દુનિયા માને બૂરા તો ગોલી મારો… અર્જુનનાં 37 વર્ષ!

“મૈં જિંદગી સે નહીં… અપને આપ સે નારાજ હૂઁ.”

પાણીદાર, તગતગતી આંખો અને ભાવવિહીન ચહેરા સાથે અર્જુન માલવણકર આ સંવાદ બોલે છે ત્યારે થિએટરમાં સન્નાટો વ્યાપી જાય છે, થિએટરમાં બેઠેલા દરેક યુવાનને લાગે છે કે આ તો મારી જ વાત છે. વળી એક સંવાદ આવે છેઃ “આપ સબ અપની દબી હુઈ, કુચલી હુઈ, ઝિલ્લત ભરી જિંદગી કા બોજ ઉઠા સકતે હૈ… મગર ઝુલ્મ કે ખિલાફ આવાઝ ઉઠાને કો તૈયાર નહીં?”

વેલ વેલ વેલ… સમાજ, પરિવાર અને રાજકારણીઓ દ્વારા બેકાર, હતાશ યુવાનોનાં શોષણનું નિરૂપણ કરતી ‘અર્જુન’ની રિલીઝને 10 મેએ 37 વર્ષ થયાં.

-અને મારું માંકડા જેવું મન હુપાહુપ કરતું પહોંચી જાય છે મુંબઈના પરા ઘાટકોપરના સિંગલ સ્ક્રીન ‘શ્રેયસ’ થિએટરમાં. એક એક સંવાદ પર સીટી અને તાળીના ગડગડાટ…

સની દેઓલની કારકિર્દીનો હિસાબકિતાબ માંડીએ તો ‘ઘાયલ,’ ‘ઘાતક,’ ‘ગદર,’ ‘દામિની,’ વગેરે જેવી જમા ખાતે લખી શકાય એવી ફિલ્મોમાંની એક એટલે રાહુલ રવૈલની ‘અર્જુન.’ 1970-1980ના દાયકાનું ભારત, ચારે બાજુ ખાયકી, લાઈસન્સરાજ, યુવાનો સામે તકનો અભાવ અને બેકારી શું શું પૈદા કરી શકે એનું બેહતરીન ચિત્રણ.

 

1980ના દાયકામાં મુંબઈમાં ગેંગવૉરે માઝા મૂકેલી. બિઝનેસનો વ્યાપ વધારવા ગેંગલીડરો બેરોજગાર યુવાનોની ભરતી કરતા. આવી એકમેકની રાઈવલ ગેંગને રાજકારણીઓનાં છત્ર મળતાં. આ વિશેનો એક લેખ જાવેદ અખ્તરે અખબારમાં વાંચ્યો ને એમણે રાહુલ રવૈલને કહ્યું કે “આ વિષય પર જોરદાર ફિલ્મ બને.” રાહુલભાઈએ હા પાડતાં ત્રણ જ કલાકમાં જાવેદ સાહબે પટકથા લખી કાઢી.

‘અર્જુન’ રિલીઝ થઈ એ અરસામાં જ ઐતિહાસિક કહેવાય એવી મુંબઈની મિલહડતાળ પૂરી થયેલી. આ હડતાળથી શહેરના મધ્યમવર્ગી, શ્રમિકવર્ગની કેવી હાલત થઈ એ ભાગ્યે જ કોઈ સિનેમાસર્જકે બતાવવાનો પ્રયાસ કર્યો  હતો. આમાં બાજી મારી ગયા રાહુલ રવૈલ.

10 મે, 1985માં રિલીઝ થયેલી ‘અર્જુન’માં શિક્ષિત, પણ બેકાર યુવાન અર્જુન માલવણકરની (સની દેઓલની) વાર્તા છે, જે ડગલે ને પગલે ગુનાખોરી, લાંચરુશવત, અન્યાય અને ગંદું રાજકારણ અનુભવી રહ્યો છે. સંજોગ સ્ફોટક બનતાં એ આ બધા સામે વિદ્રોહ કરે છે…

 ‘અર્જુન’ની સફળતાનાં ઘણાબધાં કારણમાં એક હતું એનું સંગીત. મને બરાબર યાદ છે, એ કાળ સાવ અજાણ્યાનાં ઘરે ટીવી જોવા સેલ્ફ-ઈન્વાઈટ કરવાનો એ દૌર હતો. પછી ટેસ્ટ મૅચ હોય કે ‘છાયાગીત કે ચિત્રહાર.’ એ ક્રમે, ‘અર્જુન’નાં ગીત (સંગીતઃ આરડી બર્મન) જોવા અમે આવા જ કોઈ અજાણ્યા યજમાનના ઘરે પલાંઠી વાળીને બેસી જતા. ખાસ તો બે ગીત. પહેલું, “મમ્મૈયા કેરો કેરો કેરો મામા… દુનિયા માને બૂરા તો ગોલી મારો, ડર કે જીના હૈ કોઈ જીના યારોં…” અને બીજું, “ધડકન પલ પલ બઢતી જાયે…”, જેમાં પ્રેમ ચોપરાને ડાન્સર લીના દાસ સિડ્યુસ કરી રહી છે. ગીતને ઈન્ટરકટ કરે છે પાઈપ વાટે પ્રેમ ચોપરાના ઘરે પહોંચી રહેલો સની દેઓલ. આ ગીત અમારા દિલની ધડકન વધારી મૂકતું. જ્યારે “મમ્મૈયા કેરો કેરો કેરો મામા…” અર્જુન અને એના દોસ્તદારો દ્વારા ગવાતું મોજીલું સોંગ છે, પણ એનું મુખડું અજીબ કુતૂહલ જગાવતુઃ “મમ્મૈયા કેરો કેરો કેરો મામા…” મીન્સ?

વર્ષો પછી આનો ભેદ ઉકેલાયો. હકીકતમાં આ એક લોકપ્રિય બ્રાઝિલિયન ગીત હતું, જેના શબ્દો હતાઃ “મામા યો ક્વૈરો” (મને મારી મા જોઈએ છે)… આરડી બર્મનને આ લાઈન ગમી ગઈ. એમણે ગીતકાર જાવેદ અખ્તરને મુખડું આપી આખું ગીત લખાવડાવ્યું.

-અને સાથે જ સોમાંથી સો માર્ક્સ આપવા પડે, પ્રેક્ષકનાં રૂવાડાં ખડાં કરી દે એવા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને. ખાસ તો એનું થિમ મ્યુઝિક. માનવામાં ન આવે તો જોઈ લો યુટ્યુબ પર.

સની દેઓલ-ડિમ્પલ કાપડિયા-પ્રેમ ચોપરા-અનુપમ ખેર-ઓમ પુરી જેવા કલાકારોને ચમકાવતી ‘અર્જુન’થી પરેશ રાવલનો બોલિવૂડમાં પ્રવેશ થયો.

 ‘અર્જુન’ રિલીઝ થઈ એ પછીના વર્ષે એટલે કે 1986માં એન. ચંદ્રાની ‘અંકુશ’ આવી, જેમાં નાના પાટેકર-મદન જૈન-રાજા બુંદેલા જેવા ચાર બેકાર યુવાનોની, એમના ફ્રસ્ટ્રેશનની વાત હતી. સંયોગથી ચારમાંથી એક (નાના પાટેકર નહીં) યુવાનના પાત્રનું નામ અર્જુન હતું અને અદભુત ઍક્ટર રાજા બુંદેલા બન્ને ફિલ્મમાં બેકાર યુવાન હતો. ‘અંકુશ’નું કુલદીપસિંહે સ્વરાંકિત કરેલું “ઈતની શક્તિ હમેં દેના દાતા” ગીત આજેય ગણગણવું ગમે છે.

બસ, તો, ‘અર્જુન’ને લગતી તમારી કોઈ મેમરી, નિરીક્ષણ હોય તો શૅર કરજો.