વાંગાની વાયડાઈ અને બીજી વાતો…

સંદીપ વાંગાને ખોટું લાગી ગયું છે. વેઈટ અ મિનિટ- આ મહાશય કોણ છે એ તો જાણો છોને? હા એ જ. ટૉક્સિક, હિંસક મર્દાનગીવાળી ફિલ્મોના આ ડિરેક્ટર અસહ્ય ફિલ્મ બનાવી શકે, પણ એની ટીકા થાય તો એમનાથી સહન નથી થતું. અમુક ફિલ્મક્રિટિકોએ એમની ફિલ્મને ઉતારી પાડી તો એમની પર ખફા થઈને એલફેલ બોલી એમણે ગુસ્સો ઠાલવી દીધો.

આ સંદર્ભમાં આવા એક-બે રસપ્રદ કિસ્સા યાદ આવે છે. દાખલા તરીકે એક જમાનામાં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ તથા અન્ય અખબારોના ખાંટૂ ફિલ્મસમીક્ષક તથા લેખક-દિગ્દર્શક ખાલિદ મોહમ્મદને બોલિવૂડની મસાલા ફિલ્મોને છોલી નાખવાની બહુ મજા આવતી. આ વિશે અનિલ કપૂરે જાહેરમાં (ખાલિદ સાહેબની ઉપસ્થિતિમાં) કહેલું કે “મારી સુપરહિટ ફિલ્મ ‘બેટા’, જેના માટે મને ખાલિદના જ અખબારી જૂથે બેસ્ટ ઍક્ટર કેટેગરીમાં ફિલ્મફૅર એવૉર્ડ આપેલો, એ ફિલ્મની ધોલાઈ કરતાં ખાલિદે હેડિંગ આપેલું ‘બેટી’ (ટાઈટલથી વિપરીત ફિલ્મના કેન્દ્રમાં અનિલ કપૂરના બદલે માધુરી દીક્ષિત હતી). બીજી ફિલ્મ હતી ‘લમ્હે’ (1991). આ ફિલ્મના રિવ્યુથી યશજી (ચોપરા) અને અમે બધા હચમચી ગયેલા, કેમ કે ખરાબ રિવ્યુથી ફિલ્મના બિઝનેસ પર અસર પડેલી. મને યાદ છે, ખાલિદે ‘લમ્હે’ની સરખામણી ગુલઝાર સાહેબની ‘મૌસમ’ સાથે કરી કાઢેલી. ઓલમોસ્ટ પચીસ વર્ષ બાદ ખાલિદે મને મેસેજ મોકલેલોઃ હું ખોટો હતો, ‘લમ્હે’ બહુ સારી ફિલ્મ હતી. પૉઈન્ટ એ કે ફિલ્મ જોતી વખતે તમારી મનઃસ્થિતિ મોટો ભાગ ભજવે છે. તે વખતે તમને ફિલ્મ ન ગમે, પણ બીજી વાર જુઓ તો કદાચ ગમી જાય”.

આના વર્ષો બાદ (2000માં) ખાલિદ મોહમ્મદે ‘ફિઝા’ ફિલ્મ બનાવી. તે વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’એ સુભાષ ઘાઈને એની સમીક્ષા લખવા કહેલું. સુભાષજીએ ફિલ્મનાં (અને ખાલિદનાં) છોતરાં કાઢી નાખેલાં. “પાત્રાલેખન ઉપરછલ્લું છે, પટકથા બકવાસ છે, બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કશોયે ભલીવાર નથી”. ઘાઈએ એક વધુ લગાવતાં લખ્યું કે “ફિલ્મની સમીક્ષા લખવી સહેલી છે, કોઈ પણ લખી શકે, પરંતુ કોઈ પણ ફિલ્મ ન બનાવી શકે. મિડિયોકર ફિલ્મ પણ નહીં.”

દર શુક્રવારે ઊઠીને હિંદી ફિલ્મો જોવી, એના વિશે લખવું એ પૉપકૉર્ન-સમોસાં ખાવાના ખેલ નથી. આ ઉદ્યમ હું અનેક વર્ષોથી કરું છું. અમુક ફિલ્મો તો પંદર-વીસ મિનિટ બેસીને જોવાય એવી પણ હોતી નથી. આજકાલ તો દરેક ખાન, કપૂર, કુમારના ફૅનના નામે ટોળીઓ ક્રિટિકને લક્ષ્ય બનાવી એમની પાછળ પડી જાય છે. એમાં થોડા સમયથી એક નવું ગતકડું શરૂ થયું છેઃ સાઉથની ફિલ્મો બેસ્ટ ને હિંદીવાળા બકવાસ. ભલાદમી, સાઉથની દસમાંથી માંડ એકાદ ફિલ્મ જ સહ્ય હોય છે, બાકી તો ઓવર ધ ટૉપ અને અકારણ કોમેડી બની જતી એ બધી ફિલ્મો ક્યારે આવે છે ને ક્યારે જાય છે એ ખબર પણ પડતી નથી.

ફિલ્મસમીક્ષક ફિલ્મની ટૂંકમાં વાર્તા કે વિષય લખે છે અને કથા-પટકથા-સંવાદ-સંગીત-ઍક્ટરો વિશે પોતાનાં નિરીક્ષણ કરે છે. મારા જેવા અમુક દોઢડાહ્યા એ કોની રિમેક છે અથવા શેના પરથી ઉઠાવી છે એવું પણ લખે છે.

ક્રિટિકના કિસ્સા પર પાછા ફરીએ તો, ટાઈમ્સજૂથના જ દૈનિક ‘મુંબઈ મિરર’ (જે હવે માત્ર રવિવારે જ બહાર પડે છે)ના સમીક્ષક રાહુલ દેસાઈને ખાલિદ મોહમ્મદથી જરા જુદો અનુભવ થયેલો. એમણે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’નો રિવ્યુ લખી એને અઢી સ્ટાર આપ્યા. વાચકોના આઘાત અને આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે અખબારે સ્પષ્ટતા કરી કે “અમારા રિવ્યુકારે અઢી સ્ટાર આપ્યા, પણ અમો સાડાત્રણ સ્ટાર આપીએ છીએ”. કારણ? વાચકોના પ્રતિભાવ અને રીસર્ચ કોણે કેવી રીતે રીસર્ચ કર્યું એ ખબર નથી. રાહુલ આજે અનુપા ચોપરાએ સ્થાપેલી ફિલ્મ કમ્પેનિયનમાં આદરણીય રિવ્યુકાર છે.

થોડા જ સમય પહેલાં આર. બાલ્કિ નામના ડિરેક્ટરે ક્રિટિકને સિરિયલકિલર ચીતરીને એક ફિલ્મ બનાવી ‘ચૂપ’, જેમાં એક ભૂતપૂર્વ ક્રિટિક અને ફિલ્મમેકર એ બધા ક્રિટિકોની ઘાતકી હત્યા કરે છે, જેમણે ફિલ્મનું યોગ્ય રીતે મૂલ્યાંકન નથી કર્યું. બીજા શબ્દો એ કિલર (દુલકેર સલમાન)ને એવું લાગે કે ક્રિટિકે વેઠ ઉતારી છે તો એની હત્યા કરી નાખે.

આજે આપણે એ યુગમાં જીવીએ છીએ જ્યાં પિક્ચર શરૂ થાય, નામાવલી આવવા માંડે ત્યાં તો સોશિયલ મિડિયા પર એના રિવ્યુ આવવા માંડે છે. આવા સિનારિયોમાં વીક-આફ્ટર-વીક નિષ્ઠાપૂર્વક રિવ્યુ કરનારનું શું ને કેટલું મહત્વ? ફિલ્મબિઝનેસ આજે માત્ર સ્ટાર પર ચાલતો હોય એવું લાગે. ફિલ્મસ્ટાર નહીં, મૂવીને આપવામાં આવતા સ્ટાર. શુક્રવારનાં સવારનાં પેપરમાં જ આવા સ્ટાર વહેંચનારા (વેચનારા નહીં)ના તારલા ચમકવા માંડે છે. અમુક નામો તો એવાં હોય કે ડોળા ફાડીને પૂછવું પડેઃ “આ વળી કોણ”?

ટૂંકમાં સંદીપ વાંગાને એટલું જ કહેવાનું કે ભાઈ, તું પબ્લિકને બનાવવા કરતાં ફિલ્મ બનાવ. તું તારું કામ કર, ક્રિટિકને એનું કામ કરવા દે.