સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એકથી વધારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચાલે છે. તેની પાછળનો ઉદ્દેશ સ્વાભાવિક રીતે જ વિશ્વમાં સહયોગ માટેનો છે, પણ તેમાં પ્રભુત્વ પશ્ચિમની દુનિયાનું રહ્યું છે. યુરોપમાં બે વિશ્વ યુદ્ધો નજીક નજીકના દાયકામાં લડાયાં તેનો માર વ્હાઇટ પ્રજાને વાગ્યો છે. બીજીબાજુ બીજું વિશ્વ યુદ્ધ પત્યું અને 1950નો દાયકો વીત્યો ત્યાં સુધીમાં સામ્રાજ્યો વિખેરાવા લાગ્યાં હતાં. તેનો પણ ફટકો પડ્યો હતો.અમેરિકાની ધરતીથી દૂર વિશ્વ યુદ્ધો થયાં, પણ તેમાં અમેરિકાની ચાવીરૂપ ભૂમિકા રહી હતી. વૈશ્વિક શાંતિની ચિંતા થાય તેવી સ્થિતિ હતી, પણ વધારે ચિંતા આ સત્તાઓને હતી. તેથી જ વૈશ્વિક શાંતિના બહાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય કરારો, આંતરરાષ્ટ્રીય કાનૂનો બને છે. ઇન્ટરનેશનલ પીસ ફોર્સ પણ તૈયાર થાય છે અને તેમાં ભારતીય સૈનિકોની અગત્યની ભૂમિકા રહેતી હોય છે. આડ વાત એ છે કે યુરોપની ભૂમિ પર લડાયેલા વિશ્વ યુદ્ધમાં પણ ભારતીય સૈનિકોની અગત્યની ભૂમિકા હતી અને વારાસણીના યાદવો ગોળીઓ ખૂટી પડેલી ત્યારે બેયોનેટથી દુશ્મનો પર તૂટી પડ્યાં હતાં.
કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સ્ટેબલ લોકશાહી તરીકે ભારતે સ્થાન જમાવ્યું છે તેનું આ પ્રતીક છે. આ પ્રતીક દ્રઢ બન્યું છે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ. ભારતના પ્રતિનિધિ દલવીર ભંડારી ફરી એકવાર ચૂંટાઇ આવ્યાં. આ વખતની જીત વધારે અગત્યની એટલા માટે છે કે સામે યુનાઇટેડ કિંગડમના ઉમેદવાર હતાં. તેમને ભારતના પ્રતિનિધિ સામે હારી જવાનો ડર હતો એટલે ઉમેદવારી પાછી ખેંચી લીધી અને ભારતના ભંડારી ફરી એકવાર જીતી ગયાં.70 દાયકા પછી પહેલીવાર એવું બન્યું કે બ્રિટને વૈશ્વિક તખ્તા પર પોતાની બેઠક ગુમાવી. આમ પણ અમેરિકાના ઉદય સાથે બ્રિટનનો દબદબો પૂરો થઈ ગયો હતો. સમગ્ર જગત પર શાસન કરનારા અંગ્રેજો અમેરિકાના અંગ્રેજો સામે ખંડિયા જેવા થઈ ગયાં છે. ભારતે ધીરે ધીરે જગતના તખતા પર પોતાની ઓળખ ઊભી કરવાનું શરૂ કર્યું છે. તેમાં આ બેઠક પણ એક નાનકડો હિસ્સો છે. ફરી એક વાર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતીય પ્રતિનિધિ બેસે તેની પાછળ બીજા પણ ઇન્ડિકેશન છે. એક મહત્ત્વનું ઇન્ડિકેશન એ કે આ બેઠક જીતવા માટે યુકેને સિક્યુરિટી કાઉન્સિલમાં બહુમતી મેળવવી પડે તેમ હતી. યુકેને લાગ્યું કે તેને સિક્યુરિટી કાઉન્સિલમાં ટેકો મળશે નહીં.
યુકેની કોશિશ એવી પણ હતી કે વોટિંગ જ ના થાય અને વિના અવરોધે તેના પ્રતિનિધિનું સ્થાન જળવાઈ રહે, પણ એવું થઈ શક્યું નહીં. 70 વર્ષ પછી પહેલીવાર જગતની આ સંયુક્ત અદાલતમાં બ્રિટનના કોઈ પ્રતિનિધિ નહીં હોય. સિક્યુરિટી કાઉન્સિલ ઉપરાંત જનરલ એસેમ્બલી એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં પણ વોટિંગ થતું હોય છે. ભારતે અહીં જ અંગ્રેજોને માત આપી. 11 રાઉન્ડમાં વોટિંગ થયું હતું અને ભારતમાં તેમાં જીત્યું. સિક્યુરિટી કાઉન્સિલમાં જોકે યુકે જીત્યું હતું, પણ તે પૂરતું ન હતું. તેથી 12માં રાઉન્ડનું વોટિંગ શરૂ થવાનું હતું તે પહેલાં જ બ્રિટને હાર કબૂલી લીધી. 193માંથી 183 મતો જસ્ટિસ ભંડારીને મળ્યાં. બ્રિટન હટી ગયું એટલે 12 રાઉન્ડમાં ભારતને સિક્યુરિટી કાઉન્સિલમાં પણ બધા જ 15 મતો મળી ગયાં. પહેલીવાર એવું થયું કે સિટિંગ જજને જવું પડ્યું. એટલું જ નહીં પ્રથમવાર એવું થયું કે સિક્યુરિટી કાઉન્સિલના સ્થાયી સભ્ય રાષ્ટ્રનો પોતાનો જજ આંતરરાષ્ટ્રીય અદાલતમાં નહીં હોય.યુએનમાં સૌથી અગત્યની સંસ્થા સિક્યુરિટી કાઉન્સિલ છે. તેમાં કાયમી સભ્યોને વીટો પાવર પણ છે અને તેના કારણે અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ અને ચીન પાસે રીયલ પાવર છે. ભારતને અફસોસ રહી ગયો છે કે કાયમી સભ્યોમાં તેને સ્થાન મળતું નથી. અન્ય દસ સભ્યો કાયમી નથી અને બદલાતા રહે છે, પણ અસલી મોભો કાયમી સભ્યપદનો છે.
જગતની મહાસત્તા મનાતા ઇંગ્લેન્ડનું મહત્ત્વ ઘટ્યું છે. તેની સામે ચીન અને ભારતની તાકાત વધી છે. બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશો પણ આગળ વધી રહ્યાં છે, પણ ભાવિ મહાસત્તાઓ તરીકે બે નામો જ સૌથી વધારે જગતમાં ચર્ચાસ્પદ છે. તે છે ચીન અને ભારત. આ બંને દેશો આર્થિક રીતે પણ આગળ નીકળી રહ્યાં છે. વિશાળ વસતિ અને વિશાળ માર્કેટને કારણે તેમનું મહત્ત્વ વધ્યું છે ત્યારે બંનેની મહત્ત્વાકાંક્ષા પણ વધી હોય. જોકે જગતની તાકાત ભારત અને ચીનને આમનેસામને વ્યસ્ત રાખીને બંનેમાંથી એકેય મહાસત્તા ના બને તેવા ખેલ કરી રહી છે.
આવા ખેલ વચ્ચે ભારત અને ચીન પોતપોતાની રીતે કામ કરી રહ્યાં છે. ચીન જરા ગાજીને હાજરી પુરાવે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કબજો જમાવી રહ્યું છે. આફ્રિકાના દેશોમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે. ભારત યુએનની જુદી જુદી સંસ્થાઓમાં દબદબો ધરાવે છે. પીસ કીપિંગ ફોર્સમાં ભારતની ભૂમિકા અગત્યની રહી છે. એ જ રીતે યુનેસ્કો હોય કે અન્ય સંસ્થા ભારતીયોની હાજરી દેખાતી હોય છે. આ જ ક્રમમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જસ્ટિસ ભંડારી ફરી જીત્યાં તેના દ્વારા ફરી એકવાર ભારતે જગતના તખતા પર હાજરી મજબૂત કરી છે.