ઢોળ ચડાવેલાં લાઈક્સ-ફૉલોઅર્સ-ઈન્ફ્લુઅન્સર્સની વરવી વાસ્તવિકતા

ચાઆઆઆઆલો…શરૂઆત તો સારી થઈ. નવા વર્ષે ઓટીટી પર (નેટફ્લિક્સ પર) ‘ખો ગયે હમ કહાં’ જોઈને દિલ્હીની “ઓયે કી પલૂશન”વાળી પ્રદૂષિત હવામાંથી ફ્રૅશ ઍરવાળા હિલસ્ટેશન કુન્નુરમાં આવી ગયાની અનુભૂતિ થઈ. ડિરેક્ટર અર્જુન વરૈનનસિંહની પહેલી જ ફિલ્મ. લેખિકા છે ઝોયા અખ્તર-રીમા કાગતી-અર્જુનસિંહ ને અભિનયનાં અજવાળાં પાથર્યાં છેઃ સિદ્ધાંત ચતુર્વેદી-આદર્શ ગૌરવ-અનન્યા પાંડે-કલ્કિ કોએચલીને.

ફરહાન અખ્તરના નિર્માણવાળી આ ટિપિકલ આજની પેઢીની વાર્તા છે, શીર્ષક કહે છે એમ, સોશિયલ મિડિયાની ભુલભલામણીમાં ખોવાઈ ગયેલી જનરેશન ઝેડ તરીકે ઓળખાતી ઑલાદોની વાત છે. કઢંગા વિડિયો શૂટ કરીને પાંચ-પંદર મિનિટ માટે છવાઈ જવાની આજે એક આંધળી દૌડ ચાલી છે. પોતાને આલિયા-રણબીર માનતાં કપલ્સથી લઈને, છોકરાં-છોકરીઓની-બચ્ચાંઓની વાયડી-ચાંપલી, કોહવાયેલી જોક્સ પરથી ઊતરેલી રીલ્સ, રસ્તા પર, મેટ્રોમાં, ટ્રેનમાં ચેનચાળા-ડેન્સ કરીને બનાવવામાં રીલ્સ આપણા વૉટ્સૅપ દરરોજ ઠલવાય છે. અને કોઈ જાણીતી-માનીતી વ્યક્તિની પાછળ આદું ખાઈને પડી જતી ઑનલાઈન ટ્રૉલની એક આખી જમાત છે.

આશરે 135 મિનિટ્સની ફિલ્મમાં સર્જકોએ લાખો ફૉલોઅર્સ ધરાવતા, પણ અંદરથી ખાલીપો અનુભવતા લોકો પર સોશિયલ મિડિયાની અસર, અને એનાથી લાઈફમાં કેવાં પરિવર્તન આવ્યાં છે એની સુચિંતા વ્યક્ત કરી છે. ફિલ્મના અંતમાં ઉપદેશાત્મક ન લાગે એની ચીવટ રાખીને લેખક-દિગ્દર્શકે એક મેસેજ પણ આપ્યો છે. ડિંડર અથવા ફેસબુક-ઈન્સ્ટાગ્રામ વગેરે વગેરે પર સતત કોઈની સુખીસંપન્ન, સુપર હેપી અપડેટ્સ સાથે આપણી લાઈફ સરખાવીને દુઃખી થવું કેટલું વાજબી? ઈન્સ્ટાગ્રામ પર મોજીલા દેખાતા લોકોનાં જીવનમાં કેવા ઝંઝાવાત હશે એ કોણ જોવા ગયું?

ત્રણ મિત્રો ઈમાદ-અહાના-નીલ (સિદ્ધાંત-અનન્યા-આદર્શ) ની વાર્તા છે. ત્રણેય જવાનિયાં મહત્વાકાંક્ષી છે, એમને કંઈ કરવું છે, પણ યોગ્ય દિશા નથી, કન્ફ્યુઝ છે. બીજી બાજુ લાગતાવળગતાનું દબાણ છે, સોશિયલ મિડિયાથી ગ્રસ્ત છે, સંબંધોના ગૂંચવાડા છે.

આ જ નિર્માતા-લેખકોની ‘દિલ ચાહતા હૈ’ કે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની યાદ દેવડાવતી ‘ખો ગયે હમ કહાં’ યંગ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પણ વિષય અને જે રીતે આપણે સોશિયલ મિડિયાને આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બનાવી દીધું છે એ જોતાં એક બહોળા વર્ગને આ કૃતિ સ્પર્શી જાય છે. જેમ કે, અહાના ઈન્સ્ટાગ્રામ પર પૂર્વ પ્રેમીની હિલચાલ પર નજર રાખે છે, તો જિમ્નેશિયમમાંથી બહાર નીકળતી મલાઈકા અરોરા સાથે લીધેલી સેલ્ફીથી નીલના ફૉલોઅર્સની સંખ્યા વધી જાય છે. સ્ટેન્ડ અપ કોમેડિયન ઈમાદ ડિજિટલયુગના ખાલીપા તથા દંભી દેખાડા પર કટાક્ષ કરે છેઃ “આજે કસરત કરવા ગયેલી મલાઈકા અરોરાએ શું પહેર્યું છે એ મારે જાણીને શું કરવું છે”?

ત્રણેવના અભિનય સરસ છે. યસ યસ યસ, અનન્યા પણ. ત્રણેવના તાલમેલ પણ સરસ છે. પિતાના રોલમાં પ્રતિભાશાળી વિજય મૌર્યે પણ કમાલ કરી છે. વધુ કંઈ ન લખતાં, ‘ખો ગયે હમ કહાં’ જોવાની ભલામણ કરું છું.