ત્રેવીસ વર્ષથી નચાવતો એ ગરબો…

ઑગસ્ટ એટલે તહેવારોની મોસમનો આરંભ. રક્ષાબંધન, ગણેશચતુર્થી બાદ આ આવશે નવરાત્રિ, દશેરા ને દિવાળી. નવરાત્રિની સાથે સાંભરે હિંદી સિનેમાનાં કેટલાંક યાદગાર ગરબાગીતો…

તાજેતરમાં જ રજૂઆતનાં 23 વર્ષ પૂરાં કરનારી ‘હમ દિલ દે ચૂકે સનમ’નો ગરબો અવશ્ય યાદ આવે. અવિસ્મરણીય ‘ઢોલી તારો ઢોલ બાજે’ (સંગીતઃ ઈસ્માઈલ દરબાર)ની કોરિયોગ્રાફી કરનાર સમીર અને એમનાં પત્ની અર્ષ તન્ના સાથે આ ફિલ્મની વાત કરતાંની સાથે જ બન્નેની આંખોમાં અનેરી ચમક આવતી દેખાય.

સમીરભાઈના પિતા અનિરુદ્ધ તન્ના ‘પારેવડું’ અને ‘કલાનિધિ’ જેવી નૃત્ય અકાદમીના સ્થાપક અને નૃત્યજગતનું સમ્માનીય નામ. મુંબઈની એન.એમ. કૉલેજમાં સમીરભાઈને મળ્યાં પારસી બાનુ અર્ષ. અર્ષનાં માતા કથક શીખેલાં, પણ એમને જોઈએ એવી તક મળી નહોતી એટલે એમણે ડીકરીને પ્રોત્સાહન આપ્યું.

(તસ્વીર: દીપક ધુરી)

1990ના દાયકામાં, ભણતાં ભણતાં સમીર-અર્ષ જાતજાતની નૃત્યસ્પર્ધામાં ભાગ લેતાં. મુંબઈની જાણીતી સંસ્થા ‘કલાગુર્જરી’ દ્વારા આયોજિત આવી એક સ્પર્ધામાં એમને પહેલું ઈનામ મળ્યું. આ કાર્યક્રમ જોવા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી આવેલા. બેએક વર્ષ બાદ એમણે ‘હમ દિલ દે ચૂકે સનમ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એમને યાદ આવ્યાં સમીર-અર્ષ તન્ના. એમણે ‘કલાગુર્જરી’ની ઑફિસમાં ફોન કરી સમીરભાઈનો નંબર મેળવ્યો અને… રચાયો હિંદી સિનેમાનો એક અવિસ્મરણીય ગરબો.

એક આડવાતઃ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પોતે બહુ સારા નૃત્યકાર. માતા લીલાબહેન સાથે એમણે ગરબાના અનેક કાર્યક્રમ કર્યા, નૃત્યગૂંથણી પણ કરી ચૂક્યા છે.

23 વર્ષ પહેલાં આવેલી ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગનો આરંભ ‘ઢોલી તારો ઢોલ બાજે’ સોંગથી થયો. સમીરભાઈ કહે છેઃ “શૂટિંગ પહેલાં ફિલ્મસિટીમાં અમે અમારા સહાયકો સાથે ગીત સલમાન ખાન સામે રજૂ કર્યું, જે જોઈને એ ખુશ થઈ ગયો. થોડી વાર પછી મગજમાં બત્તી થતાં એણે સંજયભાઈને પૂછ્યું, મારે આ ડાન્સ કરવાનો છે?”

સંજયભાઈ કહે, “હાસ્તો, એટલે તો તને બતાવ્યું.”

સલમાન કહે, “સવાલ જ નથી. મારાથી આ નહીં થાય.”

તો સંજયભાઈએ રોકડું પરખાવી દીધું, “તો તું ફિલ્મમાંથી આઉટ.”

સલમાને કહ્યું, “તમે મજાક કરો છો?”

સંજયભાઈ કહે, “ના. હું સિરિયસ છું. કોરિયોગ્રાફી આ જ રહેશે. ફિલ્મમાં રહેવું હોય તો આ કરવું પડશે.”

“ફાઈનલી સલમાને ખૂબ મહેનત કરીને એ કર્યું અને બાકી ઈતિહાસ. ઐશ્વર્યાએ પણ ઝડપથી સ્ટેપ્સ શીખી-સમજી લીધાં. જો કે શૂટિંગમાં ડાન્સરોને બહુ તકલીફ પડી, કારણ કે ગરબો કલરફુલ એક્રેલિક અને લાકડાંની પટ્ટીવાળા પ્લેટફોર્મ પર શૂટ થયો. અમારા ઘણા ડાન્સરના પગ છોલાઈ ગયા.”

એ પછી તો એમણે સંજયભાઈની ‘ગોલિયોં કી રાસલીલા’માં ‘નગાડા સંગ ઢોલ બાજે’ અને ‘લહુ મૂંહ લગ ગયા’ કોરિયોગ્રાફ કર્યાં. એમના કહેવા મુજબ, “લહુ મૂંહ લગ ગયા પડકાર રૂપ સોંગ હતું, કારણ કે ગીત સ્લો ટેમ્પોવાળું હતું એટલે કોરિયોગ્રાફી અઘરી હતી. ફિલ્મફૅર માટે ‘નગાડા’ અને ‘લહુ’ બન્ને નૉમિનેટ થયાં, પણ ટ્રોફી મળી લહુ…ને.”

આ કોરિયોગ્રાફર-દંપતીની પહેલી ગુજરાતી ફિલ્મ હતી ‘હેલ્લારો,’ જેમાં 13 નાયિકા ને એક નાયક, જેનું નામ છે ગરબો. રસપ્રદ વાત એ કે ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહે સમીર-અર્ષ તન્નાને કહી દીધેલું કે “તમે કોરિયોગ્રાફી કરવાની ના પાડશો તો કદાચ મારે ફિલ્મ બંધ કરવી પડશે કેમ કે તમારા સિવાય બીજું કોઈ કરી નહીં શકે.”

‘હેલ્લારો’ બાદ એમણે ‘નાયિકાદેવી’ માટે પણ કોરિયોગ્રાફી કરી.

હિંદી-ગુજરાતી ફિલ્મો ઉપરાંત દેશ-વિદેશમાં સ્ટેજ શો તેમ જ વેડિંગ ઈવેન્ટ્સ કરતી પતિ-પત્નીની આ જોડી અજીબ તાલમેલ સાથે ગીતો તૈયાર કરે છે. છૂટા પડતાં પહેલાં સમીરભાઈ કહે છેઃ ‘જો કલાકારોને સ્ટેપ્સ અઘરા લાગે તો એ બદલાવવાની રિક્વેસ્ટ કરે એટલે તાત્કાલિક સેટ્સ પર નવા સ્ટેપ્સ વિચારવા પડે. બસ, આ સિવાય અત્યાર સુધીનો અનુભવ ઘણો સારો રહ્યો છે.’

(લેખક ચિત્રલેખા ના મુંબઇસ્થિત સ્પેશ્યલ કોરસ્પોન્ડન્ટ છે.)