ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી સુધી માથું ફેરવતો કરાચીનો છોકરો…

પાકિસ્તાનના કરાચીમાં રહેતા ૧૪ વર્ષીય છોકરા સમીર ખાનને કમાલની કુદરતી બક્ષિશ મળી છે. એ પોતાનું માથું આખું ગરદનથી ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે અને ઘુવડ પક્ષીની જેમ સીધું જ પાછળ ફેરવીને પોતાની પાછળનું પણ જોઈ શકે છે.

httpss://www.youtube.com/watch?time_continue=14&v=ud2lx8V-nGE

આ છોકરાનું નામ મોહમ્મદ સમીર ખાન છે.

સમીર એના હાથની મદદથી એનું માથું ૧૮૦ ડિગ્રી જેટલું ફેરવી શકે છે એટલું જ નહીં, એ પોતાના ખભા પણ ૩૬૦ ડિગ્રી ઘૂમાવી શકે છે.

સમીરનું શરીર ઈલાસ્ટિકની જેવું છે અને હોલીવૂડની હોરર ફિલ્મોમાં રોલ મળવાની એને આશા છે.

સમીર ખાને ડાન્સ ગ્રુપ સાથે પરફોર્મ કરવા માટે સ્કૂલમાં ભણવાનું પડતું મૂકી દીધું છે.

સમીરે કહ્યું કે, હું જ્યારે છ કે સાત વર્ષનો હતો ત્યારે મેં એક હોલીવૂડની ફિલ્મમાં એક કલાકારને એનું માથું આખું જ ઘૂમાવતો અને એની પાછળનું દ્રશ્ય નિહાળતો જોયો હતો. મને એનાથી બહુ નવાઈ લાગી હતી. મેં પણ એની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને અમુક જ મહિનાઓમાં હું પણ એ કરી શકવા લાગ્યો હતો.

સમીરે કહ્યું કે, મારી માતાએ જ્યારે મને એવું કરતા જોયો હતો ત્યારે એણે મને થપ્પડ મારી હતી અને ક્યારેય આવું ન કરવા કહ્યું હતું, પણ બાદમાં એને માલુમ થયું હતું કે મને આ કુદરતની બક્ષિશ છે.

સમીરના પિતા સાજીદ ખાન (૪૯) હૃદયરોગનો હુમલો આવ્યા બાદ બીમાર રહેતા હોવાથી સમીરે ભણવાનું છોડી દીધું છે અને જીવનનિર્વાહમાં એની માતા રુખસાના ખાનને મદદરૂપ થવા ‘ડેન્જરસ બોઈઝ’ નામના એક ડાન્સ ગ્રુપમાં જોડાયો છે. સમીર આ ગ્રુપના અન્ય છોકરાઓ સાથે કરાચીમાં કાર્યક્રમોમાં પરફોર્મ કરે છે અને પૈસા કમાય છે.