![]()
પાકી કોઠીએ કાના ન ચડે |
કોઠી કાચી માટીના લોંદામાંથી અથવા ક્યારેક એની સાથે કાગળનો માવો ભેળવીને બનાવેલ પિંડમાંથી બને છે. આ મટીરિયલ જ્યાં સુધી લીલું છે એને ધાર્યા મુજબનો ઘાટ આપી શકાય, જોડી શકાય પણ ત્યારબાદ આ કોઠીને નિભાડામાં મૂકી પકવવામાં આવે એટલે આખુંય મટીરિયલ ગરમીમાં તપી તાકાત પકડી કડક બની જાય. ન કરે નારાયણ અને આવી નિભાડે પકવેલી કોઠીનો કાંઠલો કદાચ તુટી જાય તો પછી એને સાંધવાનો કોઈ રસ્તો રહેતો નથી. એકવાર પાકી ગયેલું પેલું મટેરિયલ એની સાથે જોડાવા માંગતા નવા કાચા મટેરિયલને સંઘરતું નથી.
બરાબર આ જ રીતે માણસ જેમ જેમ પાકટ થતો જાય તેમ તેમ તેની માન્યતાઓ અને પૂર્વગ્રહો વધુ મજબૂત થતાં જાય છે. નવું શીખવાની એની વૃત્તિ અને ક્ષમતા ઘટતી જાય છે અને એ સમયે એને જો કંઈક નવું શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો ભાગ્યે જ સફળ થવાય છે. સરળ અર્થ એ છે કે વખત વહી ગયા પછી કંઈ બની શકે નહીં, યોગ્ય સમયે જ બધુ થાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
