ભારતના ભૂતકાળની યાદઃ જર્મનીમાં ગઠબંધન સરકારોની ગડમથલ

ર્મનીમાં દેશના વડાનો હોદ્દો ચાન્સેલર નામે ઓળખાય છે. જર્મનીના ચાન્સેલર એટલે અન્ગેલા મેરકલ. અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે એન્જલા મરકલ વાંચવાનું સહજ લાગે, પણ જર્મનમાં અન્ગેલા મેરકલ એવો ઉચ્ચાર છે. અન્ગેલા મજબૂત નેતા મનાય છે, પણ હાલમાં મુશ્કેલીમાં મૂકાયાં છે. બહુમતી સાબિત કરીને ફરી સરકારની રચના કરવાની છે અને તેના માટે ગઠબંધનો કરવાના છે. ભારતમાં આપણે આ વાત સહેલાઇથી સમજી શકીએ તેમ છીએ – કેવી રીતે ગઠબંધનો થાય અને તેને જાળવવા માટે કેવી મથામણો કરવી પડે. વર્તમાન મોદી સરકાર પણ ગઠબંધન સરકાર છે. એનડીએની સરકાર છે, પણ સ્થિર છે, કેમ કે ભાજપની પોતાની બહુમતી છે.કોઈ એક જ પક્ષની બહુમતી ના હોય અને સાથી પક્ષો લગભગ સરખેસરખી સ્થિતિમાં હોય ત્યારે ગઠબંધનો ટકતાં નથી. બિહારમાં આરજેડીના 80 અને જેડી(યુ)ના 78 સભ્યો હતાં. બંને સરખેસરખા. તેમની ગઠબંધન સરકાર તૂટી પડી. તે માટે કારણો જુદાં હતાં, પણ સંખ્યાના કારણે સત્તાનું બાર્ગેનિંગ કરવાની તાકાત મળે ત્યારે સોદાબાજીમાં ગઠબંધન મુશ્કેલી કરતું હોય છે.

જર્મનીમાં શું સ્થિતિ છે તે જોઈએ તો સરકારની રચના પહેલાં કેવી સોદાબાજી થાય તેનો અણસાર મળે છે. વાજયેપીની પ્રથમ સરકાર માત્ર 13 દિવસ, બીજી સરકાર 13 મહિના ટકી હતી. તે પછી થોડી વધારે બહુમતી મળી ત્યારે પાંચ વર્ષ પૂરા કરી શકાયાં હતાં. જર્મનીમાં પણ કૈંક એવું જ થઈ રહ્યું છે. અન્ગેલા મેરકલની સરકારને ટેકો આપવા માટે કેટલાક પક્ષો તૈયાર થઈ ગયા હતાં, પણ છેલ્લી ઘડીએ ફ્રી ડેમોક્રેટિક પાર્ટી આડી ફાડી. એફડીપીના નેતા ક્રિસ્ટિયાન લિન્ડનોએ કહ્યું કે ગઠબંધન સરકાર માટે જરુરી સમાન બાબતો નથી. અહીં ફરી ભારતની સ્થિતિ યાદ આવશે – ગઠબંધન કરનારા પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ – લઘુતમ સમાન કાર્યક્રમની વાત કરતા હોય છે. ખરાબ શાસન કરવું તેના કરતાં કરવું જ નહીં એમ ક્રિસ્ટિયાનનું કહેવું છે.પણ શાસન તો કરવું જ પડે, કોઈએ ને કોઈએ કરવું પડે એટલે ભારતની જેમ જર્મનીમાં તડજોડની સરકાર બની જશે, પણ તેના કારણે અન્ગેલાની સ્થિતિ થોડી નબળી પડી છે. કદાચ ફરી ચૂંટણી પણ કરવી પડે તેવી સ્થિતિ છે. જો રાજકીય પક્ષો ટૂંકા ગાળામાં ફરી ચૂંટણી માટે તૈયાર નહીં થાય તો અન્ગેલાની લઘુમતી સરકાર બની શકે છે. લઘુમતી સરકારનો અર્થ એ કે સૌથી મોટો પક્ષ શાસન કરે, પણ તેણે કોઈ પણ નિર્ણય લેવો હોય, કોઈ કાયદો પસાર કરવો હોય તો બાકીના પક્ષોને મનાવવા પડે. ભારતમાં આડકતરી રીતે લઘુમતી સરકારો ચાલી છે. વી. પી. સિંહની સરકારને ભાજપનો બહારથી ટેકો હતો. ચંદ્રશેખરની સરકારને કોંગ્રેસનો બહારથી ટેકો હતો. એવી જ રીતે અન્ગેલા મેરકલ લઘુમતી સરકાર ચલાવશે કે કેમ તેની થોડા વખતમાં ખબર પડી જશે.

અન્ગેલા બહારથી ટેકાવાળી સરકાર ચલાવવા રાજી થશે કે તેના પર વાત આવીને અટકી છે. આવી સરકાર ચાલે ખરી, પણ લાંબા ગાળે તેની સામે લોકોની નારાજી ઊભી થાય છે. આવી સરકારના વડાની બદનામી થાય છે, કેમ કે ભાગ્યે જ કશું નક્કર કામ થઈ શકે છે. વી. પી. સિંહ અને ચંદ્રશેખરની કેવી હાલત થઈ હતી તે આપણે જાણીએ છીએ. જર્મનીમાં આ સ્થિતિ છે. નરસિંહ રાવની સરકાર 1991થી 1996 પાંચ વર્ષ ચાલી. તે પહેલાં 1989માં વી. પી. સિંહ અને ચંદ્રશેખરની સરકારો આવી અને ગઈ. રાવની સરકાર પછી 1996માં પણ દેવેગોવડા, આઇ. કે. ગુજરાલ અને વાજપેયીની સરકારો આવી અને ગઈ. 1999માં ફરી વાજપેયી સરકાર આવી અને 2004 સુધી, પણ તે નબળા ટેકાની સરકાર હતી.

આવી રીતે ટેકાથી ચાલતી સરકાર નબળી પડે છે અને નાગરિકો એક નવી જ વિચારસરણી માટે તૈયાર થાય છે તેવો અનુભવ યુરોપના ઘણાં દેશોને થયો છે. યુરોપમાં પણ લિબરલ અને કન્ઝર્વેટિવ વચ્ચે કશ્મકશ ચાલતી રહે છે. અન્ગેલા પોતે આટલા વર્ષો ટેકાની સરકાર ચલાવતા રહ્યાં છે, પણ ધીમે ધીમે મજબૂત થવાના બદલે સરકારો નબળી પડતી ગઈ (અન્ગેલા વ્યક્તિગત રીતે વાજપેયીની જેમ મજબૂત નેતા બન્યાં તે અલગ વાત છે) હતી. જાણકારો કહે છે કે જર્મનીમાં પણ એવી જ સ્થિતિ ઊભી થઈ છે. અન્ગેલા મેરકલની સરકારે અગાઉ પણ ટેકો લીધો હતો. એકવાર જમણેરી પાર્ટીનો, એકવાર ડાબેરી પાર્ટીનો પણ ટેકો લીધો હતો. ભારત સાથે સરખામણી કરો, વી. પી. સિંહે ભાજપનો ટેકો લીધો હતો અને મમતા બેનરજીએ પણ ભાજપને ટેકો આપ્યો હતો. માયાવતી સાથે પણ ભાજપ એકવાર બેઠું હતું. લાલુ અને નીતિશ પણ સાથે બેઠાં અને ગુજરાતમાં શંકરસિંહ કોંગ્રેસમાં જઈને બેઠાં હતાં. આ પ્રકારના ગઠબંધનો વધુ તો નાના અને પ્રાદેશિક પક્ષોને નુકસાન કરનારા હોય છે એટલે સમયસર પક્ષો છટકી જતાં હોય છે.અન્ગેલા મેરકલ સાથે પણ એવું થયું છે. આ વખતે નાના પક્ષો પણ તૈયાર થઈ રહ્યાં નથી. ભૂતકાળમાં 2013થી 2017માં ડાબેરી સોશિઅલ ડેમોક્રેટ સાથે ગઠબંધન હતું. આ વખતે તેમના તરફથી મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અન્ગેલાની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટ સાથે વિચારસરણીથી જોડાયેલી (ભાજપ અને શિવસેનાની જેમ) સીએસયુ પાર્ટી બેવરિયા પ્રાંતમાં છે. તેમના તરફથી પણ આ વખતે જવાબ મળી રહ્યો નથી.

ભારતને પ્રારંભના ત્રણ દાયકામાં ગઠબંધન સરકારનો અનુભવ નહોતો. કટોકટી પછી જનતા મોરચો બન્યો અને અનુભવ થયો. અનુભવ સારો ન રહ્યો, કેમ કે અઢી જ વર્ષમાં મોરચો વિખેરાઇ ગયો. વળી એક દાયકો કોંગ્રેસનો વીત્યો અને નેવુંના દાયકામાં ફરી ગઠબંધન સરકારો બની. રાજ્યોમાં જુદા જુદા તબક્કે એંસી અને નેવુંના દાયકામાં મોરચા સરકારો બની. તેનો અનુભવ દરેક વખતે સારો રહ્યો નથી. જોકે કેરળમાં ઘણા દાયકાથી ડાબેરી મોરચો અને લોકતાંત્રિક મોરચો વારાફરતી સત્તા ભોગવતો આવ્યો છે.જાણકારો કહે છે કે ગઠબંધનને કારણે શાસન પર અસર થાય છે. બીજી અસર એ થાય છે કે મૂળ વિચારસરણી છોડીને બે પક્ષો વચ્ચે ગઠબંધન થાય ત્યારે જે તે વિચારસરણી વધારે પ્રબળ બને છે. ભાજપે શિવસેના અને અકાલી દળ સાથે ગઠબંધન કર્યું ત્યાં સુધી ઠીક હતું, પણ માયાવતી સાથે અને મમતા સાથે પણ ગઠબંધનો કર્યાં અને ડાબેરી દ્વારા કોંગ્રેસને ટેકો અપાતો રહ્યો તેના કારણે જમણેરી વિચારસરણી વધારે પ્રબળ બની હતી. આવી જ ચર્ચા અત્યારે જર્મનીમાં થઈ રહી છે. ભૂતકાળમાં વિશ્વ યુદ્ધ પહેલાં જર્મનીમાં ગઠબંધનો સાથેની અસ્થિર સરકારો હતી ત્યારે જમણેરી વિચારધારા પ્રબળ બની હતી. અત્યારે ફરી તે પ્રબળ બને તેવું કેટલાક જાણકારો કહી રહ્યાં છે, કેમ કે અન્ગેલાની સરકાર શરણાર્થીઓને છૂટથી જર્મની આવવા દેવા માગે છે તેનો વિરોધ થઈ રહ્યો છે. શરણાર્થીઓ એટલે મુખ્યત્વે મધ્યપૂર્વના મુસ્લિમ દેશોના નાગરિકો. આતંકવાદનો અનુભવ યુરોપને થવા લાગ્યો છે ત્યારે તેના કારણે ઊભી થયેલી અસલામતીની લાગણી પણ અન્ગેલા મેરકલની સરકારની રચના આડે આવી રહી છે.