આશરે 135 મિનિટની ‘ઉલઝ’ ટેન્શનભર્યા ક્લાઈમેક્સ તરફ જઈ રહી છે તે વખતે એક કેરેક્ટર અચાનક પલ્સ નામની પીપરમીંટ ખાવા માંડે છે ત્યારે એનો સહકાર્યકર કહે છેઃ ‘પ્રાણ જાયે પર પલ્સ ના જાયે.’ કસમથી સિનેમાઈત્હાસમાં આટલું વાહિયાત પ્રોડક્ટ પ્લેસમેન્ટ કમસે કમ મેં તો નથી જોયું. નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટરની ફિલ્મમાં આવો પીપરમીંટ વિશેનો આખ્ખો સીન જોઈને પ્રાણ ગળામાં આવીને અટકી ગયા.
હા, ‘ઉલઝ’ના ડિરેક્ટર સુધાંશુ સરિયાને 2021માં 38 મિનિટની શૉર્ટ ફિલ્મ નૉક નૉક નૉક માટે નેશનલ એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવેલા. હવે એમણે જકડી રાખતી જાસૂસી કથા રજૂ કરવાની ટ્રાય કરી છે. અમુક અંશે એ સફળ પણ થયા છે. ખાસ કરીને ઈન્ટરવલ સુધી. કમનસીબે વેબ સિરીઝ જેવા વિષય પરથી ફિલ્મ ઉતારવા જતાં એ ઉલઝી ગયા છેઃ વેબ સિરીઝમાં દર્શક પાસે ટાઈમ જ ટાઈમ હોય છે પાત્રો, મૂળ કથા, કથાના વિવિધ ફાંટા, વગેરે જાણવા-સમજવાનો.
ફિલ્મમાં જાહ્નવી કપૂર બની છે તેજસ્વી ડિપ્લોમેટ સુહાના ભાટિયા. પપ્પા વનરાજ ભાટિયા (આદિલ હુસૈન) પણ બાહોશ ડિપ્લોમેટ છે. દાદાની મુત્સદ્દીગીરી વિશે તો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે. આવા પરિવારમાંથી આવતી સુહાનાની યુ.કે.માં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે નિમણૂક થાય છે. લંડનમાં મજાનું ઘર, એમ્બેસીની વિશાળ ઑફિસ, ચકચકિચત શોફર-ડ્રિવન કાર, બાહોશ સ્ટાફ… લંડનમાં સ્થિર થયાના ત્રણેક મહિના બાદ એક સાંજે એની મુલાકાત નકુલ (ગુલશન દેવૈયા) નામના યુવાન સાથે થાય છે. એના કહેવા મુજબ એ કુશળ શેફ છે. માંડ દસ-પંદર મિનિટમાં મીઠાબોલો નકુલ સુહાના પર છવાઈ જાય છે. ડ્રાઈવર સલીમ (રાજેશ તેલંગ)નું બૅકગ્રાઉન્ડ ચેક કરતી સુહાના લંડનની નાઈટ લાઈફ જેની સાથે માણવા નીકળી પડે છે એનું બૅકગ્રાઉન્ડ ચેક કરવાની તસદી લેતી નથી. અહીંથી સમસ્યા શરૂ થાય છે. નકુલ સુહાનાને કહે છે કે “એ તો કૉર્પોરેટ બ્લેકમેઈલર (અને બીજું ઘણું બધું) છે. હવે અમુકતમુક મહત્વની ઈન્ફર્મેશન લાવી આપ નહીંતર…” સુહાના બરાબર ફસાય છેઃ દેશની સલામતી, પોતાની, પપ્પાની આબરૂ, યુનોમાં એમનું પોસ્ટિંગ બધું દાવ પર લાગે છે. એની દેશદ્રોહીનો આરોપ લાગી શકે. કરવું શું?
ધડામ્… ઈન્ટરવલ. પૉપકોર્ન ચાવતાં આપણે વિચારીએ કે હવે મામલો જામશે, પણ નહીં. ઈન્ટરવલ પછી, હવે આ ગૂંચવાડામાંથી બને એટલી જલદી બહાર નીકળી જઈએ એવું વિચારીને લેખક-દિગ્દર્શક (પરવેઝ શેખ-સુધાંશુ) પોતાની સગવડ મુજબ જાતજાતની પરિસ્થિતિ નિર્માણ કરી ફટાફટ બધું આટોપી લે છે, જેમાં ઘણું બધું સામાન્ય પ્રેક્ષકના માથા પરથી પસાર થઈ જાય છે. ઈન્ટરનેટ પર સેંકડો મીમ્સ બન્યા છે એ ‘થ્રી ઈડિયટ્સ’નો ડાયલૉગ છેનેઃ “કેહના ક્યા ચાહતે હો?” બસ, એવું જ. આ જુઓઃ ઓલમોસ્ટ અંતમાં એક કેરેક્ટર બીજાને કહે છે કે “આ બધું શું છે એ તો તમે સમજી જ ગયા હશો?” ત્યારે પેલું કેરેક્ટર ચહેરા પર મૂંઝવણ સાથે ના પાડે છેઃ “કંઈ સમજાયું નહીં.” આવી જ હાલત પ્રેક્ષકની છે.
જાહ્નવી કપૂરની વાત કરીએ તો, એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી કેવી ન હોવી જોઈએ એ જોવું હોય તો એને ‘ઉલઝ’માં જોઈ લેવી. જો કે એના પાત્રાલેખનમાં પણ ઘણા લોચા છેઃ સ્વબળે યુવા ડેપ્યુટી હાઈ કમિશનર બનેલી સુહાનાને સ્ટાફવાળા નેપો-કિડ (લાગવગના જોરે મોટી પોસ્ટ પર બેસી ગયેલી)ના ટોણા સાંભળવા પડે છે. બાપા સાથે પણ એના પ્રોબ્લેમ છે. પપ્પાને એમ છે કે એની વય અને અનુભવ જોતાં આટલી મોટી પોસ્ટ માટે એ લાયક ન ગણાય. સુહાના આંસુ વહાવતાં પપ્પાને કહે છેઃ “તમે મારી પર વિશ્વાસ કરો.” પપ્પા કહે છેઃ “ભલે.” આગળ જતાં એ (ઈન્ડિયન ફોરેન સર્વિસના મોટા પદ પર હોવા છતાં) એવી અને એટલી બધી બેવકૂફી કરે છે કે આપણને થાય- પપ્પા સાચા હતાઃ પાપાની પરી આવા પદ માટે લાયક નહોતી. જાતને પુરવાર કરવાને બદલે સુહાના કોલ્ડસ્ટોરેજમાં ફસાયેલી ‘મિલી’ (2022માં આવેલી એની ફિલ્મ) જેટલી જ નિઃસહાય રહે છે.
જાહ્નવી ઉપરાંત ગુલશન દેવૈયાનું કાસ્ટિંગ પરફેક્ટ છે. આ ઉપરાંત મિયાંગ ચાંગ, જિતેન્દ્ર જોશી, રોશન મેથ્યુ, વિજય તેલંગ, આદિલ હુસૈન, જૈમિની પાઠક પણ સ-રસ. સસ્પેન્સ જાસૂસી કથાના નામે એક સારાં વિષય-વાર્તાનો ગૂંચવાડો કેવી રીતે બનાવી દેવો એનું આદર્શ ઉદાહરણ ‘ઉલઝ’માં છે.
