શિયાળાનું છાણું જવાનીનું નાણું |
યુવાન વયમાં માણસ ઉત્સાહ અને જોમથી તરવરતો હોય છે. એનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. અને એ કારણથી મહેનત પણ ખૂબ કરી શકે છે. આમ, કમાણી કરવા માટે મહત્તમ પુરુષાર્થ કરવાનો સમય યુવાની છે. ધીરે ધીરે જેમ વૃદ્ધાવસ્થા આવે તેમ શરીરબળ ઘસાય અને કમાવાની શક્તિ ઓછી થવા માંડે છે. આમ યુવાનીમાં દ્રવ્ય ઉપાર્જન થાય તેમાંથી થોડું બચાવીને રાખ્યું હોય તો વૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થામાં તે કામ આવે. આ કારણથી યુવાનીમાં કમાયેલ નાંણાંનું વિશેષ મહત્વ છે અને એ બચત વૃદ્ધાવસ્થામાં ખરા સમયે કામ આવે છે.
આ જ રીતે ચોમાસા પછી આવતી શિયાળાની ઋતુમાં ઢોરઢાંખરને ચારો પૂરતો મળી રહે છે. અને તે કારણથી છાણની ઉપલબ્ધિ પણ વધુ હોય છે. શિયાળો સૂકી હવા અને ઠંડીની ઋતુ છે. આમ, આ ઋતુમાં થપાયેલ છાણાં નક્કર અને વધુ ગરમી આપે તેવાં હોય છે.
આ બંને બાબતોને ધ્યાને લઈને કહેવત પાડી હશે કે ‘શિયાળાનું છાણું અને યુવાનીનું નાણું જેટલુ ભેગું કરીએ એટલું કામ લાગે’ સમય અને સંજોગો જ્યારે અનુકૂળ હોય ત્યારે મહેનત કરી લેવી જોઈએ. ઉંમરના આ તબક્કે એમના મનમાં એક Goal સેટ કરી લેવો જોઈએ, એ Goal પૂરો કરવા માટે મહેનત કરવી જોઈએ.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)