એનઆરઆઇને સફળતા મળે ત્યારે આરઆઇ બહુ ખુશ થાય. બ્રિટનમાં પ્રીતિ પટેલ વિકાસ પ્રધાન બન્યાં. સવાલ એ થાય કે સૌથી વિશાળ સામ્રાજ્ય ઊભું કરીને જગતને લૂંટનારા બ્રિટનને પણ હજી વિકાસ પ્રધાનની જરૂર પડે છે? વિકાસ તો ચાલ્યા કરશે જ, પણ પ્રીતિ પટેલની કરિયરમાં ડેવલમેન્ટ એ આવ્યું કે તેમણે રાજીનામું આપવું પડ્યું. બહુ વિકાસ કરો તો રાજીનામું આપવું પડે! પ્રીતિ પટેલે બ્રિટનના રાજકારણમાં પોતાનો બહુ ઝડપી વિકાસ કર્યો હતો. આફ્રિકામાં ગુજરાતીઓને તકલીફ પડવા લાગી ત્યારે અનેક કુટુંબો બ્રિટન જતા રહ્યાં હતાં. ભારત પરત નહોતા ફર્યાં, કેમ કે વિકાસની તકો બ્રિટનમાં વધારે મળે તેમ હતી. તેવા એક કુટુંબમાંથી આવતાં પ્રીતિ પટેલનું રાજકીય ભવિષ્ય ઉજળું મનાતું હતું.
પરંતુ પ્રીતિ પટેલ વેકેશન ગાળવા માટે ઇઝરાયલ ગયાં અને ત્યાં આવ્યાં છીએ તો મળતાં જઈએ એમ કરીને વડાપ્રધાન નેતન્યાહૂ સહિત એકાદ ડઝન સત્તાધારી લોકોને તેઓ ખાનગીમાં મળ્યાં. આ સત્તાવાર મુલાકાતો નહોતી. આ વાત ગયા ઓગસ્ટની છે, પણ હાલમાં બહાર આવી કે ખાનગી પ્રવાસ દરમિયાન પ્રીતિ પટેલ ઇઝરાયલમાં મુલાકાતો કરીને આવ્યાં છે. તેનો વિવાદ ચાલ્યો અને આખરે પ્રીતિ પટેલે પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું.
અહીં આવડે તેવી કટાક્ષમય ભાષામાં લખ્યું છે, કેમ કે બીબીસીની મશહૂર પોલિટિકલ કોમેડીને મળતો આવે તેવો સિનારિયો આ કિસ્સામાં વાસ્તવિકતામાં જોવા મળ્યો છે. જેમણે આ સિરિયલ જોઈ છે તેમને ખ્યાલ છે કે કઈ રીતે બ્યૂરોક્રસી નેતાઓને રમાડે છે. એક વિભાગ બીજા વિભાગનું કામ કઈ રીતે અટકાવે અને એક નેતા બીજા નેતાને કઈ રીતે ચીત કરે. ભારતમાં પણ આમ જ થાય છે. ઈઝરાયલની મુલાકાતે નરેન્દ્ર મોદી જાય તો તેની પાછળ મોટું રાજકારણ થાય. એલ. કે. અડવાણી પાકિસ્તાનમાં ઝીણાની મઝાર પર જાય તો હોહા થઈ જાય. તેનો લાભ લઈને હરીફો બદનામી કરે અને હરીફને પછાડી દે.
ઈઝરાયલ સાથે સંબંધો રાખવાથી વિવાદ કેમ થાય તેનો અલગથી લાંબો લેખ કરવો પડે, પણ એટલું જ જણાવી દઈએ કે ઈઝરાયલ નાનકડું યહુદી રાષ્ટ્ર છે અને આસપાસના અરબ અને મુસ્લિમ રાષ્ટ્રો સામે લડી રહ્યું છે. યુરોપ અને અમેરિકામાં યહુદી લોબી મજબૂત ગણાય છે. આર્થિક સેક્ટરમાં યહુદીની સદીઓથી પકડ છે. ભારતમાં શાહુકારોની રહી છે તે રીતે. યહુદીઓનો વિરોધ એટલે નાઝીવાદ. યહુદી લોબી અને નાઝીવાદ વચ્ચે યુરોપમાં કશ્મકશ આજેય ચાલ્યાં કરે છે.
આ સંદર્ભમાં પ્રીતિ પટેલ ઇઝરાયલ જાય અને ત્યાં એક ડઝન લોકોને મળીને આવે ત્યારે માત્ર બ્રિટન નહીં, સમગ્ર યુરોપમાં તેના પડઘા પડે. પ્રીતિ પટેલ પ્રો-ઇઝરાયલ નેતા માનવામાં આવે છે. યહુદી લોબીના એક લોબિઇસ્ટ સ્ટુઅર્ટ પોલાક સાથે તેમને સારા સંબંધો છે અને આ લોબિઇસ્ટે જ તેમની નેતન્યાહૂ સાથે પણ મુલાકાત કરાવી આપી હતી.
મામલો કંઈ બહુ મોટો નહોતો. મુદ્દો એ હતો કે બ્રિટન જે વિદેશી સહાય જુદા જુદા દેશોને આપે છે, તેમાંથી થોડી વધારે સહાય ઇઝરાયલને મળે. ગોલન હેઇટ્સમાં કેટલાક વિકાસના કાર્યો માટે બ્રિટનનું ફંડ થોડું વધારે મળે તો ઇઝરાયલને ફાયદો થાય. પરંતુ બ્રિટન હવે કંઈ જગતની મહાસત્તા નથી. તેણે બધા જૂથો સાથે સારા સંબંધો રાખવા પડે. ઇઝરાયલને મદદ કરે છે તેમ લાગે તો અરબ અને મુસ્લિમ દેશો નારાજ થાય. તેથી જાહેરમાં બ્રિટન ઇઝરાયલ સાથે સારા સંબંધોનો બહુ દેખાડો કરતું નથી. ભારતની સ્થિતિ પણ અહીં યાદ કરી લો. ઇઝરાયલ સાથે સારા સંબંધોનો દેખાડો બિનભાજપ સરકારો કરતી નથી, કેમ કે તેમને અરબ અને મુસ્લિમ દેશો સાથેના સંબંધો યાદ આવી જાય.
આ બધી ગંભીર અને ગહન ચર્ચા છોડીને મુદ્દા પર આવી કે બે વિભાગો વચ્ચેના ટકરાવના કારણે પ્રીતિ પટેલને કઈ રીતે રાજીનામું આપવું પડ્યું. ડિપ્લોમસીમાં એક શબ્દ વપરાતો હોય છે કરિયર ડિપ્લોમેટ. કરિયર ડિપ્લોમેટ એટલે આમ તો સરકારી બાબુ, જે વિદેશી બાબતોના નિષ્ણાત હોય અને સરકાર બદલાઇ જાય પણ આ બાબુ ત્યાંના ત્યાં હોય. તેથી તેમની પોતાની ‘લાઈન’ ચાલતી રહે. બાબુઓ આ લાઈન ચલાવતાં રહે તેમાં અમુક વર્ષો પછી તેમાં હિતો પણ ઊભા થતાં હોય છે. તેથી પાંચ વર્ષે સરકાર બદલાય અને નવો વિદેશપ્રધાન આવે ત્યારે જો તે આ લાઈન પ્રમાણે ના ચાલે તો કરિયર ડિપ્લોમેટ આડો ચાલે. તે ભાંગફોડ કરે. સંબંધોને એવા ગૂંચવી મારે કે પોલિટિકલ વિદેશપ્રધાન માટે મુશ્કેલી ઊભી થાય.
આવું જ કંઈક પ્રીતિ પટેલના કિસ્સામાં થયું હતું. બ્રિટનનો વિદેશ વિભાગ એમ માને છે કે દુનિયા સાથે કેવી રીતે સંબંધો જાળવવા એ અમારું કામ છે. પ્રધાનો તો આવ્યાં કરે અને જાય, તેમણે આવી બાબતોમાં ડખલ કરવી જોઈએ નહીં. પ્રીતિ પટેલે એવી દખલ કરવાની કોશિશ કરી. બ્રિટનનું સહાયનું ફંડ કોને વધારે મળે તે નક્કી કરવામાં પ્રીતિ પટેલની ભૂમિકા ખરી. તેથી ઇઝરાયલને વધારે ફંડ મળે તે પ્રીતિ પટેલ નક્કી કરી શક્યાં હોત. પણ વિદેશ વિભાગને લાગ્યું કે આ કામ અમારું છે. પ્રીતિ તેમાં દખલ દે તે ન ચાલે. તેથી પ્રીતિ પટેલની ખાનગી મુલાકાતને એવી રીતે ચગાવવામાં આવી કે બ્રિટનની થેરેસા મેની સરકાર માટે મૂંઝવણ ઊભી થઈ અને પ્રીતિ પટેલનું રાજીનામું લઈ લેવું પડ્યું.
કહેવાય છે કે સ્ટુઅર્ટ પોલાકે ઇઝરાયલના વડાપ્રધાન સાથે પ્રીતિ પટેલની મુલાકાત ગોઠવી આપી હતી. આ મુલાકાત બ્રિટનના ઇઝરાયલ ખાતેના એમ્બેસેડર ડેવીડ ક્વોરીની જાણ બહાર થઈ હતી. એટલે તેમનો ઇગો ઘવાયો. તમે અહીં આવીને પીએમને મળી જાવ અને મને જાણ પણ ના કરો! બીજો ઘા એ પડ્યો કે બ્રિટનના વિદેશ મંત્રાલયના મધ્ય પૂર્વ એલિસ્ટર બર્ટ એ જ સમયગાળામાં ઇઝરાયલમાં હતાં, પણ તેમને વડાપ્રધાન નેતન્યાહૂની મુલાકાત ના મળી.
પોતાના પ્રધાનને વડાપ્રધાન સાથે મુલાકાત ન કરાવી શક્યાં તેથી ઇઝરાયલ ખાતેના એમ્બેસેડરનું પણ નીચા જોણું થયું હતું. તેથી મોકો જોઈને ચારેક મહિના પછી બીબીસીના એક પત્રકારને સ્ટોરી લીક કરી દેવામાં આવી. યસ મિનિસ્ટર યાદ કરો – કઈ રીતે સચીવો અને અમલદારો પત્રકારોને સ્ટોરી લીક કરી દેતા હોય છે. કઈ રીતે પ્રધાનોને આ અમલદારો કફોડી સ્થિતિમાં મૂકી દેતાં હોય છે તે પણ યાદ કરી લો. પ્રીતિ પટેલ સસેક્સમાંથી ચૂંટાયાં છે. થેરેસા મે અગાઉના વડાપ્રધાન ડેવીડ કેમરૂને તેમને પ્રમોટ કર્યાં હતાં. ઇન્ડિયન ડાયસ્પોરાને પોતાની કન્ઝર્વેટિવ પાર્ટી તરફ આકર્ષવા માટે પ્રીતિ પટેલને પ્રમોટ કરાયાં હતાં. ભારતીય જૂથ પરંપરા પ્રમાણે લેબર પાર્ટીનું સમર્થક મનાય છે. આ રાજકારણને કારણે પ્રીતિ પટેલનો ઉદય થયો, પણ તેમનો ઉદય કન્ઝર્વેટિવ પાર્ટીમાં બધાને ના ગમ્યો હોય. કેટલાંક નિરીક્ષકો પ્રીતિ પટેલને ભવિષ્યમાં બ્રિટનના પીએમ ગણાવવા લાગ્યાં હતાં, ત્યારે મોકો જોઈને તેમનાં જ પક્ષના કેટલાંક હરીફોએ થેરેસા મે પર દબાણ ઊભું કર્યું અને આખરે તેમણે રાજીનામું આપવું પડ્યું.
અને છેલ્લે યસ મિનિસ્ટર જેવો આ ખેલ માત્ર બ્રિટન પૂરતો મર્યાદિત નહોતો એમ મનાય છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ પોતે વિદેશ મંત્રાલય પણ સંભાળે છે. તેથી ઇઝરાયલના વિદેશ મંત્રાલયના અમલદારો પણ ગીન્નાયાં હતાં કે આપણાં સાહેબ પોતાની રીતે વિદેશના નેતાઓને મળે તે કેમ ચાલે. તેથી તેમણે પણ ઉંબાડિયા કર્યાં હતાં એમ કહેવાય છે. તો આવું છે સાહેબ… રાજકારણ.