રાની મુખર્જીને મુખ્ય પાત્રામાં ચમકાવતી મરદાની-સિરીઝની ફિલ્મો જોનાર રસિક પ્રેક્ષકોને ખ્યાલ હશે જ કે, એના વાર્તા
સમાજના સિતમની ભઠ્ઠીમાં શેકાતી માસૂમ બાળા, મહિલાઓ પર ત્રાસ ગુજારતા નરાધમોની પાછળ આદું ખાઈને પાછળ પડી જતી નીડર મહિલા કૉપ શિવાની શિવાજી રૉય (રાની)ની આસપાસ ફરતી હોય છે. પહેલા પાર્ટમાં નરાધમ અથવા વિલન હતો તાહિર રાજ ભસીન, બીજામાં અમુક અંશે ભેજાગેપ પણ ખતરનાક એવો વિશાલ જેઠવા. ત્રીજા પાર્ટમાં, અમ્માના પાત્ર માટે યશરાજ ફિલ્મ્સની વિશ્વાસુ કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્માએ પંસદ કરી છે કન્નડ સિનેમાની અનુભવી અભિનેત્રી મલ્લિકા પ્રસાદને. પણ સબૂર. આ શું? અહીં બીજો પણ ખતરનાક વિલન (પ્રજેશ કશ્યપ) છે, જેનો પરિચય ઈન્ટરવલની જરીક પહેલાં કરાવવામાં આવે છે.
રાઈટર આયુષ ગુપ્તાએ દીપક કિંગરાણી-બલજીતસિંહ મારવા સાથે મળીને સત્યઘટના આધારિત લખેલી વાર્તા કંઈ આવી છેઃ
અન્ડરકવર જાસૂસ બનીને સુંદરબન્સમાં ડ્રગ્સની હેરફેર કરનારાઓનું રેકેટ ખુલ્લું પાડનારી શિવાની રૉયને તાકીદે દિલ્હી બોલાવવામાં આવે છે. દિલ્હીમાં ફેમિલી સાથે છુટ્ટી પર આવેલા ઈન્ડિયન ડિપ્લોમેટ (ઈન્દ્રનીલ ભટ્ટાચાર્ય)ની બાલિકાનું અપહરણ થાય છે. સાથે ફાર્મહાઉસના ગરીબ કેરટેકરની પુત્રીને પણ અપહરકારો લઈ ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ કિડનેપિંગ કેસ શિવાની રૉયને સોંપવામાં આવે છે. અપહરણકારોનું પગેરું મેળવતાં ખબર પડે છે કે આ કામ બેગર-માફિયા અમ્માનું છે, જેનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. છીંડું શોધતાં લાધી પોળ એ ન્યાયે શિવાનીને એક મોટા ઈન્ટરનેશનલ રેકેટની જાણ થાય છે. એ અમ્માના આ ખતરનાક સામ્રાજ્યને ખતમ કરવા માગે છે, પરંતુ કૉર્પોરેટ જેવી માનસિકતા ધરાવતા દિલ્હીમાં બેઠેલા તેના ઉપરી અધિકારીઓ એને સતત વઢ્યા કરે છેઃ “એ બધું છોડ- તું ખાલી ડિપ્લોમેટની દીકરીની ચિંતા કર. એને પાછી લાવ.”

ફિલ્મ વિશેની આ એકમાત્ર વાત (હકીકત) મને ગમી ગઈઃ કિડનેપિંગ રેકેટની સૂત્રધાર અમ્મા શિવાનીને કહે છે કે “એ (અમ્મા) વર્ષોથી ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગનાં બાળકોને ગાયબ કરીને જ પોતાનો ધંધો ચલાવે છે, કારણ કે સમાજ આવાં બાળકોની દરકાર નથી કરતો, નથી કાયદાને આ લોકોની કંઈ પડી…” સાંભળીને શિવાનીનો અંતરાત્મા જાગે છે. એ યુનિફૉર્મની ઐસીતૈસી કરીને મોટા રેકેટ પાછળ પડે છે. આમાં એના સાથ આપે છે કોન્સ્ટેબલ ફાતિમા (જાનકી બોડીવાલા) અને અન્ય…
ઓકે, ‘મર્દાની-3’ ખરાબ ફિલ્મ નથી, બસ, એમાં લોજિકની કમી છે. લોજિક છે, પણ એ ઈલ્લ-લોજિક છે. ઈન્ટરવલ સુધી ફિલ્મ સ-રસ બની છે, જકડી રાખે છે. ઈન્ટરવલ પછી ગોથાં ખાવા માંડે છે, ક્લાઈમેક્સ આવતાં સુધીમાં ઊંધા માથે પટકાય બની જાય છે. ડિરેક્ટર અભિરાજ મીનાવાલા કદાચ ઉતાવળમાં હશે. ગરીબ, માસૂમ બાળાઓને શું કામ કિડનેપ કરવામાં આવે છે એ મેડિકો-લીગલ રેકેટના લખાણમાંથી બુદ્ધિ-તર્ક ગાયબ છે. આગલી બે ફિલ્મમાં શિવાની રોયના કેરેક્ટરમાં છવાઈ ગયેલી રાની આ વખતે (મને) નહીં ગમી. જાનકી બોડીવાલા રાબેતા મુજબ સરસ. બન્ને વિલન પણ પ્રભાવ છોડી જાય છે. ટૂંકમાં, મર્દાની-ફ્રેન્ચાઈઝનો ત્રીજો ડાર્ક, ડેન્જરસ હફતો એવરેજ છે.




