સાળંગપુરઃ ભીંતચિત્રોની ભીતરમાં…

ગયા એપ્રિલમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ નામે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ વખતે આ મૂર્તિ અને સાળંગપુર મિડીયામાં છવાયેલું હતું. બરાબર ચાર મહિના પછી એ જ મૂર્તિ અને એ જ સાળંગપુર ફરીથી ચર્ચામાં છે. મૂર્તિની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક દર્શાવાયા એ મુદ્દે સનાતનીઓમાં ફાટી નીકળેલા આક્રોશની આગ છેક સત્તાની પરસાળ સુધી પહોંચી ચૂકી છે.

અલબત્ત, આ આગ ભરખી ખાય એ પહેલાં એને ઠારવા માટેના પ્રયત્નો પાછલા દરવાજેથી શરૂ થઇ ચૂક્યા છે. સનાતની સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મિટીંગો પણ યોજાઇ રહી છે. સંભવતઃ એક-બે દિવસમાં આ મુદ્દે કોઇ સમાધાનકારી રસ્તો નીકળી આવે અને ઘી આગના બદલે ઘી ના જ ઠામમાં પડી રહે એવી શક્યતા છે, પરંતુ અત્યારે સાળંગપુરને લઇને બન્ને તરફના ધાર્મિક આગેવાનો-અનુયાયીઓમાં જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે એમાંથી કેટલાક મુદ્દાઓ સમજવા જરૂરી બને છે. એક પછી એક એ મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીએઃ

એકઃ સનાતનીઓનો આક્રોશ

એટલું યાદ રહે છે મોરારિબાપુથી લઇને જેટલા સંતો-ધાર્મિક આગેવાનોએ આ ભીંતચિત્રોને લઇને આક્રોશ ઠાલવ્યો છે એમાં ક્યાંય સ્વામિનારાયણ સંપ્રદાયનો કે સહજાનંદ સ્વામીનો વિરોધ નથી. નથી એક સંપ્રદાય તરીકે એમની અવગણના. વાત એટલી જ સીધીસાદી છે કે, હનુમાનજી આદિકાળથી કરોડો હિન્દુઓની શ્રધ્ધાનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો-પુરાણો ઉથલાવીને જોઇ લો. એ સેવક ફક્ત ભગવાન શ્રી રામના જ છે. આદિકાળના આ તમામ ઇશ્વરીય સ્વરૂપો, ફક્ત અઢીસો વર્ષ જૂના સંપ્રદાયના આસ્થા-કેન્દ્રના સેવક કઇ રીતે હોઇ શકે?

વળી, હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો-શાસ્ત્રોમાં કોટી કોટી દેવતાઓનો ઉલ્લેખ છે. અનેક પંથો અને અનેક ગ્રંથો છે, પણ કોઇ જગ્યાએ એકપણ દેવી-દેવતાને એકબીજાથી નીચા કે સેવક દેખાડવાનો ક્યાંય પ્રયત્ન થયો હોય એવું ધ્યાનમાં નથી. તો પછી, એના પ્રમાણમાં સાવ આધુનિક કહી શકાય એવા સંપ્રદાયમાં આવું કેમ? સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ન હોય એવા અનેક હિન્દુઓ ફક્ત સાળંગપુર જ નહીં, સંપ્રદાયના અન્ય મંદિરોમાં પણ દર્શને જાય જ છે અને એમાં કોઇ સનાતનીને ક્યારેય વાંધો નથી, પણ ભીંતચિત્રોનું આ ચિત્રણ એમની આસ્થા પર કુઠારાઘાત છે. આક્રોશના મૂળ એમાં છે.

 

બેઃ સ્વામિનારાયણના સંતોની સમાજસેવા

સોશિયલ મિડીયામાં એક અઠવાડિયાથી બન્ને પક્ષે જે સામસામે દલીલો ચાલે છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકોની એક દલીલ સંપ્રદાય અને સંતો દ્વારા કરાતા સમાજસેવાના કાર્યો અને મંદિરો દ્વારા દેશ-વિદેશમાં થઇ રહેલા હિન્દુ ધર્મ-સનાતની પરંપરાના પ્રસાર-પ્રચારની છે. નો ડાઉટ, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મોરચે થયેલા કામોનો કોઇ ઇન્કાર કરી શકે નહીં. (ઇન ફેક્ટ, ભીંતચિત્રોનો વિરોધ કરનારા પણ આ મુદ્દે વિરોધ કરતા જ નથી!) હિન્દુ ધર્મના શિવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતિ, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો ય સંપ્રદાયના મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે વાત ય કબૂલ, પરંતુ આ સેવાકાર્યોથી કે આ ઉજવણી કરવાથી અન્યની આસ્થા પર આઘાત કરવાનો એમને અધિકાર મળતો નથી. સંપ્રદાયના જ અમુક સંતોના નિવેદનો અને એમાં છૂપાયેલો હુંકાર આ દલીલને વધારે નબળી પાડે છે. આ હુંકારની પાછળ આર્થિક અને રાજકીય પાવરનું પીઠબળ હોય તો પણ સનાતનીઓથી ડરવાની જરૂર નથી, કોર્ટમાં જવાબ આપીશું…  મતલબના નિવેદનો ભગવી પંરપરાને શોભતા નથી.

એ પણ નોંધી લો કે, સંપ્રદાયમાં સાચા અર્થમાં વિચારશીલ, વિદ્વાન અને સમજુ કહી શકાય એવા સંતો કોઇપણ નિવેદન આપવાથી દૂર રહ્યા છે. એમનું મૌન કદાચ ઘણું કહી જાય છે.

ત્રણઃ મોરારિબાપુની વ્યથા

આ પહેલીવાર નથી બન્યું કે, મોરારિબાપુએ પોતાની વ્યથા ખુલ્લેઆમ વ્યક્ત કરવી પડી હોય. અગાઉ પણ આવો વિવાદ થયો હતો. ખુદ બાપુએ ભીંતચિત્રોના મામલે મોં ખોલ્યું ત્યારે પણ નિરાશસ્વરે કહ્યું કે, હું અગાઉ બોલ્યો ત્યારે મારી પડખે કોઇ ઊભું ન રહ્યું…

અલબત્ત, આ વખતે એમના સમર્થનમાં ભાગવત કથાકાર ભાઇશ્રી અને અખિલ ભારતીય સંત સમિતી સહિતા અનેક સનાતની સંતો-ધાર્મિક અગ્રણીઓ ખુલીને બહાર આવ્યા છે, પણ એમાના મોટાભાગના કાં તો ધર્મસ્થાનકોના વડા છે, કાં તો ભક્તો-અનુયાયીઓ છે. બૌધ્ધિક વર્ગ હજુ આ મામલે મૌન છે. કાં તો એ અવઢવમાં છે, કાં તો એ તટસ્થતાના નામે દૂધ-દહીં બન્નેમાં પગ રાખવા ઇચ્છે છે.

ચારઃ રાજકીય આગેવાનોના મોઢે અલીગઢી તાળાં

વારે-તહેવારે નાના મોટા ધાર્મિક ઉત્સવોમાં ય હરખપદૂડા થઇને સ્ટેજ શોભાવવા દોડી જતા રાજકીય આગેવાનોના મોં આ મુદ્દે સંપૂર્ણ સિવાયેલા છે. સત્તાધારી પક્ષ ભાજપ માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, કેમ કે બન્ને પક્ષે એની મોટી વોટબેંક છે. એકપણ પક્ષની ખુલ્લી તરફેણ (કે વિરોધ) પાલવે એમ નથી. સંભવ છે કે વાતને સીધી રીતે રાજકીય સ્વરૂપ ન મળે એટલે હિન્દુ એકતાના નામે સંઘના રામ માધવને મેદાનમાં ઉતારાયા હોય!  સામે પક્ષે કોંગ્રેસ માટે કાંઇ બોલવા કરતાં મૌન રહેવું રાજકીય રીતે વધારે અનુકૂળ છે. બેમાંથી એકાદ પક્ષે ય ભાજપ માટે નારાજગી વધે તો એનો ફાયદો કોંગ્રેસને જ મળી શકે છે.

પણ સવાલ એ છે કે, સમાજમાં રાજસત્તાથી ય ઉપરનો દરજ્જો ભોગવતી આવેલી ધર્મસત્તાને વિવાદના ઉકેલ માટે રાજસત્તાની મદદની જરૂર કેમ પડે? આપણા ધાર્મિક વડાઓ-સંતો એટલા સમજુ નથી કે વિવાદનો અંત સમજણથી લાવી શકે?

પાંચઃ ભીંતચિત્રો હટાવી લેવાય પછી શું?

સનાતની સંતો અને સ્વામિનારાયણના સંતો વચ્ચે વારાફરતી બેઠકો યોજાઇ રહી છે. બેઠકોના અંતે ટૂંક સમયમાં ઉકેલ લાવવાનું આશ્વાસન ય અપાઇ રહ્યું છે અને પ્રાથમિક અહેવાલો પ્રમાણે, વિવાદનું કેન્દ્ર એવા આ ભીંતચિત્રો હટાવીને સમાધાન થઇ શકે છે. સોમવાર, 4 સપ્ટેમ્બરની બપોરે આ લખાઇ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર પણ આ મુદ્દે પ્રત્યક્ષ-પરોક્ષ મંત્રણા દ્વારા ઉકેલ શોધવા સક્રિય થઇ હોવાના અહેવાલો મળે છે.

પરંતુ આક્રોશનું કારણ ફક્ત આ ભીંતચિત્રો જ છે? આ મુદ્દો ચર્ચામાં આવ્યા પછી ફક્ત સાળંગપુર જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં પણ કાં તો મૂર્તિઓમાં કે અન્ય રીતે હિન્દુ દેવી-દેવતાઓ ભગવાન સ્વામિનારાયણના સેવક હોય એવું દર્શાવાયું હોવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. સંપ્રદાયના સાહિત્યમાં બાળ સહજાનંદે બ્રહ્માનો ગર્વ ઉતાર્યો, એમની જળક્રિડાના દર્શન બ્રહ્મા-વિષ્ણુ-મહેશ કરતા અને એમની સ્તુતિ કરતા, ભગવાન બ્રહ્મા ખુદ પ્રસાદી લેવા કાગડો બનીને આવતા એવા ઉલ્લેખો-પ્રસંગોનું વર્ણન હોવાનું બહાર આવ્યું છે. ભૂતકાળમાં અમુક સ્વામીઓના આ મતલબના પ્રવચનોની ક્લિપ્સ પણ ફરીથી વાઇરલ થઇ રહી છે.

આઇરની એ છે કે, સનાતની પરંપરાના શ્રધ્ધાળુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની ધાર્મિક શ્રધ્ધાના કેન્દ્રો અલગ-અલગ હોવા છતાં એમની શ્રધ્ધાનું વિશ્વ તો એક જ છેઃ ઇશ્વરીય તત્વ. માનો કે સમાધાન થાય અને આ ભીંતચિત્રો હટાવી ય લેવાય, પણ આસ્થાળુઓની ભીતરમાં કોતરાયેલા આ ચિત્રણોને કઇ રીતે હટાવાશે? ભીંત પડે ત્યારે ઘણા પોપડાં ઉખડે છે…

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)