અરવલ્લીની તળેટીથી મનોરંજનના મેરુની ટોચે

મનોરંજનના કાશી જેવા મુંબઈના પરા અંધેરીમાં દિગ્દર્શક અનીસ બઝમીની વિશાળ ઑફિસમાં તમે પ્રવેશો તો ચલચિત્રજગતની અત્યંત સફળ વ્યક્તિઓથી લઈને સ્ટ્રગલરની ભીડ ઊમટેલી જોવા મળે. વન્સ અપોન અ ટાઈમ હું એમને મળવા ગયેલો ત્યારે એમની સામે તશરીફ રાખેલી સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ના વાર્તાકાર, તથા અનેક સુપરહીટ ફિલ્મોના ડિરેક્ટર રાજમૌલીના પિતા વી. વિજયેન્દ્રપ્રસાદે. એ ઈચ્છતા હતા કે એમની વાર્તા પરથી અનીસભાઈ એક ફિલ્મ બનાવે…

2007માં પ્રિયદર્શને સર્જેલી ભુલભુલૈયાની અનીસભાઈએ બનાવેલી સિક્વલ આજે, 20મેએ રિલીઝ થઈ છે. ફિલ્મના વહેલા પ્રોત્સાહક બૉક્સ ઑફિસ રિઝલ્ટથી ખુશખુશાલ અનીસભાઈ કહે છે ‘હું ફિલ્મો બનાવું છું આમ જનતા માટે. મૂઠીભર ફિલ્મસમીક્ષકોને ગમે એવી ફિલ્મ બનાવવા જાઉં તો પરસેવાની કમાણીમાંથી ટિકિટ ખરીદી મનોરંજન મેળવવા જતા લાખ્ખો સિનેમાપ્રેમીઓને અન્યાય કરી બેસું.’

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં વસેલા મોડાસા ગામમાં જન્મેલા અનીસભાઈના પિતા અબ્દુલ હમીદ થરાડ મોડાસાની બજારમાં રંગબેરંગી બંગડી વેચતા, સાથે બઝમી તખલ્લુસ રાખીને શેરશાયરી પણ કરતા… એટલે, અનીસભાઈના નામ સાથે વણાઈ ગયું પિતાનું તખલ્લુસ બઝમી.

1980ના દાયકામાં અબાબજાન સાથે મુંબઈ આવેલા 13 વર્ષના અનીસભાઈએ ગુલઝાર સાહેબની ‘કિતાબ’ તથા મનમોહન દેસાઈની ‘નસીબ’ જેવી ફિલ્મમાં ભૂમિકા ભજવી, પણ બહુ જલદી સમજી ગયા કે ઍક્ટિંગમાં આપણું કામ નહીં એટલે એ એડિટિંગ શીખી હિંદી સિનેમાના સાચ્ચા શોમૅન રાજ કપૂરના આસિસ્ટન્ટ બન્યા. રાજ સાહેબ એ વખતે ‘પ્રેમરોગ’ બનાવી રહ્યા હતા. ‘પ્રેમરોગ’ તો સુપરહિટ પણ થઈ. આ તરફ અનીસભાઈ લેખન તરફ વળ્યા. 1990ના દાયકામાં એમણે ડેવિડ ધવનની ‘સ્વર્ગ’થી લઈને ‘બોલ રાધા બોલ,’ ‘દીવાના મસ્તાના,’ ‘મુઝસે શાદી કરોગી,’ ‘થેન્ક યૂ’ વગેરે જેવી પચાસથી વધુ ફિલ્મમાં રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો. 1995માં એમણે ડિરેક્શનમાં ધમાકેદાર એન્ટ્રી મારી ને ‘હલચલ’ (અજય દેવગન-કાજોલ)થી લઈને ‘પ્યાર તો હોના હી થા,’ ‘દીવાનગી,’ ‘નો એન્ટ્રી,’ ‘સેન્ડવિચ,’ ‘વેલકમ,’ ‘સિંઘ ઈઝ કિંગ,’ ‘રેડી’ ‘વેલકમ,’ ‘મુબારકાં’ જેવી અઢળક ફિલ્મો બનાવી.

અનીસભાઈ પર એક ફિલ્મનો જબરદસ્ત પ્રભાવ છે. એ ફિલ્મ એટલે ‘મુગલ-એ-આઝમ.’ કમસે કમ સો-દોઢસો વાર જોઈ હશે એમણે.

-અચ્છા અનીસભાઈ, ક્યાંથી મળે છે ઉદય શેટ્ટી, મજનૂ કે ડૉ. ઘૂંઘરુ જેવાં પાત્રો?

સવાલનો જવાબ આપતાં એ કહે છેઃ ‘હું મોડાસાથી મુંબઈ આવીને સૅટલ થયો ત્યાં સુધીમાં મેં સાઉથ મુંબઈના મોહમ્મદ અલી રોડથી લઈને ભિંડી બાઝાર, મલાડ નજીક આવેલા માલવણી, લોખંડવાલા જેવા વિસ્તારોમાં 30થી વધુ ઘર બદલ્યાં. આ બધા વિસ્તારોમાં ચોર-ઉઠાઉગીર-ટપોરીથી લઈને સીધાસાદા, એક્ઝિક્યુટિવ્સ, વગેરે રહેતા. લેખક તરીકે આ બધાને હું ઑબ્ઝર્વ કર્યા કરતો, એમની બોલચાલ, રીતભાત મગજની બૅન્કમાં જમા કરી દેતો. બસ, આ બધાં છે મારી ફિલ્મોનાં પાત્રો.’

ઓક્કે, અને, ‘ભુલભુલૈયા-ટુ’ બાદ શું?

મારી નેક્સ્ટ ફિલ્મ હશે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી.’ ઘણા વખતથી અમે એની સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા, હવે ચુસ્ત કથા-પટકથા લખાઈ ગઈ છે. સલમાન ભાઈને સ્ક્રિપ્ટ ઘણી ગમી છે, નિર્માતા બોની કપૂરને પણ ગમી છે. ટૂંક સમયમાં એનું કામ શરૂ કરી દઈશું. પચાસથી વધુ ફિલ્મ લખ્યા બાદ હવે મારું એક જ લક્ષ્ય છેઃ સારું, કામ કરવું, ફિલ્મપ્રેમીને એન્ટરટેઈન કરવા.’