અમૃત મહોત્સવ ઊજવવા થનગની રહેલા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની આ સપ્તાહની તાજી લહેર જેવી કવરસ્ટોરી વસંત ઋતુના આગમન પર છે. વસંતવૈભવના દોરદમામથી લઈને દેશ-દુનિયામાં વસંત, બસંત, સ્પ્રિંગ ફેસ્ટિવલ કેવી રીતે ઊજવાય છે એની રસઝરતી માહિતી વાંચવી જ પડે એવી છે. ગુજરાતી સાહિત્યની વસંત કુંજગલીમાં લટાર મરાવે છે કવિવર્ય ઉદયન ઠક્કર. જરૂરથી વાંચજો.
બહરહાલ હિંદી સિનેમાવાળાઓ ઓછા લાડ નથી લડાવ્યા ઋતુરાજ વસંતને. એમ તો ભારતીય ફિલ્મો પાસે દરેક અવસર, દરેક સીઝનનાં ગીતો છે. એટલે બસંત ઋતુનાં ગીતો હોય જ.
અચ્છા, વસંત શબ્દ કાને પડતાં તમને કયું ગીત યાદ આવે?
તમે કહેશો કે યાર, 2025માં છીએ ને જૂનું શું યાદ આવે? તો જનાબ, વસ્તુ એ છે કે સંગીતમાં એ તાકાત હોય છે કે ટાઈમ મશીન વિના એ તમને કોઈ પણ કાળમાં લઈ જઈ શકે. મીનિંગ, તમે 1950ના દશકનું કોઈ સોંગ સાંભળો તો એ કાળમાં પહોંચી જાઓ. શરત એ કે ગીત-સંગીત એવાં દર્જેદાર હોવાં જોઈએ.
જેમ કે 1957માં આવેલી ‘સુવર્ણ સુંદરી’ ફિલ્મનું “કુહુ કુહુ બોલે કોયલિયા…” આ ગીતની એક પંક્તિ છેઃ “સજ સિંગાર ઋત આયી બસંતી…”
આ ગીત તમને કોઈ બી જગ્યાએ સાંભળતા હોવ એ તમને ઊંચકીને એ સ્થળ-કાળમાં લઈ જશે. જો આંખો મીંચીને સાંભળશો તો આસપાસ કોયલના ટહુકા તથા ભમરાનો ગુંજારવ પણ સંભળાશે. સોહની-બહાર-જૌનપુરી-યમન એમ ચાર રાગો પર આધારિત આ કર્ણપ્રિય ગીત સ્વરબ્દ્ધ કર્યું આદિ નારાયણ રાવે અને ગાને કે બોલ લિખે હૈ ભરત વ્યાસજી ને. મોહમ્મદ રફીનો મખમલી સ્વર અને લતા મંગેશકરના ગળાની ચાસણી… સ્વર, આરોહ-અવરોહ, સંગીત બધું પરફેક્ટ. તેલુગુ ફિલ્મનું આ ગીત અક્કિનેની નાગેશ્વર રાવ અને અંજલિ દેવી પર ચિત્રિત થયેલું. 1950ના દાયકાના તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અક્કિનેની નાગેશ્વર રાવ એટલે હાલના સ્ટાર નાગર્જુનના પપ્પા અને નાગ ચૈતન્યના દાદાજી.
આવું જ બીજું એક ગીત એટલે “કેતકી ગુલાબ જુહી ચંપક વન ફૂલેં… રિતુ બસંત અપનો કંત, ગોદી ગરવા લગાય…” સંગીતકાર શંકર-જયકિશને ફિલ્મ ‘બસંત બહાર’ માટે સ્વરબદ્ધ કરેલું આ ગીત લખ્યું શૈલેન્દ્રે. સ્વર પંડિત ભીમસેન જોશી, મન્ના ડે. મારું માનવું છે કે આ ફિલ્મગીત નથી, પણ શાસ્ત્રીય સંગીતની બંદિશ છે.
આગળ જઈએ અને યાદ કરીએ આપણા હરિભાઈ જરીવાલા એટલે સંજીવકુમારને. “સંગ બસંતી, અંગ બસંતી, રંગ બસંતી છા ગયા…. મસતાના મૌસમ આ ગયા…” લક્ષ્મીકાંત-પ્યારેલાલે ‘રાજા ઔર રંક’ માટે સ્વરબદ્ધ કરેલા આ ગીતના રચયિતા આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગાયક કલાકારોઃ મોહમ્મદ રફી-લતા મંગેશકર.
અચ્છા, એક ગીત તો એવું યાદ આવે છે કે જે… આમ તો વસંતોલ્લેખવાળું નથી, પણ આ ગીતના શબ્દો, એનું સ્વરાંકન, સંગીત, લતા મંગેશકરનો અવાજ કમથી કમ, મને તો આજેય ઘેનમાં પાડી દે છે. ગીત તમે સાંભળો તો તમારાં દુખદર્દસ્ટ્રેસ ભૂલી જશો. ગાને કે બોલ?
“સુનો સજના પપીહે ને કહા સબ સે પુકાર કે… સંભલ જાઓ, ચમન વાલોં કે આયે દિન બહાર કે…”
બહાર એટલે વસંતનું જ પ્રતીક વળી. હા, એને વર્ષા ઋતુ પણ સાંકળી શકાય, પરંતુ આપણે મીનિંગ લેવાનો વસંતનો. વસંતના આગમનની છડી પોકારે કોયલ અને, આ ગીતમાં પપીહા ઘોષણા કરે છે કે સાંભળો સાંભળો… વસંતના દિવસો આવી ગયા છે. ફિલ્મના શીર્ષકમાં જ વસંત છે. ગીતમાં પપીહા, પવન, પુષ્પો, ઉદ્યાન જેવા વસંત સાથે સંકળાયેલાં મોટીફ્સ પર કૅમેરા મોજથી ફરતો રહે છે. આકુળવ્યાકુળ થઈને પ્રિયકર ધર્મેન્દ્રને ખોળતી આશા પારેખને જોવી કે ગિરિમથકની ખીણનો રમણીય નજારો? ભૂરું આકાશ, ફૂલ-ફળનાં લહેરાતાં વૃક્ષો, વગેરે જોઈને એમ થાય કે જે પહેલું વાહન મળે એ લઈને ત્યાં પહોંચી જઈએ… ધર્મેન્દ્ર બીજા અંતરાથી જૉઈન થાય છે. ગીતમાં તબલાં-ઢોલકની સંગતનો એક અલગ અંદાજ છે.
આ ગીત સાંભળીને એવું લાગે જાણે કાનમાં મધ રેલાય છે ને હવામાં જાફરાનીની ખુશબો.
એ પછીના ક્રમે આવે છે “આયી ઝૂમકે બસંત…” મનોજકુમારની ‘ઉપકાર’ માટે કલ્યાણજી-આણંદજીએ સ્વરબદ્ધ કરેલા આ ગીતમાં વસંતના અળગ અલગ મિજાજ છતા થાય છે. મારા હિસાબે આ માત્ર વસંત ઋતુનું જ ગીત નથી, પણ ઉત્તર ભારતમાં ઊજવાતા ઉત્સવનું ગીત છે. વસંત પંચમીનું ગીત છે. પરદા પર દેખાતો પીળો રંગ વસંત પંચમીનું પ્રતિનિધિત્વ કરે છે. સરસવનાં ફૂલ, પીળા લહેરાતા દુપટ્ટા, પીળી પાઘડી… “આયી ઝૂમકે બસંત” પ્યારનું સોંગ છે, પરંતુ એ બીજાં બધાં રોમાન્ટિક સોંગ જેવું સોંગ નથી, પણ ભારતની ધરતીનું, એ ધરતીની પ્રજાના પ્યારનું ગીત છે.
આ બધાં ગીતો ઈન્ટરનેટ પર પ્રાપ્ય છે. જરૂરથી માણજો અને હા, તમારું પ્રિય બંસત સોંગ?
