ન્યાયતંત્ર, અખબારીજગત, ફિલ્મ અને રાજકારણનો ચોકો

ભારતનું અખબારીજગત હોવું જોઈએ તે રીતે વાંકદેખું છે, પણ એક પર હંમેશા ભરોસો મૂકતું આવ્યું છે. એ છે ન્યાયતંત્ર. નાગરિકોને પણ મહદ અંશે વિશ્વાસ છે, પણ એક વાર કોર્ટનું પગથિયું ચડે પછી જે અનુભવો થાય તેના કારણે થોડી હતાશા આવે છે. આવી હતાશા વચ્ચે નાગરિકોને દોરવણી આપવાનું કામ આધુનિક યુગમાં મીડિયા કરી શકે છે તે પણ સૌ સ્વીકારે છે. ન્યાયતંત્ર પણ. એથી જ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોને લાગ્યું કે તેમને ન્યાયના મંદિરમાં અન્યાય થઈ રહ્યો છે ત્યારે ન્યાય માગવા માટેનું ધામ અખબારીજગત છે. ચાર ન્યાયાધીશોએ પત્રકારોને બોલાવીને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી અને પોતાને અન્યાયકર્તા એવી સિસ્ટમ વિશે વાત કરી હતી.

દરમિયાન ભારતમાં ફિલ્મોના મામલે વિવાદો વધ્યા છે. વિવાદ દ્વારા ફિલ્મને પબ્લિસિટીની ચાલ હોય છે, પણ કેટલાક વિવાદ કાબૂ બહાર જતા રહે છે. ફિલ્મ પર નેતાઓ પ્રતિબંધ મૂકવા લાગ્યા ત્યારે નિર્માતાઓ અદાલતમાં દોડ્યા છે. આ તરફ કેટલાક મીડિયાએ આ મુદ્દે પોતાનું વલણ બદલીને પ્રતિબંધો મૂકનારી સરકારોની ભારે ટીકા કરી છે. આવા પ્રતિબંધો ના ચાલે તેવી કાગારોળ પત્રકારો મચાવે. આ જ સમયગાળામાં વળી ભારતમાં મીડિયાને પણ પ્રતિબંધનો અનુભવ થવા લાગ્યો છે. અમુક ચેનલ સાથે અમે વાત નહી કરીએ તેમ નેતાઓ કહેવા લાગ્યા. તેનો અમલ પણ કરવા લાગ્યા.

હવે મીડિયાનો જ બહિષ્કાર થાય તો પત્રકારો કામ કઈ રીતે કરે? એટલે આખરી સ્પર્ધા હોવા છતાં ચેનલોના બધા પત્રકારોએ ભેગા થઈને નક્કી કર્યું કે કોઈ એકાદ ચેનલનો બહિષ્કાર નેતાનો જ બહિષ્કાર કરવામાં આવશે. જે તે ચેનલની રીતિ અયોગ્ય લાગતી હોય તો પણ નેતાઓ બહિષ્કાર કરવાની વાત કરે ત્યારે પત્રકારોએ પોતાની સ્પર્ધા ભૂલીને એક થવું પડે.

ભારતની આ સ્થિતિને મળતી આવતી સ્થિતિ અમેરિકામાં પણ ઊભી થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડતા હતા ત્યારે જ કેટલાક મીડિયા સાથે બાખડી પડ્યા હતા. પ્રમુખ બન્યા પછી તેમણે વલણ બદલ્યું નથી અને અમુકતમુક મીડિયા હાઉસનો બહિષ્કાર કરવાની રીત અપનાવતા રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પની આવી નીતિ સામે અમેરિકામાં સૌથી વધુ વિરોધ કલાકારોએ અને ફિલ્મજગતે કર્યો છે. આવી જ વધુ એક ફિલ્મ અત્યારે આવી છે જે સત્તાધીશો અને પત્રકારો વચ્ચેના સંઘર્ષને દર્શાવી રહી છે. જાણકારો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતા પોપ્યુલર વોટ્સથી જીતીને આવે ત્યારે મીડિયા કે કલાજગત સામે ઊભી થનારી સ્થિતિનો સામનો કરવા માટે અને એક મેસેજ આપવા માટે જ આ ફિલ્મ બની છે.

આ રીતે ફરી એક વાર, દુનિયામાં અન્યત્ર પણ, હાલના સમયમાં ન્યાયતંત્ર, અખબારીજગત, ફિલ્મ અને રાજકારણ એક બીજા સામે અટવાયા હોય તેવું બન્યું છે. મધ્ય યુગમાંથી દુનિયા બહાર આવી છે અને શાસન પ્રણાલી બદલાઇ છે. અપવાદોને બાદ કરતાં જગતમાં વ્યાપકપણે લોકતંત્ર કામ કરતા થયા છે. આ એક જુદી શાસન પ્રણાલી છે અને હજીય મધ્ય યુગના કેફમાં જીવતા કેટલાક જૂથોને ફાવતું નથી. આવા જૂથો લોકતંત્રમાં કોરાણે થઈ જવા જોઈએ, પણ એવું થતું નથી. લોકતંત્રની ખાસિયત જ એ છે. તેમાં એક બીજાના હરિફોને એક સાથે સર્વાઇવ થવાનો અને સંઘર્ષ કરવાનો મોકો મળે છે.

પણ આ સંઘર્ષમાં હારજીત સુધી વાત બરાબર છે, કોઈ એકને ખતમ કરી, અન્ય સર્વેસર્વા થાય તેવું યોગ્ય છે ખરું? ધ પોસ્ટ નામની ફિલ્મ સ્ટિવન સ્પીલબર્ગની છે. સ્પીલબર્ગ ડાયનોસોરની ફિલ્મોને કારણે વધારે જાણીતા છે. બોક્સ ઓફિસ પર ચાલે તેવી થ્રીલર ફિલ્મો તેઓ બનાવે છે. પણ તેમણે વર્તમાન યુગના વૈચારિક પ્રવાહો વિશે પણ ફિલ્મો બનાવી છે. ધ પોસ્ટ પણ એ જ તરાહની ફિલ્મ છે.

મીડિયાને ધિક્કારતા હોય તેવા ટ્રમ્પ કંઇ પહેલાં અમેરિકન પ્રમુખ નથી. રિચર્ડ નિક્સને પણ પત્રકારો ગમતા નહોતા અને વ્હાઇટ હાઉસમાં તેમને આવતા અટકાવવા તેમણે કોશિશો કરેલી. એ જ નિક્સનના શાસન વખતે વિયેટનામ વોર વિશેના જૂઠાણાં ન્યૂ યોર્ક ટાઇસ્મ અને વોશિંગ્ટન પોસ્ટે ખુલ્લા પાડેલા. સ્પિલબર્ગે શાસકો અને પત્રકારો વચ્ચેના સંઘર્ષને કલાત્મક રીતે પોતાની ફિલ્મમાં વણી લીધા છે. આ ફિલ્મને સંખ્યાબંધ એવોર્ડ મળશે એવું પણ લાગે છે, કેમ કે જેમણે પણ જોઈ છે તેમણે ફિલ્મને બહુ વખાણી છે.

અખબારના પાના અને તેના પર લખાતા શબ્દો, ચેનલો અને તેના સ્ક્રીન પર દેખાડતા સમાચારોની પોતાની એક મર્યાદા પણ છે. અખબારી ધર્મ પ્રમાણે બંને બાજુની, વિરોધી પક્ષકારોની વાત એક સાથે મૂકવાની હોય છે. તેના કારણે નાગરિક ક્યારેક ગૂંચવાતો પણ હોય છે. તેથી જ બહુ મોટી ઘટના વિશે મીડિયામાં સંખ્યાબંધ અહેવાલો પછી એકાદ ફિલ્મ બનતી હોય છે. ફિલ્મ આખી વાતને અલગ અંદાજથી અને ક્યારેક વધારે ક્લેરિટી સાથે મૂકી શકતી હોય છે. ક્રાઇમની કોઇ ઘટના (જેમ કે આરુષી હત્યા અને તેના પરથી બનેલી ફિલ્મ)થી માંડીને કટોકટી જેવી ઘટના (ફિલ્મ કિસ્સા કુર્સી કા) અખબારોમાં ચગતી રહે અને તેના પરથી ફિલ્મો બનતી રહે.

આવી ફિલ્મ બને એટલે સત્તાધીશો તેના પર પ્રતિબંધની વાત કરે. મામલો અદાલતમાં જાય, કેમ કે અદાલત પર લોકતંત્રમાં ભરોસો હોય છે અને હોવો જોઈએ. અદાલત પણ પુરાવાના અભાવે કેટલીક વાર ન્યાય ના તોળે ત્યારે અખબારે સાચી વાત કરવી પડે કે કોઈ સર્જકે ફિલ્મ બનાવવી પડે. ન્યાયતંત્રમાં પણ સમસ્યા ઊભી થાય ત્યારે તેણે ક્યાં જવાનું? અખબારીજગતના ચોકમાં. ન્યાયતંત્ર અને અદાલત આમનેસામને આવી જાય ત્યારે શું થાય? એક ઉત્તમ ફિલ્મની પટકથા તૈયાર થાય. ભારત અને અમેરિકા, ન્યાયતંત્ર અને અખબાર, અખબાર અને ફિલ્મ, ફિલ્મ અને શાસકો – સ્પીલબર્ગની ધ પોસ્ટ ફિલ્મ અત્યારે એટલે જ અમેરિકામાં ખાસ્સી ચર્ચામાં છે. પોતાના વિશે બનેલી અને વખણાયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે તો અમેરિકન અખબારો એ વાત પણ વિગતે લખશે!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]