ન બોલ્યામાં નવ ગુણ…
|
ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં નહીં બોલવામાં બધો ભરમ જળવાઈ રહે છે.
એક નાની વાત સમજીએ.
એક શેઠ અને શેઠાણી. શેઠાણી બહુ રૂપાળાં. એક દિવસ કોઈ પ્રસંગમાં જવા માટે બનીઠનીને તૈયાર થયા. શેઠના સામું જોઈને એમણે પૂછ્યું, “કેવી લાગું છું ?”
શેઠે જવાબ આપ્યો, “એકદમ ઝક્કાસ !”
પણ પછી એક સલાહ પણ આપી કે, “કોઈપણ બોલાવે તો સ્મિત આપજે, પણ વાતે વળગતી નહીં.”
શેઠાણીએ વળતું પૂછ્યું, “હું કશું નહીં બોલું તો સામા માણસને એવું લાગશે કે હું મૂરખ છું.”
શેઠનો જવાબ હતો, “ભલે લાગે. તારે બોલીને એનો પૂરાવો આપવાની કોઈ જ જરૂર નથી.”
નાનો દાખલો છે.
સમજી ગયા ને ?
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
