ 47 વર્ષી કેટ વિન્સ્લેટ તે વખતે શરીરમાં, ગુજરાતીઓ કહે છે એમ, ખાધેપીધે સુખી હતી. હવે કેવી છે આપણને ખબર નથી, પણ એના શારીરિક બાંધા માટે એણે અવારનવાર મહેણાંટોણા સાંભળવા પડે છે. ક્યારેક એ એના જડબાંતોડ જવાબ પણ આપે છે.

ઍક્ચ્યુઅલી સિનેમાપ્રેમીઓનું કહેવું છે કે લેખક-દિગ્દર્શકની આ ભૂલ કહેવાય. સ્ટીમરની કેબિનના એક પૂર્ણ કદના બારણા પર બે જણ કેમ તરતાં ન રહી શકે? જૅક પણ બચી ગયો હોત.

આ જ મુદ્દે ડિરેક્ટર જેમ્સ કેમરુને પણ સ્પષ્ટતા કરી. “ટાઈટેનિક’ની ક્લાઈમેક્સ વિશે મારી પર પણ પસ્તાળ પડેલી. ક્લાઈમેક્સની ચોમેરથી ટીકા થયા બાદ અમે નિષ્ણાતોને રોકી એક ફૉરેન્સિક સ્ટડી કરાવેલો કે શું જૅક બચી શક્યો હોત ખરો? આ નિષ્ણાતોએ લિયોનાર્ડો અને કેટના વજનવાળી બે વ્યક્તિને પાણીમાં એ જ રીતે ઊભા રાખી સ્ટડી કરીને રિપોર્ટ આપ્યો કે પોસિબલ નથી.”

જેમ્સભાઈ કહે છે કે “જૅકે તો રોમિયોની જેમ મરવું જ રહ્યું… ‘ટાઈટેનિક’ પ્યાર, બલિદાનની અને નશ્વરતાની કહાણી હતી.” હવે જેમ્સભાઈ કહે છે તો વાત માની લેવી પડે. મૂળ વાત એ કે અમુક હાડોહાડ ફિલ્મપ્રેમીને પટકથામાંનાં છીંડાં પકડી પાડવાની સુટેવ હોય છે. જેમ કે વર્ષો પહેલાં લોકોએ ક્લાસિકની કક્ષામાં આવતી ‘શોલે’ વિશે એવો સવાલ કરેલો કે ઠાકૂર બલદેવસિંહની હવેલીમાં કે રામગઢમાં વીજળી નથી, પણ ગામવાસીને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી ખૂબ ઊંચાઈ પર હતી, તો વીજળી કે પંપ વિના પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવતું હશે? ‘શોલે’માં પોલીસ સિવાય બીજા બધાને ખબર હોય છે કે ગબ્બરસિંહ ક્યાં રહે છે, અથવા ક્યાં એનો અડ્ડો છે… આવું પણ કોઈએ પકડી પાડેલું.

જેમ કે કંગના રણોટની સુપરહિટ ક્વીનમાં એ દિલ્હીથી પેરિસ જવા જે વિમાનમાં બેસે છે એ ઍરબસ એ320 હોય છે, પણ વચ્ચે વચ્ચે એ ઍરબસ એ330 ને ઍરબસ એ380 એમ બદલાયા કરે છે…

જેમ કે ‘ભાગ મિલ્ખા ભાગ’માં મિલ્ખાસિંહની ભૂમિકા ભજવતો ફરહાન અખ્તર હીરોઈન સોનમ કપૂર પર પ્રભાવ પાડવા “નન્હા મુન્હા રાહી હૂં” ગીત ગાય છે. મુશ્કેલી એ છે કે એ હતો 1950નો દાયકો, જ્યારે જે ફિલ્મનું આ ગીત છે એ ‘સન ઑફ ઈન્ડિયા’ રિલીઝ થઈ 1962માં. આ જ ફિલ્મના અમુક સીનમાં મોબાઈલ ટાવર દેખાય છે.

મોબાઈલ ટાવર પરથી ઠીક યાદ આવ્યું. વર્ષો પહેલાં કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણે એક કાર્ટૂન બનાવેલું. કોઈ પૌરાણિક વિષયવાળી ફિલ્મના શૂટિંગના એ ચિત્રમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હીરોનું કાંડું બતાવતાં ડિરેક્ટરને કહે છેઃ “આપણે આખી ફિલ્મ ફરીથી શૂટ કરવી પડશે કેમ કે મહાભારતકાળના રાજા બનતા હીરોએ સમગ્ર શૂટિંગ દરમિયાન ઘડિયાળ પહેરી રાખ્યું છે.”

બસ ત્યારે… આ તો ‘ટાઈટેનિક’ પરથી આ વિષય યાદ સૂઝી ગયો. આવા કોઈ લોચાલાપસી તમને ખબર હોય તો અમારી સાથે શૅર કરજો.