આજકાલ લેખક-દિગ્દર્શક હાર્દિક ગજ્જરનો મોટા ભાગનો સમય દેશભરમાંથી આવેલી જાતજાતની નોટિસોના જવાબ આપવામાં જાય છે. એ કહે છેઃ “થોડા દિવસમાં (1 ઑક્ટોબરે) મારી ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ છે, પણ હું એની પર ધ્યાન આપી શકતો નથી…”
ઓક્કે, જે લોકોને આ આખ્ખી વાત વિશે કંઈ જ ખબર નથી એમને માટે એક ઝડપી રિરનઃ ગયા પખવાડિયે પ્રતીક ગાંધીને ચમકાવતી હિંદી ફિલ્મ ‘રાવણ લીલા’નું ટ્રેલર રિલીઝ થયું. હંસલ મહેતાની વેબસિરીઝ ‘સ્કૅમ-92’ બાદ સ્ટાર બની ગયેલા પ્રતીકની આ મોટી ને મહત્વની હિંદી ફિલ્મ છે. ખાખર નામના ગામની નાટકકંપનીમાં કામ કરતાં રાજારામ જોશી (પ્રતીક ગાંધી) અને રાણી (ઐન્દ્રિતા રે) પ્રેમમાં પડે છે એ પછી એમનાં જીવનમાં આવતાં ધરખમ પરિવર્તન વિશેની ફિલ્મનું ટ્રેલર જોઈને ઈન્ટરનેટ પર એ વિશે જાતજાતની ટીકા-ટિપ્પણી થવા લાગી. ખાસ કરીને ટ્રેલરના અંતમાં આવતા એક સીન-સંવાદ વિશે. રાવણનું પાત્ર ભજવતા કલાકાર રાજારામ જોશી (પ્રતીક ગાંધી)ની રામ બનતા કલાકાર (અંકુર વિકાલ) સાથેની આ પ્રશ્નોત્તરી ટ્વિટરવાળાઓને પસંદ ન પડી.
હવે સર્જકોએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે હિંદુ સંસ્કૃતિ તથા રામાયણ માટે અમને ભારોભાર આદર છે અને ફિલ્મમાં કોઈ પણ રીતે કોઈની પણ લાગણી દુભાય એવું કંઈ જ નથી. વળી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશના સભ્યોને જે દશ્-સંવાદ વાંધાજનક જણાયા એ કાઢી નાખ્યા બાદ અમને ‘યુ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, વગેરે.
આ વિશે ફિલ્મના લેખક-દિગ્દર્શક હાર્દિક ગજ્જરની પ્રતિક્રિયા જાણવા સંપર્ક કર્યો તો એ કહેઃ “બિલીવ મી, આ એક સાફસૂથરી લવસ્ટોરી છે. લવસ્ટોરી હોવા છતાં બન્ને કલાકાર રામલીલામાં જે પાત્રો ભજવે છે એને ધ્યાનમાં રાખીને કોઈ જગ્યાએ અમે ગરિમા હલાવી નથી.” હાર્દિક ઉમેરે છે કે ‘ભવાઈ’ એ ટોળાં વિશેની, મૉબ લિન્ચિંગ વિશેની ફિલ્મ છે…”
-સર્જકને આ વિષય ક્યાંથી સૂઝ્યો હશે?
રામાયણ વિશેની ‘સિયા કે રામ’ તથા ‘દેવો કે દેવઃ મહાદેવ’ જેવી સિરિયલના એપિસોડ્સ ડિરેક્ટ કરનારા હાર્દિકભાઈ કહે છેઃ “વાસ્તવમાં રામ કોણ? ને રાવણ કોણ? એ કૉન્ટેક્સ્ટમાં ફિલ્મ ચાલે છે. યુ સી, આપણે આપણી જરૂરિયાતના હિસાબે સારા થઈએ છીએ, આપણી જરૂરિયાતના હિસાબે ખરાબ…. રામ કે રાવણ, જે છે એ આપણી અંદર જ છે. આપણે જે બતાવવા માગીશું એ દેખાશે. પાંચેક વર્ષથી આ મનોઝંઝટ મગજમાં ચાલતી હતી. પછી થયું કે સારા-ખરાબનો દ્ધંદ્ધ બતાવવો હોય તો શ્રેષ્ઠ રસ્તો છે રામ-રાવણની સરખામણી કરવાનો.”
આ વિચારને નક્કર સ્વરૂપ આપવા હાર્દિકભાઈએ રામાયણનો અભ્યાસ કર્યો, દિલ્હી તથા ઉતર પ્રદેશના વિવિધ વિસ્તારમાં યોજાતી રામલીલાઓ જોઈને સાડાચાર વર્ષના રીસર્ચ બાદ કથા-પટકથાને નક્કર સ્વરૂપ આપ્યું. એમના કહેવા મુજબ, “ફિલ્મમાં એમણે અદભુત રામલીલા બતાવી છે. ક્યાંય કોઈ છેડછાડ કરી નથી. અમને બરાબર ખબર છે કે ધર્મ કે ભગવાન જોડે રમો તો એનાં ગંભીર પરિણામ આવી શકે. અમારે એ બાજુ જવું જ નથી. આખી ફિલ્મમાં જ્યાં જે સવાલ ઊભા થયા એના તર્કબદ્ધ જવાબ આપવામાં આવ્યા છે. તથ્યો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. અફસોસ એ વાતનો છે કે અમુક લોકો નકામું વતેસર કરી રહ્યા છે… મને ખાતરી છે કે ફિલ્મ જોયા બાદ એમની બધી શંકા દૂર થઈ જશે.”
ગાંધીનગર નજીક પેથાપુરથી આવતા હાર્દિક ગજ્જરે કારકિર્દીનો આરંભ કર્યો એડિટિંગથી. વીએફએક્સ માટે અનેક એવૉર્ડ્સ મેળવનાર હાર્દિકભાઈનું એ પછીનું સ્ટૉપ હતું ડિરેક્શન. કેટલીક પૌરાણિક કથાવાળી સિરિયલનાં ડિરેક્શન બાદ આવી ‘ઝી5’ માટેની વેબ સિરીઝ ‘ધ કેસિનો’. હાલ એમણે સર્જેલી ચાર ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, જેમાં બે ગુજરાતી (‘વહાલમ જાઓને’ તથા ‘ચાંદલો’) અને બે હિંદી (‘ભવાઈ’ તથા ‘અતિથિ ભૂતો ભવઃ’). સાદ્યંત કૉમેડી ‘વહાલમ જાઓને’, ‘ભવાઈ’ તથા હૉરર કૉમેડી ‘અતિથિ ભૂતો ભવઃ’માં નાયક છેઃ પ્રતીક ગાંધી, જ્યારે કાજલ ઓઝા વૈદ્યની વાર્તા પરથી સર્જાયેલી ‘ચાંદલો’ની સ્ટારકાસ્ટ ઈન્ટરેસ્ટિંગ છેઃ માનવ ગોહિલ-શ્રદ્ધા ડાંગર અને કાજલ ઓઝા વૈદ્ય.
ફિલ્મ ‘ભવાઈ’માં અન્ય કલાકારો છે રાજેન્દ્ર ગુપ્તા-રાજેશ શર્મા, અભિમન્યુસિંહ, વગેરે. એક રસપ્રદ વાત એ કે ફિલ્મમાં ભામિની ઓઝા ગાંધી બની છે રાજારામ જોશી પ્રતીક ગાંધી)ની ભાભી. ‘ભવાઈ’ના પ્રેઝન્ટર છેઃ ‘પેન સ્ટુડિયોઝ’ના જયંતીલાલ ગડા, જ્યારે પ્રોડ્યુસર છે ધવલ જયંતીલાલ ગડા, અક્ષય જયંતીલાલ ગડા, પાર્થ ગજ્જર, અને ‘બૅકબેન્ચર ફિલ્મ્સ’ના સહયોગમાં ‘હાર્દિક ગજ્જર ફિલ્મ્સ’.
(કેતન મિસ્ત્રી)