દશ્ય મજ્જેનું હતું. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે મુંબઈમાં યશ રાજ ફિલ્મ્સ (YRF)ની વિઝિટ લીધી, જ્યાં એમનું સ્વાગત લંડનમાં શૂટ થયેલી ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ના અમર ગીત “તુઝે દેખા તો યે જાના સનમ…”ની સુરાવલીઓથી કરવામાં આવ્યું. તે પછી બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરે કન્ફર્મ કર્યું કે વિક્રમ સંવત 2082માં ‘યશરાજ ફિલ્મ્સ’ તથા અન્ય ભારતીય પ્રોડક્શન હાઉસ કમસે કમ ત્રણ ફિલ્મ યુ.કે.નાં વિવિધ લોકેશન્સ પર બનાવશે. આનાથી યુ.કે.માં આશરે 3,000 જેટલી નોકરીની તક ઊભી થશે. બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ-એનએફડીસી વચ્ચે થયેલા કરાર મુજબ, ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી આશરે 1400 કરોડ રૂપિયા બ્રિટનની એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેસ્ટ કરી અર્થતંત્ર ઝળાંહળાં બનાવશે.
આની સામે હવે ટ્રેજી-કોમિક સિચ્યુએશન જુઓ. વ્હાઈટ હાઉસમાં નોકરીએ લાગ્યા ત્યારથી ગાંડીઘેલી હરકતો, ફતવાથી બેસ્ટ એક્ટર સાબિત થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે દરખાસ્ત મૂકી કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બહાર બનેલી કોઈ બી ફિલ્મ યુએસએમાં રિલીઝ થાય તો એની પર 100 ટકા શુલ્ક લાગશે.
આમ તો અવળચંડા વિચારો માટે જાણીતા ટ્રમ્પ સાહેબને કોઈ સિરિયસલી લેતું નથી. એચવન-બી વિસા માટે આશરે કરોડ રૂપિયા લેવા એવી એમની દરખાસ્ત સામે અમેરિકાની વિરાટ કંપનીઓ કોર્ટમાં ગઈ છે, આ પહેલાં પણ એમના ઘણા તરંગ-તુક્કામાંથી ફેડરલ કોર્ટે હવા કાઢી નાખી.
અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100 ટકા શુલ્ક લગાવવાનો આઈડિયા એમને મે મહિનામાં આવેલો. એ જ તુક્કો ‘બડવાઈઝર’ બિયરનાં ફીણની જેમ એમના દિમાગમાં ફરી ઊભરાઈ આવ્યો છે. આમાં એમનો ઈરાદો, અમેરિકામાંથી તગડી કમાણી કરતી ચાઈનીઝ, ભારતીય ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીની બૂરી વલે કરવાનો જ છે. કોઈ શક?
ટ્રમ્પે એ સમજવાની જરૂર છે કે ફિલ્મ એ કંઈ ચીજવસ્તુ નથી- એ તો સોફ્ટવેર અને સર્વિસ છે. શું ટ્રમ્પ સર્વિસ પર પણ શુલ્ક લગાવવા માગે છે? ભારત માટે આ ચિંતાની બાબત બની શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિન્દી-તેલુગુ ફિલ્મોએ લાખો ડોલરની કમાણી કરી છે. અમેરિકામાં શૂટ થયેલી ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન (એડિટિંગ-સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ વગેરે) કેનેડા અને ભારતનાં હૈદરાબાદ-મુંબઈમાં થાય છે. મારવેલ-સિરીઝની સુપરહિટ ફિલ્મોનું વીએફએક્સ ભારતમાં થાય છે. ટ્રમ્પની ધમકી બાદ એનું શું થશે? ભારતીય ભાષાની ફિલ્મો દર વર્ષે આશરે હજાર-બારસો કરોડ રૂપિયાની કમાણી અમેરિકામાંથી કરે છે. દાખલા તરીકે, તેલુગુમાં બનેલી ‘આરઆરઆર’ ફિલ્મના કુલ નફામાં 60 ટકા હિસ્સો અમેરિકાનો છે. હવે, જો ટ્રમ્પની પ્રપોઝલ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય તો જપાન, ચીન, ઈન્ડિયન ફિલ્મો રિલીઝ કરવા અમેરિકાના ડિસ્ટ્રિબ્યૂટરોએ બમણી કિંમત ચૂકવવી પડશે, ટિકિટની પ્રાઈસ અધધધ વધી જશે.
જો કે વિદેશમાં નિર્માણનો અર્થ શું છે તે સ્પષ્ટ નથી. જો અમેરિકાની ફિલ્મનો અમુક ભાગ, ધારો કે, ભારતમાં શૂટ થાય તો એ અમેરિકન ગણાય કે વિદેશી? અને શું ટ્રમ્પનો હુકમ OTTને પણ પણ લાગુ પડશે?
ટ્રમ્પનું કહેવું છે કે એ હોલિવૂડની એક જમાનાની જાહોજલાલી પાછા લાવવા માગે છે, અથવા કમસે કમ આવું બહાનું એમણે 100 ટકા શુલ્ક લાદવા માટે આપ્યું છે. એ તો હકીકત છે કે હોલિવૂડનાં આજે વળતાં પાણી છે. છેલ્લાં થોડાં વર્ષમાં માંડ બેએક અમેરિકન ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ પર ઝંડા લહેરાવ્યા છે. અધૂરામાં પૂરું આ વર્ષે એક મેડ-ઈન-ચાઈના ફિલ્મ, ‘નેઝા: ધ ડેમન બોય ચર્ન્સ ધ સી’એ જે સપાટો બોલાવ્યો એનાથી ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું. ચીનમાં આ ફિલ્મ ચાઈનીસ નૂતન વર્ષે, 29 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ, જે વૈશ્વિક સ્તરે 2 અબજ ડોલર (2 બિલિયન યુએસ ડોલર)નો આંકડો પાર કરનારી પ્રથમ એનિમેટેડ અને નોન-અમેરિકન ફિલ્મ બની.
હોલિવૂડની મંદી વિશે વાત કરીએ તો, થોડા જ મહિના પહેલાં ‘ડિઝની સ્ટુડિયો’એ સેંકડો કર્મચારીને પાણીચાં આપ્યાં. સ્ટુડિયોના માંધાતાનું કહેવું છે કે રસિકજનો આજકાલ થિયેટરમાં ફિલિમ જોવા ખાસ જતા નથી, મનનું રંજન ઓટીટીથી વધુ કરે છે. આજે 100માંથી માંડ 20 જ અમેરિકન ફિલ્મ-ટીવી-શો હોલિવૂડમાં બને છે. એટલાન્ટા, ન્યુ યોર્ક અને ટેક્સાસ હોલિવૂડના કમ્પિટિટર બન્યા છે. બીજી બાજુ મેક્સિકો, યુરોપ, ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશો અમેરિકન ફિલ્મ સ્ટુડિયોઝને ઓછી પ્રાઈસ સાથે આકર્ષી રહ્યા છે. ટ્રમ્પ ટેરિફ-વોલ ઊભી કરીને આ ઓછી પ્રાઈસને ટક્કર આપવા માગે છે, પણ જો અન્ય દેશો અમેરિકન ફિલ્મો પર શુલ્ક લગાવશે તો?
ટ્રમ્પ ભૂલી જાય છે કે હોલિવૂડ, ધારો કે, 100 કરોડ રૂપિયાની કમાણી કરે તો એમાં 66 કરોડ રૂપિયા જેટલો હિસ્સો વિદેશનો હોય છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર અમેરિકન ફિલ્મ ‘એવેટર’ની 73% આવક વિદેશી સ્ક્રીન પરથી આવી હતી; એની સિક્વલે પણ વિદેશમાંથી સારી કમાણી કરી. અને જંગી જહાજની જળસમાધિવાળી ‘ટાઈટેનિકે’ જંગી આવક વિદેશમાંથી મેળવી હતી.
-અને ઓ હેલ્લો, મિસ્ટર ટ્રમ્પ, હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ચારમાંથી ત્રણ ફિલ્મ કેનેડિયન સર્જક જેમ્સ કેમરોનની છે, ‘ટાઈટેનિક’ની હીરોઈન કેટ વિન્સલેટ બ્રિટિશ છે. હોલિવૂડ આજે દુનિયાભરની પ્રતિભાનું સંગમસ્થળ બની ગયું છે, જેમાં પ્રિયંકા ચોપડા, ફ્રિડા પિંટો અને સ્વર્ગસ્થ ઈરફાન સામેલ છે. આજે અમેરિકાનાં પ્રોડક્શન હાઉસ ભારતના નિર્માતા સાથે હાથ મિલાવીને ફિલ્મો બનાવે છે.
ટ્રમ્પને માલૂમ થાય જે, દુનિયા આજે ગ્લોબલ ગામ બની ગયું છે, જમાનો કોલાબોરેશનનો છે, એકબીજા સાથે હળીમળીને કામ કરવાનો છે. હોલિવૂડને આજે જેની બિલકુલ જરૂર નથી એ છે ટેરિફથી ઘેરાયેલી સાન ફ્રાન્સિસ્કોની અલ્કાટ્રાઝ જેલની કાળમીંઢ દીવાલ.
