|
કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે |
ઘણા બધા માણસો ભેગા થાય અને કોઈ ચોક્કસ તીર્થસ્થાન કે એક કરતાં વધુ તીર્થોની જાત્રાએ નીકળે એને સંઘ
કહેવાય. આ બધા માણસો જુદા જુદા પરિવારોમાંથી અને જુદા જુદા ગામોમાંથી પણ હોય. આમ, છતાં પણ ભક્તિમાર્ગના પ્રવાસીઓ તરીકે બધા એકબીજા સાથે સંપીને આનંદમંગળ કરતાં જાત્રા આગળ વધારે. કોઈ સાજુંમાંદુ થાય, કોઇની નાની મોટી મુશ્કેલી હોય તો તે પણ જાળવી લે.
સંઘનો અર્થ જ સમૂહ અને સામૂહિકશક્તિ. પણ જુદા જુદા વિસ્તારનાં કૂતરાં ભેગાં થઈને આવો સંઘ કાઢે તો? પહેલા તો એકબીજા સામે ભસીભસીને મોરચો માંડે અને વખત આવ્યે એવાં લડે કે લોહીલુહાણ થઈ જાય. કૂતરાંનો આ મૂળભૂત સ્વભાવ છે.

કહેવાય છે કે ‘જાતિ સ્વભાવ ન મુચ્યતે’. કોઈ પણ જાતિનું પશુ/પ્રાણી પોતાનો જાતિગત સ્વભાવ છોડતું નથી. અંદરઅંદર લડવું અને એકબીજા સામે ભસ્યા કરવું કૂતરાંનો જાતિગત સ્વભાવ છે. આ કારણે તેઓ અંદરઅંદર લડીને ખતમ થઈ જાય પણ નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાની સફળતા પ્રાપ્ત કરી શકે નહીં આ સંદર્ભમાં ‘કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




