મને મારા સસરા અને ગુજરાત હાઇકોર્ટના જાણીતા લોયર કૃષ્ણકાંત વખારિયા વિશે, એમના અવસાન પછીના એમના પહેલા જન્મદિવસે, એમના વિશે લખવાનું ખૂબ જ અઘરું કામ સોંપવામાં આવ્યું છે. હું એમની પુત્રવધૂ છું એટલે મારા માટે આ કામ થોડુંક વિશેષ અઘરું બની જાય છે. એમના પુત્ર અને મારા પતિ મેહુલને પરણીને આ પરિવાર સાથે રહેવાનું મેં શરૂ કર્યું હતું તે પછી મેં જાણ્યું કે પપ્પા એટલે કે ગુજરાતના બહુ જ જાણીતા એવા લોયર કૃષ્ણકાંત વખારિયા ફક્ત એક લોયર જ નહોતા, એ એક ઉમદા વ્યક્તિત્વના માલિક હતા. એ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી ય હતા અને વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પર લાવનાર સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના સ્થાપક-પ્રમુખ પણ હતા. આ બધા ઉપરાંત સૌથી મહત્વનું તો એ છે કે એ એક નિતાંત પ્રામાણિક અને સિધ્ધાંતવાદી વ્યક્તિ હતા.
એમના વિશે મારી પહેલી સ્મૃતિ એ વખતની છે જ્યારે હું એમની ચેમ્બરમાં કામ કરતી હતી. એ વખતે હું સૌથી જુનિયર કક્ષાની લોયર હતી અને થોડા સમય પહેલાં જ લૉ સ્કૂલમાંથી ભણીને બહાર નીકળી હતી. મને કાનૂની બાબતોમાં અંતિમ સુનાવણી વખતે હાજર રહેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મને યાદ છે કે એક જૂનો કેસ હતો. તેથી બોર્ડ પર જ્યારે ચર્ચા કરાઈ ત્યારે મને એ વિશે દલીલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કેસમાં મેં દલીલબાજી કરી ત્યારે ક્લાયન્ટ્સ કોર્ટમાં હાજર હતા. ઓફિસે પાછા ફર્યાં બાદ કૃષ્ણકાંત વખારિયાએ ક્લાયન્ટ્સને પૂછ્યું કે, મારી કામગીરી કેવી રહી? ત્યારે ક્લાયન્ટે જવાબ આપ્યો કે, હું એમનો વારસો આગળ ધપાવવા સક્ષમ છું..
પરંતુ ત્યારે મને એક વાત સમજાઈ ગઈ કે લોયર તરીકે દલીલબાજી કરવાની મારી ક્ષમતા બહુ પ્રભાવશાળી નહોતી. વાસ્તવમાં એ કેસ અંગેનો ડ્રાફ્ટ જ એવી સચોટ, સ્પષ્ટ રીતે અને સંક્ષિપ્તમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને એમાં કાનૂની મુદ્દા એટલા સરસ રીતે રજૂ કરાયા હતા કે કોઈ પણ લૉયર દલીલબાજીમાં ચમકી ઉઠે. આ એમની એક લોયર તરીકેની ક્ષમતા જ હતી, જેનો મને એ દિવસે પાક્કો પરિચય થયો.
હવે જો હું કૃષ્ણકાંત વખારિયા વિશે એક દાનવીર કે મદદગાર તરીકેના એમના વ્યક્તિત્વની વાત કરું તો એમને પૂરતો ન્યાય આપી શકે એવા શબ્દો જ મળે એમ નથી. અમારાં નિવાસસ્થાનનું નામ એમણે યોગ્ય રીતે જ ‘પરિશ્રમ’ રાખ્યું હતું, કારણ કે તેનું નિર્માણ ખૂબ જ પરિશ્રમથી કરવામાં આવ્યું હતું. એ ઘરમાં હું વર્ષો સુધી રહી છું. ‘પરિશ્રમ’માં આવનાર કોઈ પણ ક્લાયન્ટ, મિત્ર કે પરિવારનાં સભ્યો ક્યારેય ચા-નાશ્તો કર્યા વિના ગયા હોય એવું મને કે ઘરના કોઇપણ સભ્યને યાદ નથી. પછી ભલેને કોઈ ક્લાયન્ટ રાજ્યના જુદા જુદા ભાગોમાંથી વહેલી સવારે આવ્યા હોય કે મોડી બપોરે! ઘરમાં દરેક જણ આરામ કરતું હોય કે પછી રસોડું સંપૂર્ણપણે બંધ હોય તો પણ આવનાર કોઇપણ વ્યક્તિ ખાલીહાથે પાછું ન જ જાય. અનેક ગરીબ ક્લાયન્ટને એમણે ફી લીધા વિના મદદ કરી હશે. અનેક જરૂરિયાતમંદોને એમણે ખાનગીમાં મદદ કરી હશે. ગાડીના ડ્રાઇવરને રસ્તામાં ક્યાંય તકલીફ પડી હોય, ટ્રાફિક પોલીસે અટકાવ્યા હોય તો પપ્પાને મેં એમની મદદ માટે ખુદને દોડી જતા જોયા છે. પરિવારજનો કે સ્ટાફના સભ્યો કે એમના કોઈ અન્ય ઓળખીતાના કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમો હોય ત્યારે સૌને પોતાનાથી બનતી કોઈ પણ પ્રકારની મદદ કરવામાં એમને કાયમ આનંદ આવતો. એ માટે અમારું ઘર 24/7 ખુલ્લું રહેતું.
એવા તો ઘણા પ્રસંગો છે જેનું હું વર્ણન કરી શકું, પરંતુ મારે એક સૌથી મહત્વનો ઉલ્લેખ કરવો છે એ એમના કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા તરીકેની કારકિર્દીનો છે. વર્ષો સુધી એમણે કોઇ પદ કે અન્ય અપેક્ષા વિના કોંગ્રેસના એક કાર્યકર તરીકે પક્ષની અને લોકોની સેવા કરી છે. એ ખૂબ મોટા દિલના અને ઉદાર સ્વભાવના હતા અને સિદ્ધાંતોમાં માનનારા હતા. રાજકારણમાં રહીને પણ એમણે પોતાના સિધ્ધાંતો સાથે ક્યારેય કોઇ સમાધાન કર્યું નહોતું. એ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે એમના પ્રચાર માટે હું એમની સાથે એમના વતન બગસરામાં (અમરેલી જિલ્લો) એક મહિનાથી પણ વધારે સમય સુધી રહી હતી. દરરોજ પાર્ટીના કાર્યકર્તાઓ આવતા અને એમને કામ કરવા બાબતે અમુક પ્રકારના સલાહ-સૂચન કરતા, પરંતુ તેઓ ક્યારેય એમના સિદ્ધાંતોથી હટ્યા નહોતા, પછી ભલેને એ માટે એમણે ચૂંટણી ગુમાવવી પણ પડી હોય!
આજે એમના જન્મદિવસ નિમિત્તે, હું પરોપકારી, ધીરજવાન અને પ્રામાણિક એવા એડવોકેટ, રાજકીય અને સામાજિક અગ્રણી એવા કૃષ્ણકાંત વખારિયાને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એક એવી વ્યક્તિ, જે કોઈ પણ પ્રયાસમાં સકારાત્મક દ્રષ્ટિકોણ, જુસ્સા અને કરુણા સાથે પોતાની માન્યતાને વળગી રહી હતી. એમને સલામ!
(ડો. જૂલી દેસાઈ)
(લેખિકા અમદાવાદસ્થિત લોયર અને માનવ અધિકારોના કાર્યકર્તા છે.)