એક ગીત, અનેક સ્વરૂપ, શાશ્વત સંદેશ!

જનગણમન પછી બાળપણ સાથે વણાયેલું એક ગીત શાળામાં, સ્વાતંત્ર્ય દિવસે, ગણતંત્ર દિવસની પરેડમાં, રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં સાંભળ્યું, લલકાર્યું છે. ‘વંદે માતરમ’ ગીતના શબ્દોની ગહનતા શૈશવકાળમાં ગહનતા સમજાતી નહોતી, પરંતુ એ સાંભળતી-ગાતી વખતે ભારતીય હોવાનો ગૌરવભાવ જરૂર જાગી જતો. 7 નવેમ્બર, 2025ના રોજ ગૌરવગાન ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠનો જશન દેશભરમાં મનાવવામાં આવ્યો.

7 નવેમ્બર, 1875ના રોજ પશ્ચિમ બંગાળમાં ખળખળ વહેતી હુગલીના કાંઠે, ચિન્સુરાહના જોરઘાટના પોતાના ઘરમાં સરકારી અફ્સર અને કવિ-નવલકથાકાર બંકિમચંદ્ર ચેટર્જીએ આ અમર પંક્તિઓ રચી. ગીત પહેલાં એમણે પોતાના સામયિક ‘બંગદર્શન’માં પ્રકાશિત કર્યું. ત્યાર પછી નવલકથા ‘આનંદમઠ’ (1882)માં વણી લીધું. ત્યાર બાદ ‘વંદે માતરમ્’ માત્ર છંદોબદ્ધ કાવ્ય જ નહીં, પણ સ્વાતંત્ર્ય ઝંખતા લાખો દેશવાસીઓના આત્માનો અવાજ બની ગયું. ગીતમાં માતૃભૂમિનો વૈભવ ગૌરવથી નહીં, પરંતુ ભક્તિથી ગાવામાં આવ્યો છે.

કહે છે કે બંકિમચંદ્રના સંગીતગુરુ જદુનાથ ભટ્ટાચાર્યે સૌપ્રથમ ગીતને રાગ મલ્હારમાં સ્વરાંકિત કર્યું. પછી, સુભાષચંદ્ર બોઝના કહેવાથી સંગીતકાર તીમિરબરણ ભટ્ટાચાર્યે એને ‘એક-દો-એક’ જેવી કૂચના તાલમાં બાંધી રાગ દુર્ગામાં સ્વરબદ્ધ કર્યું.

સ્વદેશી આંદોલન દરમિયાન ‘વંદે માતરમ્’ પ્રચંડ લોકપ્રિય થયું. આથી રોષે ભરાયેલા બ્રિટિશરોએ એ જાહેરમાં ગાવા પર પ્રતિબંધ મૂક્યો. ‘બંગભંગ આંદોલન’ વખતે ‘વંદે માતરમ’ અન્યાય સામેના અવાજ, પ્રતિકાર અને એકતાનું પ્રતીક બન્યું, આંદોલનના જયઘોષ તરીકે પ્રચલિત થયું. આવા બીજા ઉદઘોષ એટલે ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’…

સમયે સમયે ‘વંદે માતરમ’ના બદલાતા શબ્દો-ધ્વનિ-તરજનો ઈતિહાસ રસપ્રદ છે.

* 1923માં હિંદુસ્તાની સંગીતના દિગ્ગજ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે કાકીનાડા ખાતે કોંગ્રેસ અધિવેશનમાં રાગ કાફીમાં ‘વંદે માતરમ્’ રજૂ કર્યું ત્યારે અમુક લોકોએ એનો વિરોધ કર્યો, કેમ કે ગીતના આગળના શ્લોકો દેવી દુર્ગાની સ્તુતિરૂપ હતા.

* 15 ઑગસ્ટ, 1947ની વહેલી સવારે પંડિત ઓમકારનાથ ઠાકુરે, સરદાર વલ્લભભાઈ પટેલના આમંત્રણ પર પોતાનું ‘વંદે માતરમ્’ રજૂ કર્યું, જેનું આકાશવાણીએ સીધું પ્રસારણ કર્યું. સ્વતંત્ર દેશના જન્મની આ મ્યુઝિકલ મોમેન્ટ હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભાએ વંદે માતરમના બે ખંડોને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યા.

* 1952માં ફિલ્મ ‘વંદે માતરમ્’ માટે હેમંતકુમારે ગીતને સ્વરબદ્ધ કર્યું, જેને સ્વર દીધો લતા મંગેશકરે. પૃથ્વીરાજ કપૂર-ગીતા બાલી-પ્રદીપકુમારને ચમકાવતી આ ફિલ્મથી ‘વંદે માતરમ’નો નવો પ્રવાસ શરૂ થયો. હેમંતકુમારનું ‘વંદે માતરમ્’ દાયકાઓથી લોકહૃદયમાં સચવાયેલું છે. બાદમાં એનું મોડર્ન વર્ઝન પણ રજૂ થયું.

* 1947માં ‘વંદે માતરમ’ને ‘અમર આશા’ ફિલ્મમાં લેવામાં આવ્યું. જો કે એની ગ્રામોફોન રેકર્ડ બહાર પડી નહોતી અને ફિલ્મના રીલ ઉપલબ્ધ ન હોવાથી બંદિશ, સ્વરકાર, વગેરે કાળની ગર્તામાં ખોવાઈ ગયાં.

* 1951માં પન્નાલાલ ઘોષે ‘આંદોલન’ ફિલ્મ માટે બંગાળી લોકસંગીતની શૈલીમાં ‘વંદે માતરમ’ની ધૂન તૈયાર કરી, જેને મન્ના ડે, પારુલ ઘોષ, સુધા મલ્હોત્રા અને શૈલેશકુમારે કંઠ દીધા.

* 1964માં દિલીપકુમારને ચમકાવતી ‘લીડર’ ફિલ્મની શરૂઆતમાં, ટાઈટલ્સ આવે છે ત્યારે ‘વંદે માતરમ્’ કોરસમાં ગવાય છે. નૌશાદ સાહેબનું સંગીત હતું. અલબત્ત, આની પણ ગ્રામોફોન રેકર્ડ નથી.

* 1997માં ભારતે આઝાદીની સુવર્ણ જયંતી ઊજવી એ અવસરે એ. આર. રહેમાને “મા તુઝે સલામ” આલબમ બહાર પાડી ‘વંદે માતરમ’ના શબ્દોને એક નવો રંગ ચડાવ્યો. ગીતની વિડિયો પણ કમાલની છે, જેમાં તમામ વયજૂથના નાગરિકોને નાના-મોટા ત્રિરંગા સાથે બતાવવામાં આવ્યા છે. એક દશ્યમાં અમુક લોકો ધરતી પરથી વિશાળ રાષ્ટ્રધ્વજને ઊંચકી રહ્યા છે. આ ગીત-વિડિયોનાં પ્રસારણ અત્યંત લોકપ્રિય થયાં. 14 ઑગસ્ટ, 1997ની પૂર્વસંધ્યાએ રેહમાને એમના વાદ્ય- ગાયકવૃંદ સાથે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર “વંદે માતરમ્… મા તુઝે સલામ” લાઈવ રજૂ કર્યું. રાત્રિના અંધકારને ભેદતા સ્વરોમાં દેશના અડધા સદીનાં સપનાં સાકાર થતાં હતાં.

એ જ સમયે, સંસદના વિશેષ સત્રમાં પંડિત ભીમસેન જોશીએ શાસ્ત્રીય સંગીત શૈલીમાં તબલાં અને હાર્મોનિયમની સંગતે વંદે માતરમ્ રજૂ કર્યું.

* લગભગ આ જ અરસામાં ઉષા ઉથ્થુપે શ્યામ બેનેગલની ‘મેકિંગ ઓફ ધ મહાત્મા’માં ‘વંદે માતરમ’ને કંઠ આપ્યો. વનરાજ ભાટિયા સ્વરાંકિત આ વંદે માતરમ્ પૉપ મ્યુઝિક જેવી શૈલીની ધૂન પર તૈયાર થયું છે.

* 1999માં ‘વંદે માતરમ’–2 બહાર પડ્યું, જેમાં સંગીતકાર રણજિત બારોટે દેશભક્તિના આ ગીતને નવા સૂર અર્પ્યા, ગીતકાર મહબૂબે નવું ગીત લખ્યું. આ આલ્બમમાં શુભા મુદગલે પૉપ ધૂનમાં ‘વંદે માતરમ’ લલકાર્યું.

* ઓડિસી નૃત્યગુરુ કેલુચરણ મહાપાત્રાએ એલિફાન્ટા (કેવ્સ) ફેસ્ટિવલમાં વંદે માતરમનો બેલે રચ્યો, જે માટે ઉસ્તાદ રશીદ ખાને ધૂન રચી કંઠ પણ આપ્યો.

આમ, રાગ-તાલ-કેમેરાની ફ્રેમમાં, અને જુદા જુદા સ્વરોમાં આ ગીત સતત બદલાયું, પણ આત્મા એ જ રહ્યો: માતૃભૂમિને સદાકાળ વંદન.