આપણી ભાષાના એક અતિલોકપ્રિય નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની હાલ જન્મશતાબ્દી (1923-2022) ઊજવાઈ રહી છે. પખવાડિયા પહેલાં ‘ચિત્રલેખા’માં આ નિમિત્તે એક સરસ લેખ પણ છપાયો. હવે, વેલેન્ટાઈન ડેની પૂર્વસંધ્યાએ ફિલ્મલાઈન સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈના પહેલા પ્યાર વિશે અને એમાં આવેલો ફિલ્મી ટ્વિસ્ટ માણો, પણ પહેલાં તમે આ વાંચોઃ
1980ના દાયકાના અંતભાગમાં હું ‘ઈન્ડિયન એક્સપ્રેસ જૂથ’ના દૈનિક ‘સમકાલીન’માં ટ્રેઈની તરીકે જોડાયેલો. તે સમયે તંત્રી હસમુખ ગાંધીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિઠ્ઠલભાઈના અનુભવની એક કૉલમ શરૂ કરેલીઃ ‘ટિનસેલ અને ગ્લિસરીન.’ એ લેખમાળાનું દરેક પ્રકરણ વાંચી, એને લગતા ફોટોગ્રાફ્સ મેળવી છાપવા મોકલવાની જવાબદારી ગાંધીસાહેબે મને સોંપેલી. એ નિમિત્તે અઠવાડિયામાં 3-4 વાર વિઠ્ઠલભાઈ સાથે વાત થતી. ક્યારેક ઑફિસે આવતા ત્યારે ચા-પાણી સાથે એમના જમાનાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાતો વાગોળતા.
એક વાર મારી ગફલતથી કોલમનાં બે’એક પ્રકરણ ચૂકાઈ ગયાં, જે પ્રકરણ છપાયું એનો આગલા પ્રકરણ સાથે મેળ બેસતો નહોતો. સવારે છાપું આવ્યું ને નમતા બપોરે વિઠ્ઠલભાઈ ગુસ્સામાં ઑફિસે. તત્કાળ મને બોલાવવામાં આવ્યો. હું ફાઈલ લઈને ગાંધીસાહેબની કૅબિનમાં ગયો, પારાવાર ગભરાટમાં પાનાં ઉપર-નીચે કરવા માંડ્યો. મને થયું, આજે નોકરી ગઈ. મારા ચહેરાના હાવભાવ જોઈ વિઠ્ઠલભાઈ વાત સમજી ગયા. એમણે ગાંધીસાહેબ સામે જોયું- “ગાંધીભાઈ, તમે તમારું કામ કરતા રહો. હું કેતન સાથે કેન્ટીનમાં બેસીને વાત સમજું છું.”
કેન્ટીનમાં બેસતા વેંત મેં એમનું કાંડું ઝાલ્યુઃ “વિઠ્ઠલભાઈ, આવું કેમ થયું કંઈ સમજ નથી પડતી. બિલીવ મી, મારો ઈરાદો…”
મને બોલતો અટકાવીને એ કહેઃ “તું જરાય ચિંતા ના કરીશ.” એમણે ચા પીતાં પીતાં ત્યાં ને ત્યાં 3-4 પાનાં લખી આપતાં કહ્યું, “હવે પછીના પ્રકરણમાં આ પાનાં ઉમેરી દેજે. બસ. આ વાત અહીં પૂરી થાય છે.”
એ પછી હું ‘ચિત્રલેખા’માં જોડાયો. એક વિશેષાંક માટે સાંતાક્રુઝના એમના નિવાસસ્થાને ફરી મળવાનું થયું ત્યારે એ જૂના દિવસો વાગોળ્યા. ‘ચિત્રલેખા’ના લેખનો વિષ હતોઃ ‘મારું પહેલું ઘર.’ ઘર વિશે વાત કરતાં કરતાં વિઠ્ઠલભાઈએ એક અત્યંત રોમાંચક પ્રસંગ મને કહ્યો: એમના ફર્સ્ટ લવની સ્મૃતિ. વિઠ્ઠલભાઈના પુત્ર અને સન્મિત્ર સંજય પંડ્યાની અનુમતિ સાથે એ પ્રસંગ તમારી સાથે શૅર કરું છું-
1932માં માત્ર નવ-સાડાનવ વર્ષની વયે સાબરકાંઠા જિલ્લાના કાબોદરા ગામથી મુંબઈ આવેલા વિઠ્ઠલભાઈ શાળાશિક્ષણ બાદ કૉલેજમાં ભણતાં ભણતાં ફિલ્મ-ડિરેક્ટર રામચંદ્ર ઠાકૂરના ચીફ આસિસ્ટંટ ડિરેક્ટર બનેલા. એ દિવસોમાં રહેવાનું ઠેકાણું ન હોવાથી એ ફિલ્મ-યુનિટને ફૂડ સપ્લાય કરતા એક સજ્જનને સાથે રહેતા. સાંતાક્રુઝના એ નિવાસ દરમિયાન વિઠ્ઠલભાઈને એમનો પ્રથમ પ્રેમ મળ્યોઃ મકાનમાલિકની જુવાન દીકરી માલતી (નૉટ હર રિયલ નેમ).
ઍક્ચ્યુઅલી 19-20 વર્ષની એ મુગ્ધાને એના ઘરની નીચે રહેતા એક છોકરા સાથે અફૅર અને બાદમાં બ્રેકઅપ થયેલો. પેલો માથાભારે ભૂતપૂર્વ પ્રેમી વિઠ્ઠલભાઈની પ્રેમિકાને ધમકી આપતો હતો કે બીજા સાથે સંબંધ બાંધીશ તો તારાં મા-બાપને ખતમ કરી નાખીશ. વિઠ્ઠલભાઈ એને હિંમત આપતા.
એક રાત્રે વિઠ્ઠલભાઈ થાક્યાપાક્યા ઘરે આવ્યા ત્યારે પેલા ભૂતપૂર્વ પ્રેમીએ એમને બોલાવ્યાઃ “જરા આવોને વિઠ્ઠલભાઈ, તમને કંઈ બતાવવું છે.”
નાછૂટકે વિઠ્ઠલભાઈએ એના ઘરે જવું પડ્યું. પેલાએ એમને એક ફોટો-આલબમ દેખાડ્યું, “આ જુઓ, માલતીના મેં લીધેલા ફોટોગ્રાફ્સ.”
જુહુ દરિયાકિનારે લેવાયેલા એ ફોટોગ્રાફ્સ હતા. વિઠ્ઠલભાઈ ફોટો જોવામાં રહ્યા ત્યાં તો એણે અચાનક ક્યાંકથી રિવૉલ્વર કાઢી વિઠ્ઠલભાઈની છાતી પર મૂકી. વિઠ્ઠલભાઈના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.
ખંધું હસતાં પેલો કહેઃ “કેમ, ગભરાઈ ગયા? અત્યારે તો આ ખાલી છે. જરૂર પડ્યે આમાં કારતૂસ પણ ભરું છું.”
ગભરાટ-ઉચાટ-નિરાશાનું પોટલું લઈને વિઠ્ઠલભાઈ પોતાની ઓરડીમાં આવ્યા. તે સમયે વિઠ્ઠલભાઈ અને એમનું યુનિટ ગીતા બાલી, જવાહર કૌલ અને શેખ મુખ્તાર જેવા કલાકારોને લઈને ‘ઘાયલ’ ફિલ્મ બનાવતા હતા. શૂટિંગ પૂરું થતાં એમણે એકાદ મહિના માટે ગામ જવાનું નક્કી કર્યું. જતાં પહેલાં એ માલતીને મળ્યા. વિહવળ માલતીએ વિઠ્ઠલભાઈને કહ્યું, “આપણે ભાગીને લગ્ન કરી લઈએ.”
વિઠ્ઠલભાઈએ ના પાડી. એમનું કહેવું હતું- “આપણે રામુભાઈ (રામચંદ્ર ઠાકૂર)ને વચ્ચે રાખી તારાં માવતરને મનાવીને જ લગ્ન કરીશું. ભાગેડુ લગ્ન મારે નથી કરવાં.”
એકાદ મહિના બાદ એ ગામથી પાછા ફર્યા ત્યારે ઉત્સાહમાં હતા. ‘ઘાયલ’ સારું ચાલ્યું હતું, નવું પિક્ચર શરૂ થવામાં હતું. બસ, હવે તો રામુભાઈને વાત કરીને માલતીનાં માતા-પિતા આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકી દેવો છે.
આવી સોનેરી કલ્પનામાં રાચતા એ સીડી ચડી રહ્યા હતા ત્યાં કોઈએ એમને સમાચાર આપ્યા. “માલતી પેલા ભૂતપૂર્વ પ્રેમી સાથે ભાગી ગઈ.”
વિઠ્ઠલભાઈએ મારા ખભે હાથ મૂકતાં કહેલુઃ “ભાઈ કેતન, સાંભળીને હું દાદરા પર જ બેસી પડ્યો. સાલું… કોઈ ફિલ્મ જેવો જ પ્રસંગ. સિદ્ધાંતનું પૂછડું પકડવામાં મેં કેવી થાપ ખાધી હતી એનું મને હવે ભાન થયું. ખેર, પછી તો એ ઘર પણ મારે છોડવું પડ્યું અને સાંતાક્રુઝના વાકોલા વિસ્તારમાં એક બેઠી ચાલીમાં રૂમ મળી.”
1952ની એ સાલ હતી. એ જ અરસામાં વિઠ્ઠલભાઈનાં લગ્ન એમની જ જ્ઞાતિની એક દેખાવડી કન્યા સાથે થઈ ગયાં અને એમનો સંસાર શરૂ થયો. 24 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેનારા વિઠ્ઠલભાઈએ મનહર રસકપૂરના ચીફ આસિસ્ટંટ ડિરેક્ટર રહીને ‘કાદુ મકરાણી,’ ‘મેંદી રંગ લાગ્યો,’ ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી ફિલ્મો બનાવી.
-પણ એક દિવસ એ કંટાળી ગયાઃ “સાલ્લું, આખી જિંદગી મારે સહાયક દિગ્દર્શક તરીકે જ કામ કરવાનું?” એમણે ચિત્રનગરીને રામ રામ કરી દીધા. ડિરેક્ટર તરીકે તક મળે તો નિર્માતાને સંભળાવવા ત્રણેક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રાખેલી એને મઠારીને નવલકથાનું સ્વરૂપ આપ્યું. એ પ્રકાશિત થઈ…
…અને બાકી ઈતિહાસ.