ધોબીનો કૂતરો ન ઘરનો, ન ઘાટનો 

 

ધોબીનો કૂતરો ન ઘરનો, ન ઘાટનો 

 

ધોબી બધાં કપડાં ભેગા કરી અને જ્યાં ધોવા લઈ જાય એ જગ્યાને ધોબીઘાટ કહેવાય. ધોબીનો કૂતરો એની સાથે સાથે ઘાટ પર જાય તો ઘરે જમવા ટાણે બે બટકાં ખાવા પામતો હોય તે પણ ન પામે. ઘાટ ઉપર તો પોતાના ખાવામાંથી ધોબી મર્યાદિત રોટલો એને નાખે. કપડાં ધોઈ અને ધોબી સાંજે પાછો આવે ત્યારે આ કૂતરો પણ ઘરે પાછો ફરે.

આમ, ધોબીનું ઘર અને ઘાટ બંને જાળવવા જતાં સરવાળે એણે અરધા ભૂખ્યા રહેવું પડ્યું.

આ પરિસ્થિતી સમજાવતી આ કહેવતનો અર્થ એવો થાય કે બંને પક્ષને પ્રસન્ન રાખવા જતાં બંનેનો વિશ્વાસ ગુમાવવો પડે. માણસ જ્યારે દ્વિધામાં પડે છે ત્યારે તે નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો.

બંને પક્ષને રાજી રાખવા મથનારને અંતે તો નિષ્ફળતા જ મળે છે. બેઉ બાજુથી ફાયદો શોધનારા છેવટે નુકસાની વેઠે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)