સાસરા સુખ વાસરા, દો દિનકા આસરા તીસરા દિન જાયગા તો ખાયગા ખાસડા |
જમાઈનું પોતાના સાસરિયામાં એક વિશિષ્ટ માન અને મહત્વ હોય છે. પણ માન અને મહત્વની સાથોસાથ મર્યાદા પણ જોડાયેલી છે. સંસ્કૃતમાં કહ્યું છે – અતિપરિચયાત્ અવજ્ઞા એટલે કે familiarity breeds contempt, વધારે પડતો પરિચય અથવા નિકટતા અવગણનાને નોતરે છે. જમાઈ માટે સાસરું એવી જગ્યા છે જ્યાં એ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ફરતો રહે એટલી કાળજી લેવાય છે. એટલાં માનપાન મળે છે. પણ આ કાળજી તે જેટલો લાંબો વખત રહે તેમ સમયના વીતવા સાથે ઘસાતી જાય છે. એટલે જમાઈએ સાસરિયામાં મર્યાદિત સમય જ રહેવું જોઈએ એવી સીધી સલાહ આ કહેવત થકી અપાઈ છે.
અને જો આ મર્યાદા ચૂકાય તો ખાસડાં ખાવાં પડે એટલે કે અપમાનિત થવાની પરિસ્થિતી આવે તેવો બોધ આપવામાં આવ્યો છે. સાસરિયામાં બહુ નહીં રહેવું એમાં જ મજા છે અને તો જ જમાઈરાજનું માન જળવાય એવી વાત આ કહેવત થકી કહેવાઈ છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)