સોનીના સો તો લુહારનો એક

 

સોનીના સો તો લુહારનો એક

 

સોની દાગીના ઘડે છે. સોનું એ મોંઘી ધાતુ છે અને દાગીના ઘડવા માટે એનો જથ્થો પણ ઓછો હોય એટલે સોનીના ઓજારો અને ખાસ કરીને હથોડી નાની હોય છે. એ હથોડીથી ધીરે ધીરે ટીપીને દાગીનાને ઘાટ આપે.

આથી ઊલટું લુહાર લોખંડ સાથે કામ કરે છે. એ જે ઓજારો ટીપીને બનાવે છે એમાં કોશથી માંડીને ધારિયું કે તલવાર સુધીની વસ્તુઓ આવી જાય.

આ લોખંડને પહેલાં ભઠ્ઠીમાં લાલચોળ તપાવવું પડે અને ત્યાર પછી એને જોરદાર ફટકો મારીને ઘડવા માટે જે વપરાય તે હથોડીનો એકદમ મોટો ભાઈ ઘણ કહેવાય. ધગધગાવીને ગરમ કરેલું લોઢું એરણ પર મૂકી જોરથી આ ઘણ એના ઉપર ઝીંકવો પડે.

આમ સોની હથોડીથી જે ટીકટીક કર્યા કરતો હોય તેની સરખામણીમાં લુહારનો ઘણ ખૂબ મોટો ફટકો મારે. આ કહેવત કોઈ પ્રમાણમાં નિર્બળ માણસ નાની નાની હરકતો કરીને કોઈ સબળ વ્યક્તિને હેરાન કરતો હોય ત્યારે વપરાય છે જેનો અર્થ થાય આવી અનેક નાની નાની હરકતો સામે પેલા સબળ માણસનો એક જ વળતો પ્રહાર કાફી છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)