એ ડ્રૉઈંગ રૂમમાં આવતો ને હાસ્ય ઑટોમેટિક છૂટવા માંડતું. અનેક વર્ષો સુધી ‘કપિલ શર્મા શો’ થકી સ્મૉલ સ્ક્રીન પર એણે પોતાની સત્તા જમાવી રાખેલી. આ શોમાં એણે ભજવેલાં ગુત્થી, રિન્કુ ભાભી, ડૉ. મશહૂર ગુલાંટી જેવાં પાત્રો રસિકજનોને આજેય યાદ છે. આ ઉપરાંત સાઈલન્ટ ટીવી-શો ‘ગુટર ગૂઁ’માં એણે સંવાદ બોલ્યા વિના, આંગિક અભિનયથી પોતાની કમાલ બતાવેલી. ખરેખર, બહુપ્રતિભા વિશેષમ 43 વર્ષી સુનીલ ગ્રોવરને બરોબર લાગુ પડે છે.
જો કે, 2017માં, જમીનથી હજારો ફૂટ ઊંચે આકાશમાં ઊડતા વિમાનમાં કપિલ શર્મા સાથે એનો ઝઘડો જાહેરમાં આવ્યો, મન મોતી ને કાચ… એક વાર તૂટે પછી સંધાય નહીં એ ન્યાયે કપિલની માફી તથા અનેક કહેણ મોકલવા છતાં સુનીલ ફરી એ બાજુ ફરક્યો નહીં. એનું સ્થાન કૃષ્ણ અભિષેકે લીધું.
હવે આજે, એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે, 15 જાન્યુઆરીએ અમેઝોન પ્રાઈમ પર વેબ-શો ‘તાંડવ’માં સુનીલ ગ્રોવર સાવ નવા અંદાજમાં દેખાશે. ગુરપાલ ચૌહાણ તરીકે એ દર્શકોને ભારતીય રાજકારણની ડાર્ક સાઈડ બતાવશે. વેબ-શોમાં સૈફ અલી ખાન-ડિમ્પલ-મોહમ્મદ ઝિશાન અય્યૂબ-કુમુદ મિશ્રા-ક્રિતિકા કામરા-ગૌહર ખાન, વગેરે કલાકારોનો મેળો જામ્યો છે.
આ નિમિત્તે એને મુબારકબાદી આપવા ફોન કર્યો ને ‘તાંડવ’ વિશે, એના પાત્ર વિશે વધુ જાણવા માગ્યું તો એ કહેઃ “એટલું જ કહી શકું કે આ વેબ-શોમાં હું લોકોને હસાવવા સાડી પહેરીને ફુવડવેડા કરતો નથી… અને સાચું કહું તો, જ્યારે પહેલી વાર ‘તાંડવ’ વિશે સાંભળ્યું ત્યારે લાગ્યું કે આ કોઈ પ્રાચીનકાળની કે પૌરાણિકકાળની વાર્તા હશે, જેમાં પાત્રો પણ તે વખતનાં હશે, પણ સ્ક્રિપ્ટ હાથમાં આવી તો બધી ભ્રમણા ભાંગી ગઈ. વાર્તા મને ખૂબ ગમી. ખાસ તો મને આ વેબ-શોના મલ્ટિ-લેયરવાળાં કૅરેક્ટરે આકર્ષ્યો…”
આ પહેલાં સુનીલે ‘ધ લિજેન્ડ ઑફ ભગતસિંહ,’ ‘જિલ્લા ગાઝિયાબાદ,’ ‘હીરોપંતી,’ ‘ગબ્બર ઈઝ બૅક,’ ‘કૉફી વિથ ડી’ જેવી ફિલ્મોમાં ગંભીર ભૂમિકા ભજવી છે. ‘બાઘી’માં એણે શ્રદ્ધા કપૂરના પિતાની ભૂમિકા ભજવેલી. છેલ્લે એ વિશાલ ભારદ્વાજની ‘પટાખા’ તથા ‘તાંડવ’ના સર્જક અલી અબ્બાસ ઝફરની ‘ભારત’માં સલમાન ખાન સાથે દેખાયો.
અચ્છા, વધુ એક સવાલઃ જ્યારે દર્શકો કોઈ અભિનેતાને અમુક ચોક્કસ પાત્રમાં જોવા ટેવાઈ ગયા હોય પછી એ પાત્રને એનાથી સાવ જુદા પાત્રમાં સ્વીકારે ખરા જેમ કે કપિલ શર્માએ ‘ફિરંગી’માં આમ કરવાનો પ્રયાસ કર્યો, પણ એ ઊંધે કાંધ પટકાયો. બન્ને રીતે, પૈસેટકે (ફિલ્મનું નિર્માણ એણે કરેલું) અને કારકિર્દીએ સુધ્ધાં. યુ સી, કપિલ પરદા પર આવે એટલે સૌને અપેક્ષા હોય કે હમણાં એ જોક મારશે. તો, સુનીલને કૉમેડીને બદલે ગંભીર ભૂમિકા ભજવવાનું પ્રેશર અથવા આવ્યું ખરું?
આનો સરસ જવાબ આપતાં સુનીલ કહે છે કે અલી સરે (‘તાંડવ’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે) જ્યારે મને આ પાત્ર માટે કહ્યું ત્યારે મને નવાઈ લાગી. મેં એમને બે-ત્રણ વાર પૂછ્યું કે સાચ્ચે તમને કૉન્ફિડન્સ છે? (કે હું આ પાત્ર ભજવી જઈશ)… મેં એમને એટલી બધી વાર આ સવાલ પૂછ્યો કે મારું પ્રેશર એમના પર શિફ્ટ થઈ ગયું… પછી કામ આસાન થઈ ગયું. શૂટિંગ શરૂ થાય એટલે હું ખાલી એટલું વિચારતો કે આ કે પેલા સીન્સ પ્રત્યે મારો, અમારો અભિગમ કેવો રહેશે…
સરસ. હવે આજે મોડી સાંજે ‘તાંડવ’ જોવાનો વિચાર છે. જો વેબ-શો ગમી ગયો તો વચ્ચે એકાદ વાર આપણે મળી લઈશું. બાકી અત્યારે તો સૌને ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા.
(કેતન મિસ્ત્રી)