દિલમાં જન્મતી, દુનિયા સુધી પહોચતી એ ગ્રામ્યકથાઓ…

યા…હૂ… આ વખતે જે નેશનલ એવૉર્ડ ઘોષિત થયા એમાં ગામડાગામમાંથી નીકળેલી વાર્તાને પ્રાધાન્ય મળ્યું છે. ભારતના આત્મા સમી એ ભૂમિ, જ્યાં જમીનની સુગંધ સાથે સ્મૃતિઓ શ્વાસ લે છે, એવા નાના નાના ગામની ધૂળમાં મોટી કથાઓ જન્મે છે, જ્યાં જિંદગીનાં લાગણીના તાણાવાણા, ધૂળિયા મારગ અથવા સાંકડી શેરીઓમાં વણાય છે. ભારતનાં આવાં નાનકડાં ગામ, નગરોનાં હૃદયમાંથી નીકળતા અવાજ હવે ફિલ્મ અને ઓટીટીના માધ્યમથી ભારત જ નહીં, પણ દેશના ખૂણે ખૂણે પહોંચ્યા છે, જે સાંભળીને-જોઈને પરદેશીઓમાં ભારત વિશે કુતૂહલ જગાવે છે ને એમને અહીં આવવા પ્રેરે છે. આવી ફિલ્મોનાં પાત્રો, સંઘર્ષ અને સંસ્કૃતિના રંગોથી ભરેલાં હોય છે. ક્યારેક તીખા વ્યંગવાળી વાર્તા હોય છે, તો ક્યારેક દિલધડક થ્રિલર. ‘મિરઝાપુર’થી લઈને ‘પંચાયત’ અને ‘લાપતા લેડીસ’થી લઈને ‘કઠલ’, ‘ભૂલચૂક માફ’, વગેરે.

દેશના ખૂણામાંથી ઊગીને ખીલી ગયેલી થોડી વાર્તાઓ જોઈએઃ ચોટી પર છે મારી ફેવરીટઃ ‘કઠલ’- ગામડાની માટીથી લખાયેલી વાર્તા ‘કઠલઃ અ જેકફ્રૂટ મિસ્ટ્રી’. મધ્ય પ્રદેશનું ચંબલ ક્ષેત્ર આમ તો ડાકુના નામે જાણીતું હતું, પણ હવે સમય બદલાયો છે. પ્રદેશના જિલ્લા ભીંડનાં અંતરિયાળ ગામડાંમાં ‘કઠલ’…નું શૂટિંગ થયું. ચંબલ અને આસપાસના વિસ્તારમાં શૂટ થયેલી આ ફિલ્મ યુવા ડિરેક્ટર યશોધર મિશ્રાએ દિલથી બનાવી છે. પિતા અશોક મિશ્રાએ લેખનકાર્ય સંભાળ્યું છે.

71મા નેશનલ ફિલ્મ એવોર્ડસમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો ખિતાબ મેળવનારી ‘કઠલ’ રાજકીય કટાક્ષકથા છે. મધ્ય પ્રદેશની અંતરિયાળ નગરીમાં સ્થાનિક વિધાનસભ્ય (વિજય રાઝ)ના બંગલાના બગીચામાંથી બે રસાળ કઠલ (ફણસ)ની ચોરી થાય છે. એમનો ફોન જતાં નાના-મોટા પોલીસ અફસરો બધા કેસ પડતા મૂકીને ફણસ અને એના ચોરને શોધવા નીકળી પડે છે. તપાસ દરમિયાન ફણસ સિવાય બીજું બધું બહાર આવે છે. સાન્યા મલ્હોત્રા ચતુર મહિલા પોલીસના રોલમાં છે. દલિતની રાજનીતિ, બ્યુરોક્રેટિક હાહાકાર, પુરુષ આધિપત્ય, વગેરે અહીં વ્યંગાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. જાણે રેશમી રૂમાલમાં લપેટીને મારવામાં આવેલો જડબાતોડ મુક્કો. પ્રાસંગિકતાનું એવું અનોખું મિશ્રણ, જે સાબિત કરે છે કે હાર્ટલેન્ડની વાર્તાઓ દૂર દૂર સુધી ગુંજે છે અને ઈનામ પણ જીતે છે.

‘કઠલ’ની જ હીરોઈન સાન્યા મલ્હોત્રા ઉમેશ બિસ્ત લિખિત-દિગ્દર્શિત ‘પગલૈટ’માં બની છેઃ સંધ્યા ગિરિ. ઉત્તર ભારતના નાનકડા નગરમાં આકાર લેતી કથા ધીમે ધીમે ખૂલે છે. ભણેલી-ગણેલી સંધ્યાનાં લગ્નના થોડા જ મહિનામાં પતિનું મૃત્યુ થાય છે, જેનું એને દુઃખ નથી. ઘરમાં રોકકડ ચાલી રહી છે, પણ સંધ્યા રડવાને બદલે પેપ્સી અને વેફર માણતી જોવા મળે છે. પરિવારનું માનવું છે કે આઘાતના લીધે તે આવું કરી રહી હશે. એની મા નજર પણ ઉતારે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે પતિના પચાસ લાખ રૂપિયાના વીમાની વાત આવે છે. એ પૈસાની પાછળ પિયરિયાં, સાસરિયાં પડી જાય છે. આ બધા વચ્ચે તમામ વચ્ચે સંધ્યા પોતાની જાતને કેવી રીતે શોધે છે એની આ કહાની છે.

વિક્રાંત મેસી અને તાપસી પન્નૂની ‘હસીન દિલરૂબા’ અને ‘ફિર આયી  હસીન દિલરૂબા’ની વાર્તામાં પ્રેમ, કામુકતા અને ખૂનની ટક્કર છે- સાંકડી ગલીઓમાં છુપાયેલી ઝેરીલી પ્રેમકથા, જ્યાં ચહેરા પર સ્મિત અને આંખોમાં ખંજર બંને સાથે રહે છે. તો વાસ્તવિક ઘટનાઓ પરથી પ્રેરિત ‘ખાકી: ધ બિહાર એન્ડ બેંગાલ ચૅપ્ટર્સ’માં બિહાર અને બંગાળના ગેંગલેન્ડમાં એક નિષ્ઠાવાન પોલીસ અધિકારીની હિંમતભરી લડતને દર્શાવે છે.

આવી જ એક વાર્તા એટલે ‘લાપતા લેડીઝ’. બે નવવધૂ, એક ચૂકાઈ ગયેલી ટ્રેન અને બે દુલ્હનોની અદલાબદલી, જે આત્મખોજની યાત્રામાં ફેરવાઈ જાય છે. ભારતના ગ્રામ્ય પ્રદેશના મોતી જેવી કથા હાસ્ય અને હૃદયસ્પર્શી ક્ષણોનું મિશ્રણ છે. સ્ત્રીત્વ, પિતૃસત્તા અને મુક્તિના વિષયો… આ બધું જ નાના શહેરની નિર્દોષ નજરેથી બતાવે છે ડિરેક્ટર કિરણ રાવ.

આ ઉપરાંત બનારસના ઘાટની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા ભૂલચૂક માફ, એ પહેલાં આવેલી સંઘર્ષકથા ટવેલ્થ ફેલ કે પછી પંચાયત જેવી સિરીઝ- પ્રેક્ષકોને ધરતીની માટી, એની લોકબોલી, એની સ્થાનિક રમૂજ, સ્લેંગ, વગેરે દર્શકને પસંદ પડી રહ્યાં છે.