![]()
દીવામાં દિવેલ હશે તો બળશે |
દીવો પ્રગટાવવો હોય તો એમાં ઘી અથવા તેલ જેવો તૈલી પદાર્થ જોઈએ. જો આ પદાર્થ હોય જ નહીં અથવા ખલાસ થઈ જાય તો એકલી દીવેટ જ્યોત ચાલુ રાખી શકે નહીં. એટલે દીવાની જ્યોત બુઝાઈ જાય. આમ દીવામાં દિવેલ અથવા ઘી હોય ત્યાં સુધી જ જ્યોત ચાલુ રહે અને ત્યાં સુધી જ દીપક પ્રગટેલો રહે.
આ જ દાખલો જરા જુદી રીતે પણ વિચારી શકાય. માણસમાં જ્યાં સુધી આવડત હોય ત્યાં સુધી જ તેની તેજસ્વિતા ખીલે છે. આવડત ના હોય તે માણસ તક મળે તો પણ કાંઇ ઉકાળી શકતો નથી. આ જ રીતે માણસ પાસે પૈસા અથવા સંપત્તિ હોય ત્યાં સુધી જ એની ઝાકમઝોળ દેખાય. એકવાર દ્રવ્ય ખલાસ થઈ ગયું એટલે માણસ સાવ ઓઝપાઈ જાય છે. આ કારણથી જ કહેવાય છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
