પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાનની શરૂઆત નબળી રહી છે. તેની બોલિંગમાં વેધકતા જોવા મળી નથી. કોઈ બોલ બાઉન્સર થયા છે જ્યારે મોટા ભાગના બોલ નો-બોલ જાહેર થયા છે. આવી ઉડઝૂડ બોલિંગ જોઈને પાકિસ્તાનીઓ પણ ચોંકી ગયા છે, કેમ કે ક્રિકેટરનો હીરો રાજકારણમાં પણ હીરો થશે તેમ ઘણાને લાગતું હતું. પાકિસ્તાની સેનાનો સંપૂર્ણ ટેકો હોવાથી સારી રીતે કામગીરી શકશે એવી અપેક્ષા હતી, પણ સેનાનું કામ સુરક્ષાનું અને ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાનું છે. વહીવટ કેમ ચલાવવો તે પાકિસ્તાની જનરલોને આવડતું હોત તો ચૂંટણી કરવાની ઝંઝટમાં પડ્યા જ ના હોત.
પોતાના પ્યાદા તરીકે ઇમરાન ખાનને પસંદ કર્યા પછી ઇમરાન ગંભીર થઈને તંત્ર સુધારવાના બદલે ક્રિકેટમાં મેદાનમાં ફિલ્ડિંગ ગોઠવતો હોય તે રીતે દાવપેચ ગોઠવી રહ્યો છે. તેમાં પણ નોન પ્લેઇંગ કેપ્ટન તરીકે સેનાપતિ હોવાથી ઇમરાનનો દાવ ઊંધો પડી રહ્યો છે. પોતાની શપથવિધિ વખતે ભારતમાંથી મહાનુભાવોને આમંત્રણ આપીને ભારતમાં ડખા કરવાની કોશિશ ઇમરાને કરી હતી. તેનો દાવ ઘણા અંશે સફળ પણ થયો છે. ભલે એક જ ક્રિકેટર નવજોત સિદ્ધુ પાકિસ્તાન ગયો, સિદ્ધુ ક્રિકેટર કમ નેતા પણ છે અને ટીવી પર ખડખડાટ હસતો સિદ્ધુ રાજકારણમાં પણ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયો છે.સિદ્ધુના માધ્યમથી પાકિસ્તાની સેનાએ ભારતના રાજકારણમાં પણ વિસ્ફોટ કરાવ્યો છે. પંજાબી શીખોની લાગણીની વાતને રમતી મૂકીને ભારતના બીજા નેતાઓ ટીપ્પણ કરે તો મુશ્કેલી થાય તેવી સ્થિતિ ઊભી કરી છે. પંજાબની સરહદથી નજીક પડે તેવું ગુરુદ્વારા એટલે દરબાર સાહેબ ગુરુદ્વારા. પાકિસ્તાનના કરતારપુરમાં આવેલું આ ગુરુદ્વારા શીખો માટે સુવર્ણમંદિર જેટલું જ પવિત્ર છે, કેમ કે ગુરુ નાનકે પોતાના જીવનના અંતિમ વર્ષો આ ગુરુદ્વારામાં વીતાવ્યા હતાં. ગુરુ નાનકની 550મી જયંતિ આવી રહી છે, ત્યારે ગુરુદ્વારા દરબાર સાહેબના દર્શન ખોલી આપીશું તેમ પાકિસ્તાન કહે છે. કરતારપુર પંજાબ સરહદેથી બહુ નજીક પડે છે. ગુરુદ્વારા સુધી એક કોરિડોર ખોલી દેવામાં આવે તો પંજાબથી વગર પાસપોર્ટ અને વીઝાથી દર્શન કરવા જઈ શકાય.
વાત સારી લાગે છે, પણ તેની પાછળનો ઇતિહાસ પણ યાદ કરવો પડે. ખાલિસ્તાન ચળવળ ચાલતી હતી ત્યારે તેને ઉગ્ર બનાવવા પાકિસ્તાન મદદ કરતું હતું. તે જ વખતે પાકિસ્તાને પોતાના દેશમાં ગુરુદ્વારા પ્રબંધક કમિટી પણ બનાવી હતી. ઘણા ગુરુદ્વારા પાકિસ્તાનમાં બચ્યાં છે તેથી તેના સંચાલન માટે ગુરુદ્વારા કમિટિ બની, પણ તેના વડા તરીકે નવાઝ શરીફે કટ્ટર જાવેદ નાસિરને મૂક્યા હતાં. જાવેદ નાસિર એટલે આઈએસઆઈના ભૂતપૂર્વ વડા.
1999-2000માં લાહોર બસયાત્રા સહિતની વાતો ચાલતી હતી, ત્યારે પણ કરતારપુર ગુરુદ્વારા સુધીનો કોરિડોર સરહદ સુધી ખોલવાની વાત થઈ હતી. જાવેદ નાસિર હજીય ગુરુદ્વારા પ્રબંધક કમિટિના ચેરમેન છે અને પાકિસ્તાની સેનાની યોજના પ્રમાણે હવે સરહદેથી કરતારપુર સુધી શીખોની આવનજાવન મુક્ત રીતે થઈ શકે તો આઈએસઆઈ અને સેના ભેગા થઈને ખાલિસ્તાનીઓ ફરી પેદા પણ કરી શકે છે. આ જોખમ ભૂલવું જોઈએ નહીં
આ વાત કદાચ નવજોત સિદ્ધુના ધ્યાનમાં નહીં આવી હોય. તેમણે પોતાના પંજાબી મતદારોને ખુશ કરવા માટે મોટું કામ કરી આવ્યા તેવી વાતો કરી હતી, પણ બે દેશો વચ્ચેના સંબંધોમાં વ્યક્તિ નેતાઓની વાતચીત નહીં, સત્તાવાર રીતે વાતચીત થાય તે જરૂરી હોય છે. વર્તમાન સંજોગોમાં આ કામ મુશ્કેલ છે એ સમજી શકાય તેવું છે. હવે મોદી સરકાર પોતાની કોશિશ ના કરે અને કરતારપુર ગુરુદ્વારા સરદાર સાહેબ સુધી જવાનું શક્ય ના બને તો પંજાબમાં તેના રાજકીય પડઘા પણ પડે. ભાજપ શીખોને નારાજ કરવાનું પસંદ ના કરે. આ રીતે પાકિસ્તાને સિફતપૂર્વક સિદ્ધુના માધ્યમથી ભારતમાં રાજકીય વિવાદ પણ ઊભો કર્યો છે.
આવા સંજોગોમાં ઇમરાન ખાને પત્ર લખ્યો અને કહ્યું કે ન્યૂ યોર્કમાં બંને દેશના વિદેશપ્રધાનો વાત કરે. ત્યારે ભારતે પ્રથમ હા પાડી હતી, પણ બીજા દિવસે ના પાડી. ના પાડવાના બે કારણો હતાં. દેશમાંથી, ભાજપમાંથી અને સાથી પક્ષોમાંથી પણ વિરોધ થયો હતો. બીજું, જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનો પ્રયાસ થાય ત્યારે ત્રાસવાદી હુમલા કરાવવાની રીત પણ ચાલુ થઈ ગઈ હતી. એક બીએસએપના જવાનની ખરાબ રીતે હત્યા કરવામાં આવી. એટલું જ નહીં, કાશ્મીરમાં ત્રણ પોલીસ અધિકારીઓને પકડીને તેમની પણ હત્યા કરવામાં આવી. દેશભરમાં રોષ જાગ્યો અને મોદી સરકારે પીછેહઠ કરવી પડી. પાકિસ્તાન સાથે વાતચીત કરવી કે ના કરવી તેનો કોઈ ચોક્કસ નિર્ણય મોદી સરકાર કરી શકી નથી. વિદેશ નીતિની બાબતમાં આ દેખીતી નિષ્ફળતા છે.
તેનાથી પણ મોટી નિષ્ફળતા ઇમરાન ખાને ઊભી કરી છે. તેમણે જે મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો તે ફાસ્ટ બોલરની ગુગલી જેવો છે. તેને જરાય ના શોભે તેવો. તેમણે લખ્યું કે મારા જીવનમાં મેં ઘણા એવા નાના લોકોને જોયા છે, જે મોટા હોદ્દા પર બેસી જાય છે. નરેન્દ્ર મોદી પર આ સીધો પ્રહાર અને વ્યક્તિગત પ્રહાર છે. જેના કારણે નજીકના ભવિષ્યમાં નરેન્દ્ર મોદી માટે ઇમરાન સાથે વાતચીત કરવી વધારે મુશ્કેલ બની છે. ફાસ્ટબોલરનો બોલ આડો ફાટે ત્યારે નુકસાનકારક હોય છે. અથવાતો બાઉન્સર જાય અને મોટા ભાગે નો બોલ.
આંતરિક રીતે પણ ઇમરાન ખાન એકધારા બાઉન્સર અને નો બોલ જ નાંખી રહ્યા છે. પાકિસ્તાનની આર્થિક અવદશા બેઠી છે ત્યારે કરકસરના નામે તેમણે લક્ઝરી સરકારી કારો વેચવા કાઢી છે. આવી કારો વેચીને માંડ ચપટી કરોડ રૂપિયા ભેગા થશે. આવા ગતકડાંથી કરકસર થતી નથી, કેમ કે બે પાંચ મહિનામાં જ ખબર પડશે કે નેતાઓ અને પ્રધાનો અને વિદેશી મહેમાનો માટે કાર જોઈશે. એટલે ફરી પાછી વધારે મોંઘા ભાવે કાર ખરીદવાનો વારો આવશે ત્યારે ઇમરાન ખાનનો ફિયાસ્કો થવાનો છે.
આટલું બાકી હોય તેમ ઇસ્લામાબાદની હાઇકોર્ટે નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમને છોડી મૂક્યા છે. તેમની સામે જાહેર થયેલી સજાનો અમલ મુલતવી રાખીને હાઇકોર્ટે બંન્ને જામીન આપ્યા છે. ઇમરાનની સરકાર માટે આ મોટા ફટકા સમાન બની શકે છે. સેના ઉપરાંત જ્યુડિશિયરી પણ નવાઝ શરીફની વિરુદ્ધ હોય તેમ લાગતું હતું, પણ હવે ન્યાયાધીશે સ્વતંત્ર નિર્ણય લીધો તેથી નવા સમીકરણો પાકિસ્તાનમાં ઊભા થયાં છે.
ઇમરાન ખાનના પક્ષ પીટીઆઈને એકલા હાથે જીત મળી નથી. ટેકા સાથે સરકારની રચના કરવી પડી છે. તે સંજોગોમાં બહુમતી ટકાવી રાખવી જરૂરી બનશે. નવાઝ શરીફ બહાર આવ્યા પછી વિપક્ષની હલચલ તેજ થશે. ઇમરાન સામે સંયુક્ત વિપક્ષી મોરચો ઊભો કરવા કોશિશ પણ થઈ હતી. ભુટ્ટો પરિવારની પાર્ટી પણ શરીફની પાર્ટી સાથે જોડાઈ હતી, પણ બહુમતીથી તેઓ થોડા દૂર રહ્યાં. તેથી ઇમરાને હવે મજબૂત વિપક્ષનો સામનો કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય દબાણ પણ હવે વધશે, કેમ કે ભારતે દર્શાવ્યું કે પોતે વાતચીત માટે તૈયાર હતું, પણ પાકિસ્તાની પ્રેરિત આંતકવાદીઓ સતત હુમલા કરે છે તે વાત તરફ ફરીથી વિશ્વનું ધ્યાન દોરી શકાયું છે. ભારત પાકિસ્તાનને એકલું પાડી દેવાની કોશિશ ચાલુ જ રાખશે. મિજાજી ફાસ્ટ બોલરની જેમ ઇમરાન ખાને જે રીતે નરેન્દ્ર મોદીને ઉતારી પાડતું નિવેદન કર્યું, તેવું નિવેદન બીજા દેશના નેતાઓ વિશે કરશે ત્યારે જોવા જેવી થશે એમ લાગે છે.