નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ |
લક્ષ્મીના મહિમાની વાત આ કહેવત કરે છે. સંસ્કૃતમાં એવું કહ્યું છે કે “સર્વે ગુણાન્ કાંચનમ્ આશ્રયંતિ” એટલે કે જેની પાસે સોનું અર્થાત લક્ષ્મી છે તેની પાસે આપોઆપ જાણે કે બધી જ આવડત અને ગુણો આવી જતાં હોય છે. સમાજમાં પણ માનપાન તમારી પાસે લક્ષ્મી કેટલી છે તેના ઉપર આધારિત છે. એક ગરીબ માણસને કોઈપણ વ્યક્તિ તુંકારાથી બોલાવે અને હડધૂત કરે છે પણ જો એકાએક તેના નસીબનું પાંદડું ફરે અને એ પૈસાદાર થઈ જાય તો આ જ લોકો એને માન આપતા થઈ જાય છે. ટૂંકમાં બાઈને માન નથી બાઈના બચકાને માન છે !
આ કહેવત પણ એવું કહે છે કે દરિદ્ર માણસ જેનું નામ નાથાલાલ હોય તેને બધા તુંકારાથી નાથીયો કહીને બોલાવે છે. પણ એની જગ્યાએ કોઈ ધનપતિનું નામ નાથાલાલ હોય તો માત્ર નાથાલાલ નહીં લટકામાં ભાઈ લગાડીને નાથાલાલભાઇ અને એથીય આગળ ખૂબ શ્રીમંત માણસ હોય તો શેઠ શ્રી નાથાલાલભાઇ કહે છે. નામ એનું એ જ છે. માણસની પાસે લક્ષ્મી કેટલી છે એના ઉપરથી એ જ નામના માણસને નાથીયો, નાથાભાઈ, નાથાલાલભાઈ અથવા શેઠ શ્રી નાથાલાલભાઈ એમ અલગ અલગ સંબોધનો થાય છે. મહિમા માણસનો નથી એની શ્રીમંતાઈનો છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)