કરડો નહીં, પણ ફૂંફાડો તો રાખો જ |
મૂળ વાત એવી છે કે એક ઝાડની બખોલમાં ભયંકર સાપ રહેતો હતો. આ સાપ ભયંકર ફૂંફાડા મારતો હતો અને તક આવે કોઈકને દંશ મારીને મોતને ઘાટ પણ ઉતારી દેતો હતો. આ ભયંકર સાપના આતંકને કારણે આજુબાજુના વિસ્તારમાં ખૂબ દહેશત વ્યાપી હતી અને લોકો ઉંચા જીવે જીવતા. એ જ્યાં રહેતો હતો તે બખોલની આજુબાજુ તો કોઈ જતું જ નહીં. એક દિવસ ત્યાંથી એક સંત પુરુષ પસાર થઈ રહ્યા હતા. એમનો પ્રભાવ અને તેજ એવુ હતુ કે પેલો સાપ પણ એમનાથી પ્રભાવિત થઈને આશીર્વાદ માંગવા લાગ્યો. પેલા સંતે એને કહ્યું કે તારા કારણે જે આતંક ફેલાયો છે તેમાંથી તું આ વિસ્તારને મુક્ત કર. સાપે વચન આપ્યું કે હવેથી એ કોઈને કરડશે નહીં. ધીરે ધીરે આ વાત પ્રસરવા લાગી. શરૂઆતમાં થોડા ગભરાતા ગભરાતા લોકો ત્યાંથી અવર જવર કરવા લાગ્યા. પછી તો એ ભય પણ જતો રહ્યો. છોકરાંઓ પણ નિર્ભય બનીને ઝાડના છાંયા નીચે રમવા માંડ્યા. બાળક સ્વભાવ જ અળવીતરો હોય એટલે ધીરે ધીરે એના રાફડામાં કાંકરી ચાળો કરવા માંડ્યા. સાપને માટે હવે બહાર નિકળવું પણ મુશ્કેલ થતું ગયું. બહાર ન નિકળાય એટલે શિકાર પણ ન મળે. આને કારણે સાપ નબળો પડવા માંડ્યો.
વળી પાછા એક દિવસ એ સંત ત્યાંથી પસાર થતા હતા. એમણે સાપની દુર્દશા જોઈ. કારણ પૂછતાં સાપે કહ્યું બાપજી હું તો હેરાન પરેશાન થઈ ગયો. આપને વચન આપ્યા પ્રમાણે મેં લોકોને કરડવાનું તો ઠીક પણ ફૂંફાડા મારવાનું પણ છોડી દીધું. પરિણામ આપ જોઈ રહ્યા છો.
પેલા સંતના મોં પર હળવું સ્મિત ઉપસી આવ્યું. એમણે કહ્યું, “ભલાભાઈ મેં તને કરડવાની ના કહી હતી. ફૂંફાડા મારવાની થોડી ના હતી !”
સંતનો કહેવાનો મતલબ એ હતો કે સત્તાની ખુરશી પર બેઠેલ વ્યક્તિ ભલે કોઈને નુકશાન ન કરે પણ એની ધાક તો હોવી જ જોઈએ. જો એ ધાક પણ ન હોય તો ધીરે ધીરે એની સત્તા લોપાતી જાય અને પછી કોઈ ગાઠે નહીં. એક વખત પક્કડ ગુમાવે એટલે પછી એ ક્યારેય પાછી મેળવી શકાય નહીં.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)