જાણો.. વહીદા રહેમાનની ફિલ્મી સફર અને અંગત જીવન વિશે

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. હાલમાં આ એવોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ત્યારે જાણીએ એમની ફિલ્મી સફર અને અંગત જીવન વિશે..

1950થી 1970 સુધીનો સમયગાળો હિન્દી સિનેમાનો સુવર્ણકાળ ગણાય છે. આ સમયગાળા દરમિયાન, જ્યારે સિનેમામાં ઘણા પ્રયોગો થયા હતા, ત્યારે આ વખતે ઘણા શ્રેષ્ઠ કલાકારોની દમદાર અભિનય પણ જોવા મળ્યો હતો. જેમાંની એક અભિનેત્રી છે વહીદા રહેમાન.

અભિનયના જાદુથી સિનેમાના દર્શકોને મોહિત કર્યા

ફિલ્મ જગત પર વહીદા રહેમાને લાંબા સમય રાજ કર્યુ. એમણે નિર્દોષતા, સુંદરતા અને ઉત્તમ અભિનયના જાદુથી હિન્દી સિનેમાના દર્શકોને મોહિત કર્યા. વહીદા રહેમાનના અભિનયને કારણે જ એ સમયના મોટાભાગના કલાકારો એમની સાથે કામ કરવા માંગતા હતા. વર્ષ 1955માં તેલુગુ સિનેમા ‘જયસિમ્હા’થી શરૂ થયેલી વહીદા રહેમાનની ફિલ્મી સફર ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’માં સુધી અવરિત છે.

વહીદા રહેમાનનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ તમિલનાડુ રાજ્યના ચેંગલપટ્ટુમાં એક સુશિક્ષિત તમિલ-મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જિલ્લા મેજિસ્ટ્રેટ જેવી ઉચ્ચ પોસ્ટ પર તૈનાત હતા. પરંતુ વહીદાના પિતાનું મૃત્યુ તેમના જન્મના 9 વર્ષ પછી એટલે કે વર્ષ 1948માં થયું હતું. પિતાના મૃત્યુના સાત વર્ષ બાદ તેમની માતાનું પણ અવસાન થયું હતું. તેમના પિતાના મૃત્યુના એક વર્ષ પછી, વહીદાએ તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’માં બાળ કલાકારની ભૂમિકા સાથે સિનેમા જગતમાં પ્રવેશ કર્યો. આ સમય સુધીમાં એ ભરત નાટ્યમની ઉત્તમ નૃત્યાંગના બની ગયા હતા. હવે એમણે ભારતીય સિનેમાના મુખ્ય પ્રવાહમાં પ્રવેશવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન, એ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુ દત્તના સંપર્કમાં આવ્યા અને સિનેમાના સિલ્વર સ્ક્રીન પર છવાઈ ગયા.

વહીદા રહેમાનની અભિનય યાત્રા

વર્ષ 1956માં, ગુરુ દત્તે દેવ આનંદની સામે ‘સીઆઈડી’માં વહીદા રહેમાનને વિલનની ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા અને આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ પછી વર્ષ 1957માં ગુરુ દત્ત અને વહીદા રહેમાનની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’ રીલિઝ થઈ હતી. ગુરુ દત્ત અને વહીદા વચ્ચેના પ્રેમ સંબંધને કારણે આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે 1959માં રિલીઝ થયેલી ગુરુ દત્તની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ તેમની નિષ્ફળ પ્રેમ કહાની પર આધારિત હતી. જો કે, પછીના વર્ષોમાં પણ વહીદા રહેમાને ગુરુ દત્ત સાથે બીજી બે ફિલ્મો કરી. તેમાં 1960ની ‘ચૌધવીન કા ચાંદ’ અને 1962ની ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ મુખ્ય હતી. આ સિવાય વહીદા પાસે ગુરુ દત્ત સાથે બે અન્ય ક્લાસિક ફિલ્મો પણ છે, ’12 ઓ’ ક્લોક’ (1958) અને ‘ફુલ મૂન’ (1961).

દેવ આનંદ સાથે વહીદા રહેમાનની જોડી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ બંનેએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પાંચ સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મો છે C.I.D., સોલવાસાલ, કાલા બજાર, બાત એક રાત કી અને ગાઈડ કરી હતી. આ સિવાય બંનેએ વધુ બે ફિલ્મો ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પ્રેમ પૂજારી’ કરી હતી, પરંતુ કમનસીબે, સમીક્ષકોની પ્રશંસા છતાં, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.

1962માં ગુરુ દત્તની ટીમથી અલગ થયા બાદ વહીદા રહેમાને નિર્માતા-નિર્દેશક સત્યજીત રેની ફિલ્મ ‘અભિજાન’માં કામ કર્યું હતું. તે જ વર્ષે એમની બીજી સુપરહિટ ફિલ્મ ‘બીસ સાલ બાદ’ રિલીઝ થઈ. ત્યારબાદ વર્ષ 1964માં આવેલી ‘કોહરા’એ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. વહીદા રહેમાનની કારકિર્દી માટે 1960નું દશક ખૂબ જ સફળ રહ્યું. આ સમયગાળા દરમિયાન, એમણે હિટ ફિલ્મો આપવામાં એમની સમકાલીન અભિનેત્રીઓમાં મોખરે હતા. આ ઉપરાંત અન્ય હિટ ફિલ્મોમાં વર્ષ 1967માં રિલીઝ થયેલી ‘રામ ઔર શ્યામ’ અને ‘પત્થર કે સનમ’, પ્રખ્યાત અભિનેતા સુનીલ દત્ત અભિનીત એક ફૂલ ચાર કાંટે, મુઝે જીને દો, મેરી ભાભી અને દર્પણનો સમાવેશ થાય છે.

એવું નથી કે વહીદાની ફિલ્મોએ આ સમયગાળામાં નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો ન હતો. ફિલ્મ વિવેચકોની મજબૂત સ્ટોરી અને વખાણ હોવા છતાં, 1966માં ‘તીસરી કસમ’ અને 1971માં ‘રેશ્મા ઔર શેરા’ની બોક્સ-ઓફિસ નિષ્ફળતા દરેકની સમજની બહાર હતી. એટલું જ નહીં, 1974માં તત્કાલિન સુપરસ્ટાર અભિનેતા રાજેશ ખન્ના સાથે વહીદાની ફિલ્મ ‘ખામોશી’ આવી, જે બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી. વર્ષ 1959 થી 1964 દરમિયાન, વહીદા રહેમાન સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં ત્રીજા સ્થાને હતી અને વર્ષ 1966 થી 1969 દરમિયાન, તે સમકાલીન અભિનેત્રીઓ નંદા અને નૂતન સાથે આ યાદીમાં બીજા સ્થાને હતી. અભિનેત્રી નંદા વહીદાની સૌથી નજીકની મિત્રોમાંની એક હતી. આ બંનેએ 1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલા બજાર’માં કો-સ્ટારની ભૂમિકા ભજવી હતી.

1974 માં લગ્ન કર્યા પછી, વહીદા રહેમાને ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી દીધું. 1976 થી 1994 ની વચ્ચે, એમણે લગભગ 24 ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી. જેમાં મુખ્ય ફિલ્મો હતી – અદાલત, કભી કભી, ત્રિશુલ, નમક હલાલ, હિમ્મતવાલા, કુલી, મશાલ, અલ્લાહ રખા, ચાંદની અને લમ્હેં. ત્યારબાદ વર્ષ 2000માં એમના પતિના અવસાન બાદ એ ફરી એકવાર અભિનયની દુનિયામાં પરત ફર્યા. ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’ જેવી સફળ ફિલ્મો સહિત 9 ફિલ્મોમાં પાત્ર અભિનેત્રીની ભૂમિકા ભજવી છે.

વહીદા રહેમાનનું અંગત જીવન

અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુ દત્ત સાથેના નિષ્ફળ પ્રેમ સંબંધ પછી અને એમની ટીમ છોડીને, વહીદા રહેમાને વર્ષ 1964માં ‘શગુન’ નામની ફિલ્મ કરી. આ ફિલ્મમાં એમનો કો-સ્ટાર કમલજીત સિંહ હતો. આ ફિલ્મ ચાલી નહીં પણ એમના દિલ મળ્યા. ત્યારબાદ વર્ષ 1974માં બંનેએ લગ્ન કરી લીધા અને મુંબઈ છોડીને બેંગ્લોર પાસે એક ફાર્મ હાઉસ બનાવી લીધું. કમલજીત સિંહનું સાચું નામ શશી રેઠી હતું. 1960ના દાયકામાં તેઓ ફિલ્મોમાં સફળતા મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ એ નિષ્ફળ ગયો અને આખરે બિઝનેશની દુનિયામાં એ પરત ફર્યા. બેંગ્લોરમાં ફાર્મ હાઉસમાં રહેતાં એમની પુત્રી કાશવી રેખી અને પુત્ર સોહેલ રેઠીનો જન્મ થયો હતો. વર્ષ 2000 દરમિયાન, કમલજીતની માંદગીને કારણે, વહીદા રહેમાન એમના પરિવાર સાથે મુંબઈ પરત ફર્યા અને ફરીથી મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્થિત ‘સાહિલ’માં પોતાનું ઘર બનાવ્યું. અહીં 21 નવેમ્બર 2000ના રોજ કમલજીતનું અવસાન થયું હતું. વહીદા રહેમાનનો દીકરો સોહેલ રેખી એમબીએ કર્યા પછી બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે, જ્યારે એમની પુત્રી કાશવી રેખી જ્વેલરી ડિઝાઈનર છે. કાશવીએ વર્ષ 2005માં બનેલી ફિલ્મ ‘મંગલ પાંડે’માં ‘સ્ક્રીપ્ટ સુપરવાઈઝર’ના રોલથી ફિલ્મી દુનિયામાં આવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ ફિલ્મ પછી એ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી.

એવોર્ડ અને સન્માન

  • એવોર્ડ્સ અને ઓનર્સ                                ફિલ્મ                       વર્ષ
  • ફિલ્મફેર                                               ગાઈડ                      1966
  • બંગાળી ફિલ્મ સંઘ એવોર્ડ                           તીસરી કસમ              1967
  • ફિલ્મફેર                                               નીલકમલ                 1968
  • રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર                               રેશ્મા ઔર શેરા           1971
  • નાગરિક પુરસ્કાર – પદ્મશ્રી                            –                        1972
  • ફિલ્મફેર – લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ          –                         1994
  • NTR રાષ્ટ્રીય પુરસ્કાર – આંધ્ર પ્રદેશ સરકાર         –                       2006
  • નાગરિક પુરસ્કાર – પદ્મ ભૂષણ                         –                       2011