નમ્યું તે ભગવાન ને ગમ્યું

 

        નમ્યું તે ભગવાન ને ગમ્યું

 

આપણી ભારતીય સંસ્કૃતિમાં એક ઉત્તમ સંસ્કાર એ છે કે આપણા વડીલોને પગે લાગી તેમનાં ચરણ સ્પર્શ કરવા. આમાં વડીલ, દેવ તથા અન્ય પવિત્ર વ્યક્તિનો પણ સમાવેશ થઇ જાય છે. લગભગ દરેક ધર્મનાં આ ઉત્તમ પ્રથા જોવા મળે છે. જેના પ્રકાર જુદા જુદા હોય છે પરંતુ તેનો મર્મ તો એક જ છે કે વડીલોના, દેવર્ષિઓના, મહાપુરુષોના આશીર્વાદ લેવાનો. જગતના દરેક ધર્મમાં વડીલોના આશીર્વાદ લેવાની પ્રથા છે.

સતયુગ, દ્વાપરયુગ તથા ત્રેતાયુગમાં એવા મનુષ્યો વસતા હતા કે તેઓ જે બોલે તે જ થતું હતું. તેમના મોઢામાંથી આશીર્વાદ નીકળે કે દીધાયુ ભવ. તો તે માનવ ટૂંકું આયુષ્ય લઇ જન્મ્યો હોય તો પણ તે આશીર્વાદથી ઘણું લાંબું જીવે છે. આવાં સ્ત્રી પુરુષના આશીર્વાદ સૌથી અધર્મી મનુષ્ય પણ લેવા લલચાતો હતો.

આપણામાં કહેવત છે કે ‘નમતા સૌથી ગમતા’ તથા ‘નમે તે સૌને ગમે’. વખત આવતાં જે નમી જાય છે તે વખત આવતાં બહુ ઝડપથી ઊભા થઇ જતા હોય છે.

આપણે જેમને પગે લાગી તેમના આશીર્વાદ લઇએ છીએ તેથી તેમનાં અંતરમાંથી આપણા માટે શુભ તથા ઉત્તમ લાગણીનો પ્રવાહ વહે છે. પરિણામે આપણે ખૂબ સુખી થઇએ છીએ. આપણા માથેથી આપત્તિના ઓળા, વાદળ ઝડપથી વિખરાઇ જાય છે. આપણાં જીવનમાં સુખનો સૂરજ ઊગે છે. આપણા આશીર્વાદ આપણી પેઢીને આપી તેમનું જીવન પણ સુધારીએ.