પાણી પીને ઘર પૂછવું

 

            પાણી પીને ઘર પૂછવું

 

કવિ અખો એના સરળ ભાષામાં લખાયેલા અને દંભની ખાલ ઉખેડતા છપ્પા માટે જાણીતો છે. આવો જ એક છપ્પો નીચે પ્રમાણે છે.

પાણી પીને પૂછે ઘર, એનું નામ તે પહેલો ખર,

દીકરી દઈને પૂછે કુળ, એનું નામ તે બીજો ખર,

ધીરી કરજ ને પૂછે ઘર, એનું નામ તે ત્રીજો ખર,

હાથ ઘાલીને પૂછે દર, એનું નામ તે ચોથો ખર.

(ચાર ખર (ગધેડા જેવા મૂરખા)ની ઓળખ)

આમ, ડાહ્યો માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં એનું પરિણામ શું આવશે એની ચિંતા કરે. એનાથી સાવ ઊલટું ખર એટલે કે ગધેડા જેવો માણસ પહેલાં જે કરવું હોય તે કરી નાખે અને પછી તેની યોગ્યતાનો વિચાર કરવા બેસે. સરવાળે પસ્તાવાનું આવે. પાણી પીને ઘર પૂછવું ને દીકરી દઈને કુળ પૂછવું એટલે કે સમય વીતી ગયા પછી પૂછપરછ કરવાનો કોઈ જ અર્થ નથી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)