ગત શુક્રવારે એક નાનકડી પણ મહત્ત્વની ઘટના બની. શુક્રવારે ચીન સાથે ફાઇબર ઓપ્ટિકની કડી જોડી દેવાઈ. ચીન નેપાળમાં રસ લઇ રહ્યું છે અને નેપાળને ફ્યુઅલ પણ સપ્લાય કરે છે. ભવિષ્યમાં નેપાળ સુધી ટ્રેન લંબાવવાની પણ ચીનની ગણતરી છે. ચીની ટ્રેન નેપાળના સ્ટેશને આવી પહોંચશે તે હવે કલ્પના નથી લાગતી, કેમ કે નેપાળ સાથે ઓપ્ટિકલ ફાઇબર લિન્ક હિમાલય વીંધીને ચીને જોડી દીધી છે.પાડોશી દેશો સાથેના સંબંધોમાં ભારત હંમેશાં દુવિધામાં રહે છે. મોટાભા તરીકે ભારત ઘણુંબધું જતું કરવાની ભાવના રાખે તેવી અપેક્ષા હોય, પણ સ્થાનિક ધોરણે રાજકીય હવામાન બદલાઇ ત્યારે આ મોટાભાની લાગણીને દખલગીરી પણ ગણવામાં આવે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધોની વાત જુદી છે શ્રીલંકા અને માલદીવ સાથે વળી અલગ પ્રકારના સંબંધો, પણ નેપાળ અને ભૂતાન સાછે ભારતના વિશેષ સંબંધો રહ્યાં છે.
એક માત્ર હિન્દુ રાજાશાહી નેપાળમાં હતી તે ખતમ થઈ પછી નેપાળ સાથેના ભારતના સંબંધોમાં ચડાવઉતાર આવતાં રહ્યાં છે. ભારતમાં બે રાજ્યોમાં ડાબેરી પક્ષોનું જોર છે, જ્યારે સમગ્ર નેપાળમાં ડાબેરી પક્ષો મહત્ત્વના રહ્યાં છે. સામ્યવાદી વિચારધારાની વાત આવે અને ચીન સાથેના સંબંધો જોડાઇ જાય ત્યારે ભારત માટે સોખમણ થાય છે. નેપાળમાં હાલમાં જ ફરી ચૂંટણી થઈ છે અને તેમાં ડાબેરી પક્ષોને બહુમતી મળી છે.
નેપાળના કમ્યુનિકેશન મિનિસ્ટર મોહન બહાદુર બેસનેટ અને ચીનના રાજદૂત યુ હોન્ગે કાઠમંડુમાં એક કાર્યક્રમ યોજીને સત્તાવાર રીતે ઓપ્ટિક ફાઇબરની લિન્કને સ્વીચ ઓન કરી દીધી. અત્યાર સુધી દુનિયા સાથે ઇન્ટરનેટથી જોડાવા માટે નેપાળનો આધાર ભારત પર હતો. ભારતની સરહદેથી ચીન સાથેની ઓપ્ટિક લાઇનો જોડાયેલી છે અને તેના દ્વારા નેપાળમાં ઇન્ટરનેટ ચાલતું હતું. તે મોનોપોલી હવે ખતમ થઇ ગઇ છે. નેપાળ સાથેની સરહદે વિરાટનગર, ભૈરાહવા ને વીરગંજથી નેપાળ સાથે લાઇનો જોડાયેલી હતી. બીએસએનએલ દ્વારા નેપાળને આ સુવિધા આપવામાં આવતી હતી. સાથોસાથે નેટની ડિમાન્ડ વધી તે પછી ટાટા અને એરટેલ જેવી ખાનગી કંપનીઓ પણ નેપાળને નેટ કનેક્ટિવીટી આપતી હતી. હવે ચીની કંપનીઓ નેપાળના માર્કેટને કબજે કરી લેશે.
નેપાળમાં સરકારી નેપાળ ટેલિકોમ દેશમાં ટેલિફોન અને નેટની સુવિધા આપે છે. દુનિયા સાથે ઇન્ટરનેટથી જોડાવા માટે હવે ભારતીય કંપનીઓના ભરોસે નેપાળે રહેવું પડશે નહીં. ચાઇના ટેલિકોમ ગ્લોબલ લિમિટેડ નામની કંપની સાથે કરાર કરીને ઓપ્ટિકલ ફાઇબરના દોરડા ચીનથી ખેંચવામાં આવ્યા છે. ડિસેમ્બર 2016માં ચીની કંપની સાથે કરાર થયા અને એક વર્ષમાં કડી જોડી દેવામાં આવી. સ્વાભાવિક છે કે ચીનની સરકારને પણ રસ હોય. તેથી હિમાલયના પહાડોમાં થઇને ઝડપથી લાઇન રાસુવા નામના સ્થળે પહોંચાડી દેવાઇ છે. રાસુવા કાઠમંડુથી 175 કિમી દૂર ચીન સરહદ નજીક છે.
ચાઇના ટેલિકોમ ગ્લોબલ હોંગકોંગ સ્થિત ખાનગી કંપની છે, પણ ચીન સરકાર પોતાનું હિત હોય ત્યારે આવી પળોજણમાં પડતી નથી. અત્યારે જોકે બહુ મર્યાદિત જીબીની ક્ષમતા સાથેની લાઇન જોડી દેવાઇ છે, પણ ભવિષ્યમાં વધુ કનેક્ટિવિટી આવશે તેમાં શંકા નથી. ભારતમાંથી નેપાળ જતી લાઇનોની ક્ષમતા 25 જીબીપીએસની છે. ચીની લિન્ક અત્યારે માત્ર દોઢ જીબીપીએસી છે, પણ ભારતની મોનોપોલી હવે રહી નથી તે અગત્યનું છે. નેપાળ સાથેના સંબંધો ચીન કેવી રીતે વધારી રહ્યું છે તેનો આ નાનકડો નમૂનો છે. ચીની એમ્બેસેડરે આ પ્રસંગે યાદ પણ કરાવ્યું કે નેપાળમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશ ચીન છે. નેપાળમાં પ્રવાસીઓ તરીકે પણ મોટી સંખ્યામાં ચીનાઓ આવે છે. નેપાળની ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પણ માત્ર ભારતના ભરોસે ન રહે તે દિવસો દૂર નથી. ચીનથી સીધા નેપાળ ટ્રેન દ્વારા જઇ શકાશે. આ પ્રસંગે નેપાળ ટેલિકોમના જીએમે ખાસ ઉલ્લેખ પણ કર્યો કે નેપાળની ઇન્ટરનેટ માટેની ભારત પરની નિર્ભરતા આજથી ખતમ થાય છે અને અમે અમારા બિઝનેસને ડાવર્સિફાઇ કરી શક્યાં છીએ.
નેપાળમાં એક તરફ ઉત્તુંગ હિમાલય છે અને ત્રણ તરફ ભારત છે. ભારત દુનિયા સાથે જોડનારી કડી છે, પણ ચીન તે તોડી નાખવામાં માગે છે. ઓગસ્ટ 2016માં ભારત અને નેપાળની સરહદે ગરબડો થઈ હતી. તે વખતે ભારત અને નેપાળ વચ્ચે પરિવહન અને માલસામાનની આવનજાવન પર અસર થઈ હતી. ભારત સરકારે તેને ગંભીરતાથી ના લીધી અને નેપાળને ફરજ પડી કે તે માત્ર ભારતના ભરોસે ન રહેવાય તેવા પગલાં લે. ઓગસ્ટ 2016માં ભારત સરહદે પુરવઠો ઠપ થઇ ગયો ત્યારે ચીને મોકો જોઈને ફ્યુઅલ સહિતની સામગ્રી નેપાળ પહોંચે તેવું કર્યું હતું. વક્રતા એ છે કે નેપાળમાં ઇન્ટરનેટ શરુ કરવામાં ભારતે મદદ કરી હતી.
મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને નેપાળની રોયલ નેપાળ એકેડેમી ઓફ સાયન્સ અને ટેક્નોલોજી વચ્ચે સહયોગમાં 1993માં નેપાળમાં ઇન્ટરનેટની લિન્ક સ્થાપિત કરાઇ હતી. મુંબઈ સાથે સેટેલાઇટના માધ્યમથી લિન્ક સ્થાપિત થઇ હતી અને ચારેક વર્ષ બાદ ભારતમાંથી ઓપ્ટિક ફાઇબરના દોરડાં નેપાળ પહોંચાડી દેવાયા જેથી સામાન્ય નાગરિકને પણ નેટનો લાભ મળે.
નેપાળમાં પણ લોકો સ્માર્ટ ફોન વાપરતા થઈ ગયાં છે. ભારતની ટેલિકોમ કંપનીઓ માટે બિઝનેસની પણ બહુ મોટી તક હતી, પણ ભારત સરકારની નીતિઓના કારણે નેપાળમાં કામ કરવું ભારતીય કંપનીઓ માટે મુશ્કેલ બને છે. ચાઇનીઝ ટેલિકોમ કંપનીઓ ભવિષ્યમાં નેટનું માર્કેટ કબજે કરે અને તે સાથે ઇ-કોમર્સ સહિતની માર્કેટ પણ જાયન્ટ ચીની કંપનીઓના હાથમાં જાય તો નવાઇ ના લાગવી જોઈએ. માત્ર બિઝનેસની વાત હોય ત્યાં સુધી ઠીક છે. હરીફાઈનો જમાનો છે અને ભારતીય કંપનીઓએ પોતાની રીતે સ્પર્ધા કરવી જોઈએ, પણ નેપાળ અને ચીન વચ્ચે ગાઢ થઈ રહેલા સંબંધો ભારત માટે સાવચેતી દાખવવા જેવા છે. બૂલેટ ટ્રેનનો એક છેડો ચીન તીબેટના મુશ્કેલ પહાડી વિસ્તારોમાં પહોંચાડ્યો છે. નેપાળ સુધી ટ્રેન પહોંચાડવાની વાત હવામાં નથી. નેપાળ સાથે ચીન ટ્રેન માર્ગે પણ જોડાઇ જાય તે સ્થિતિ સુધી વાત પહોંચે તે પહેલાં ભારતે નેપાળ નીતિ વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.