ભસતાં કૂતરાં કરડે નહિ ને ગાજ્યા મેહ વરસે નહિ |
કેટલાક માણસોને મોટી મોટી વાતો કરવાની ટેવ હોય છે. સાવ નાના મુદ્દાને પણ એ હૂલાવીફૂલાવીને મોટી કરે છે અને એવી આશા ઊભી કરે કે જાણે કેટલુંય કરી નાખશે. આ સંદર્ભમાં કહેવત છે – ગાજ્યા મેહ વરસે નહિ.
આથી ઊલટું, કેટલાક એવા હોય છે કે જાણે બહુ જ શક્તિશાળી અને ક્ષમતા ધરાવતા હોય, વાત વાતમાં ચેલેન્જ ફેંકે, ધમકી આપે અને સામા માણસને દબાવવાનો પ્રયત્ન કરે. વાસ્તવમાં એમની ધમકી સાવ ખોખલી એટલે કે પોલી હોય અને એમનાથી દબાવવાનું અથવા ગભરાવવાનું કોઈ કારણ ન હોય. સામાન્ય રીતે કૂતરાની એક ટેવ એવી હોય છે કે એ પાછળથી આવી અને બચકું ભરી જાય. એ રીતે ચૂપચાપ આવે કે ખબર જ ન પડે. આથી ઊલટું જે કૂતરું ભસે છે તે તો તમને સાવધ કરે છે. મોટા ભાગે આ કારણથી તે કરડી શકતું નથી કારણ કે તમે ચેતી જાવ છો. આમ, બહુ હા-હો કરનાર કે વાત વાતમાં ચેલેન્જ ફેંકનાર માણસથી ગભરાવાની કોઈ જરૂર નથી એ સંદર્ભમાં ભસતા કૂતરા કરડે નહીં એ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)