પાકિસ્તાની ફિલ્મને કારણે બંગાળમાં કેમ વિવાદ જાગ્યો?

પાકિસ્તાનની એક લોકપ્રિય ફિલ્મના કારણે ભારતમાં, વિશેષ કરીને પશ્ચિમ બંગાળ રાજ્યમાં વિવાદ ચાલ્યો છે અને તેની સાથે પત્રકારત્વના અધિકારોની વાત પણ જોડાઈ ગઈ છે. તેના કારણે વિવાદ વધ્યો છે, કેમ કે આજકાલ સત્તાધીશો બેફામ બની રહ્યા છે, અને પોતાના વિરુદ્ધ કોઈએ કશું બોલવું નહીં તેવી દાદાગીરી અને ધાકધમકી તેમને સહજ લાગે છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પર બેઠેલા મમતા બેનરજીના પક્ષના નેતાઓ પણ દેશમાં બીજા કોઈથી પાછળ રહેવા ના માગતા હોય તે રીતે ધામધમકી અને દાદાગીરીની ભાષામાં જ વાત કરે છે. ચૂંટણી વખતે ગુંડાગીરી કરવી અને વિરોધીઓને ખતમ કરી નાખવાની બિનલોકતાંત્રિક રીતમાં જ ઉછરેલા બેનરજી તેમના પક્ષમાં એ જ કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યાં છે.રાષ્ટ્રીય કક્ષાએ સત્તાધીશો જે રીતે પત્રકારો તેમનું કામ ના કરી શકે અને ફફડતા રહે તેવી રીત બેનરજીના પક્ષના સાંસદે પણ અપનાવી છે. પણ તેમાં પાકિસ્તાની ફિલ્મ વચ્ચે આવી ગઈ એટલે વિવાદ તરફ રાજ્ય બહાર પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે.

પાકિસ્તાની ફિલ્મનું નામ છે ‘જવાની ફિર નહીં આની’. 2015માં તે રિલિઝ થઈ ત્યારે તે પાકિસ્તાનમાં કમાણીની બાબતમાં સૌથી હિટ ફિલ્મ બની હતી. બાદમાં તે ત્રીજા નંબરની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ તરીકે રહી. તેની સફળતા જોઈને તેની સિક્વલ પણ બની અને આ વર્ષની ઈદ વખતે રજૂ થઈ હતી. તે પણ એટલી હિટ નીવડી કે પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ તે બની ગઈ છે. પાકિસ્તાની રૂપિયામાં તેની કમાણી 50 કરોડથી વટાવીને 54 કરોડ પહોંચવા આવી છે. પ્રથમ બે દિવસમાં જ 10 કરોડ અને 18 દિવસમાં 50 કરોડ પાકિસ્તાની રૂપિયાની કમાણી સાથે તેના રેકર્ડ બન્યા છે. (પાકિસ્તાનમાં હજી 100 કરોડની ક્લબ ખુલવાને વાર છે.)

મૂળ ફિલ્મમાં એક તલ્લાકનું કામ કરતા વકીલ અને તેમના ત્રણ મિત્રોની વાત હતી. ડિવોર્સના કેસ લડતો વકીલ વળી પોતે કુંવારો છે. તેના ત્રણ પરણેલા મિત્રો છે. ત્રણેય મિત્રો બેગમથી દબાયેલા રહે છે. બેગમથી ડરવાનું નહીં એવું સમજાવવા વકીલ ત્રણેય મિત્રોને તેમની બેગમોથી અલગ કરીને બેંગકોકની ટ્રીપ પર લઈ જાય છે. હવે ત્રણેય બેગમોને જાણ થાય છે એટલે તેઓ પણ પાછળ પાછળ બેંગકોક પહોંચે છે. ખાવિંદો કસમ ખાઈને કહે છે કે, તેઓ સ્વંય નથી આવ્યા પણ તેમનો વકીલ મિત્ર લઈ આવ્યો છે. બેગમો માનતી નથી અને હવે સામે ચાલીને ડિવોર્સ આપવાનું નક્કી કરે છે… અને પછી ધમાલ ધમાલ થઈ જાય છે તેવી મસાલા સેક્સી કોમેડી ફિલ્મ તે હતી. તે ફિલ્મના દેશ ઇરાન, મધ્ય પૂર્વ, ગલ્ફ ઉપરાંત પાકિસ્તાનીઓ વસે છે તેવા પશ્ચિમના દેશોમાં પણ માપસર વખણાઇ હતી, પણ કમાણી ઠીક ઠીક થઈ ગઈ હતી. 50 કરોડની ક્લબથી તે થોડા લાખ છેટે રહી ગઈ હતી.

બંગાળની જે ફિલ્મ વિવાદમાં આવી છે તેનું નામ છે ‘હોઇચોઇ અનલિમિટેડ’. તેની સ્ટોરી શું છે? કોલકાતામાં રહેતા અને ફિલ્મ તથા મનોરંજનના ખબરો લખતા બંગાળી પત્રકાર ઇન્દ્રનીલ રૉયએ સંભાવના વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ફિલ્મ જવાની ફિર નહિ આનીની રિમેક એટલે હોઇચોઇ અનલિમિટેડ. વાત સાચી છે કે ખોટી તે 12 ઑક્ટોબરે ફિલ્મ રિલિઝ થશે ત્યારે ખબર પડી જશે, પણ રૉયે પોતાના ટ્વીટર પર પાકિસ્તાની ફિલ્મની રિમેકની વાત કરી તે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દીપક અધિકારીને ના ગમી. દીપક અધિકારી વળી આ ફિલ્મના હીરો પણ છે. દીપકને વર્તમાન સમયે બંગાળી ફિલ્મોના સુપરસ્ટાર માનવામાં આવે છે. તે અહમ્ કરતાંય પોતે નેતા છે તે અહંકાર તેમનામાં છલોછલ ભર્યો હોય તેમ લાગે છે, કેમ કે તેમની પ્રોડક્શન કંપનીએ પત્રકાર સામે પોલીસ ફરિયાદ કરી દીધી છે.
ઇન્દ્રનીલ રૉય પર આઇટી એક્ટની કલમો લગાવાઇ છે, આ ઉપરાંત પોતાના નિવેદનો દ્વારા સુલેહ શાંતિનો ભંગ કરવાની આઇપીસીની કલમો પણ લગાવાઇ છે.

વાત માત્ર એટલી જ છે કે એક પત્રકારે એક ફિલ્મ વિશે લખ્યું. પત્રકારે લખ્યું કે વિકિપિડિયાની માહિતી પ્રમાણે આ ફિલ્મ ભારતમાં બંગાળીમાં પણ બની રહી છે. તેમણે વિકિપિડિયાનો સ્ક્રીન શોટ પણ લીધો હતો અને પોતાના એકાઉન્ટમાં મૂક્યો હતો. ગત 13 તારીખની આ વાત છે. તેમણે આ મેસેજ મૂક્યો અને થોડી મસ્તી પણ કરી કે આશા રાખીએ કે બંગાળી ફિલ્મમેકરે રિમેક માટેના રાઇટ્સ લીધા હશે (બારોબાર ઉઠાંતરી ના કરી હોય). બીજા દિવસે તેમના ઘરે પોલીસ આવી ગઈ. તેમને જાણ કરાઇ કે તમારી વિરુદ્ધ બંગાળી ફિલ્મ હોઇચોઇ અનલિમિટેડ વિશે ખોટી વાતો ફેલાવવાનો કેસ થયો છે. તેમના પર એવો પણ આરોપ મૂકાયો કે તેમણે જ વાઇકિપિડિયાના પેજમાં મસ્તી કરી હતી. તેમણે જ પેજમાં ભારતમાં રિમકેની વાત લખી, પછી તેનો સ્ક્રીન શોટ લીધો અને પછી તેને પોસ્ટ કર્યો.
ઇન્દ્રનીલ રૉય ભડક્યો. બે કારણસર. એક તો ફિલ્મો વિશે આવી સામાન્ય ટીપ્પણ કરવાને કારણે કોઈ કેસ કરે તેવી તેમને કલ્પના નહોતી. બીજો આક્ષેપ વધારે ગંભીર હતો – વિકિપિડિયાના પેજમાં ફેરફાર કરવાનો. આઇટીની કલમ નીચે કોઈના પેજમાં, વેબસાઇટમાં, એકાઉન્ટમાં ફેરફાર કરવો ગુનો બને છે. ઇન્દ્રનીલ રૉયે હવે થોડા ખાંખાખોળા કર્યા અને શોધી કાઢ્યું કે હકીકતમાં કોઈ અન્ય આઇપી એડ્રેસ પરથી વિકિપિડિયાના પેજમાં ફેરફારો કરાયા હતા. તેમણે આ હકીકતને પણ નોંધી લીધી. તેના પણ સ્ક્રીન શોટ લીધા અને પોતાના એકાઉન્ટમાં મૂક્યા. (દરમિયાન ફરીથી વાઇકિપિડિયાના પેજને સાફ કરી નખાયું છે અને તેમાં હવે ભારતમાં ફિલ્મની રિમેકનો કોઇ ઉલ્લેખ મળતો નથી.)
ઇન્દ્રનીલ સામે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ફિલ્મના હિરો દીપકે હિરોગીરી કરવાની કોશિશ કરી, ઉપરાંત પોતાના સોશ્યલ મીડિયાના ડાઘિયા કૂતરાઓને પણ છુટ્ટા છોડી મુક્યા હતાં. આ ડાઘિયાઓએ ઇન્દ્રનીલ રૉયના એકાઉન્ટમાં આવીને તેને ભાંડવાનું પણ શરૂ કર્યું હતું. જોકે રૉયે જેવું કયા આઇપી એડ્રેસ પરથી પેજમાં ગરબડ થઈ હતી તેની માહિતી મૂકી તે પછી આ ડાધિયા કૂતરાઓ પૂંછડી દબાવીને નાસી ગયા છે.

ઇન્દ્રનીલ રૉયે સમગ્ર કિસ્સો પોતાના ફેસબૂકમાં મૂકીને દેશભરના પત્રકાર મિત્રોનો સહકાર માગ્યો છે. એક નાનકડી વાત લખવાને કારણે ફિલ્મી હિરો અને અસલી દુનિયાનો નેતા સીધો પોલીસ કરે અને પોતાની સોશ્યલ ટીમના ડાઘિયાઓને બદનામી કરવા માટે, ટ્રોલ કરવા માટે છુટ્ટા મૂકી દે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારતમાં મોટા રાજકીય પક્ષો સોશ્યલ મીડિયાની વિશાળ ટીમ રાખતા થયા છે. તેઓ સતત પત્રકારોના એકાઉન્ટ ચકાસ્યા કરે છે. વિરોધમાં લખનારાને હેરાન કરવાનું કામ કરે છે. લોકતંત્ર માટે, પ્રેસની સ્વતંત્રતા માટે અને નાગરિકોના હિત સામે આ વૃતિનો મોટો ખતરો ઊભો થયો છે. પણ અત્યાર આ મુદ્દામાં એક પાકિસ્તાની ફિલ્મની વાત આવી છે એટલે વધારે વાત નહિ કરી શકાય, કેમ કે પાકિસ્તાન શબ્દ બોલવો એટલે દુશ્મનનું નામ લેવું.

કદાચ એટલા માટે જ સાંસદ અને હીરો દીપક અધિકારીએ વધારે પડતું રિએક્શન આપ્યું છે. તેમની ફિલ્મ પાકિસ્તાની ફિલ્મની રિમેક છે એવી જાણકારી તેમને અને તેમના પક્ષને બંગાળમાં રાજકીય રીતે નડી શકે તેમ છે.
બીજી બાજુ પત્રકારે એ ખુલાસો નથી કર્યો કે તેમણે સહજ રીતે પાકિસ્તાની ફિલ્મનું વિકિપિડિયા પેજ જોયું હતું કે કોઈએ તેમનું ધ્યાન દોર્યું હતું. બીજું ભારતીય રિમેકની માહિતી ઉમેરાઇ ત્યારે તે ઉમેરનાર વ્યક્તિ તરીકે નામ ઇન્દ્રનીલનું ખોટી રીતે લખી દેવાયું હતું. ઇન્દ્રનીલનું નામ બાદમાં ઉમેરાયું હતું કે પ્રથમવાર ફેરફાર થયો ત્યારે ઉમેરાયું હતું. (કયા આઇપી એડ્રેસ પરથી પોતાનું નામ ઉમેરાયું તે રૉયે શોધી કાઢ્યું છે.) આવા સવાલો પણ ઊભા થશે. હવે પોલીસે કેસ કર્યો જ છે, ત્યારે આવા ફેરફારો શા માટે થયા અને કરનારાના મૂળ ક્યાં નીકળે છે તે પણ શોધી કાઢવામાં આવે તે જરૂરી છે. જેથી આ કોઈ વ્યક્તિગત વૈમન્સયનો કિસ્સો ના બની રહે અને ભવિષ્યમાં આ રીતે કોઈ પત્રકારને હેરાન કરવાની કોઈ કોશિશ કરે ત્યારે તેનો સામનો કેવી રીતે કરવો તેનો ખ્યાલ પણ પડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]