(કેતન ત્રિવેદી)
એને અંગ્રેજીમાં તમે કમ્પેશન કહો, એમ્પથી કહો કે પછી ગુજરાતીમાં એને અનુકંપા, કરુણા, દયાભાવ, સહાનુભૂતિ કે પછી હમદર્દી જે કહો તે, પણ દરેક માણસમાં આ લાગણી ક્યાંકને ક્યાંક છૂપાઇને પડી હોય છે. જીવનમાં ક્યારેક એવી સ્થિતિ આવે, જ્યારે ભીતરમાં દબાયેલી આ લાગણી ઇગ્નાઇટ થાય અને પછી એ જ વાત વ્યક્તિ માટે જિંદગીભર એક પેશન બની જાય. એ પેશન કેવી હોય એ જાણવું છે
આવો. હૈદરાબાદથી આશરે પચાસેક કિલોમીટર દૂર નરસાપુર નામનું આ એક નાનકડું શહેર છે. એને શહેર કરતાંય થોડુંક મોટું ગામ કહેવું વધારે યોગ્ય રહેશે. પાછળના ભાગે તળાવ અને વૃક્ષોથી ઘેરાયેલા ટેકરિયાળ એક વિસ્તારમાં જૂના, દેશી ઢબના એકબીજા સાથે જોડાયેલાં પાંચેક મકાન છે. બહુ મોકળાશને જ્યાં સ્થાન નથી એવી જગ્યામાં છ રૂમમાં ચાલીસેક જેટલા કેટલાંક સાજા તો કેટલાક નિઃસહાય અને અશક્ત વૃધ્ધો રહે છે. એમના ગ્લાનિસભર ચહેરા જ ચાડી ખાઇ જાય છે કે એમને ફક્ત સંતાનોએ જ નહીં, સમાજે પણ એમના હાલ પર છોડી દીધાં છે. આમ છતાં, હૈદરાબાદથી ડો. દેવયાનીબહેન ડંગોરિયા એમને મળવા આવે છે ત્યારે એ બધાં એમને જોઇને ખુશખુશાલ ચહેરે બોલી ઉઠે છેઃ અમ્માઆઆઆઆ..!
બસ, એ જ છે દેવયાનીબહેનની પેશન. આ વૃધ્ધોને એમની ઉત્તરાવસ્થામાં કોઇ તકલીફ ન પડે એ રીતે જીવતા જોવા, એમને હસતાં જોવા એમના માટે જીવનનો સૌથી મોટો આનંદ છે. 89 વર્ષી દેવયાનીબહેનના પૈતૃક મૂળ આમ તો ગુજરાતના ખંભાતમાં, પણ એન્જિનિયર પિતા ચંદુલાલ છોટાલાલ અહીંના નિઝામની સર્વિસમાં હતા એટલે આ દેવયાનીબહેનનો જન્મ-ઉછેર પણ આ નિઝામનગરમાં જ થયો. સ્કૂલમાં ગુજરાતી તો ચાર ધોરણ સુધી જ હતું, પછીથી મેડિકલની ડીગ્રી મેળવી ત્યાં સુધી એ અંગ્રેજી માધ્યમમાં જ ભણ્યા, આખી જિંદગી તેલુગુભાષીઓની વચ્ચે રહીને કાઢી અને તોયે આજે ગુજરાતીમાં કડકડાટ બોલતા સાંભળીને આપણો આનંદ બેવડાય.
કરિયરની શરૂઆતમાં સરકારી હોસ્પિટલમાં દસેક વર્ષ કામ કર્યા પછી 1970માં પોતાનું સ્વતંત્ર મેટરનિટી-નર્સિંગ હોમ શરૂ કરનાર દેવયાનીબહેનના પિતાની ઇચ્છા ખરી કે એ કોઇકને કોઇક રીતે ગરીબોને મદદ થાય એવું કામ કરે. હોસ્પિટલમાં આવતી ગરીબ-અભણ બહેનોની પ્રસૂતિ કરાવતી વખતે દેવયાનીબહેનને પોતાને પણ ક્યારેક એવી ઇચ્છા થઇ આવતી.
એવામાં એક વખત હૈદરાબાદથી ચાલીસેક કિલોમીટર દૂર મેઢક ગામમાં ચાલતી એક મિશન હોસ્પિટલમાં જવાનું થયું. હોસ્પિટલ બસ્સો વર્ષ જૂની હતી, પણ અહીંના લોકોનો સેવાનો જૂસ્સો રોજેરોજ નવોનક્કોર અને અકબંધ હતો. દેવયાનીબહેન પણ આ સેવામાં જોડાયા. દર અઠવાડિયે જાતે કાર ડ્રાઇવ કરીને એ મેઢક જાય. પ્રસૂતાઓની ચાકરી કરે. કોઇ ચાર્જ નહીં લેવાનો. કામનો આનંદ મળે એ જ એમનું મહેનતાણું. બસ, ગ્રામીણ વિસ્તારમાં પ્રસૂતા બહેનોને પડતી મુશ્કેલીઓ જોયા પછી દેવયાનીબહેનને પોતાની જિંદગીની પેશન જડી ગઇ. એમને થયું કે, મદદ અને સહાનુભૂતિની ખરેખરી જરૂર તો આવી ગરીબ અને અભણ બહેનોને છે. અને એટલે આવી બહેનોને મદદ કરવાના આશયથી 1979માં નરસાપુર ખાતે એમણે સ્વખર્ચે નર્સિંગ હોમ શરૂ કરીને આ સેવાયજ્ઞની શરૂઆત કરી.
શરૂઆત કરી ત્યારે જરૂર હતી સ્થાનિક મહિલાઓનો પ્રેમ અને વિશ્વાસ જીતવાની. દર શુક્રવારે નરસાપુરમાં બજાર ભરાય એટલે આજુબાજુના વિસ્તારમાંથી બહેનો ખરીદી કરવા આવતી. દેવયાનીબહેને શુક્રવારે નરસાપુર જવાનું શરૂ કર્યું. નર્સિંગ હોમમાં કેસ આવવાના શરૂ થયા. દેવયાનીબહેને હૈદરાબાદના બીજા મલ્ટીસ્પેશ્યાલીટી તબીબોનો ય સંપર્ક કર્યો આ પ્રવૃત્તિમાં જોડાવા માટે, પણ એ બધાએ આ પ્રયત્નોને હસવામાં ઉડાવી દીધા. થાક્યા વિના, હિંમત હાર્યા વિના એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. ચાર દાયકાની આ સેવા-યાત્રામાં એમણે આ નર્સિંગ હોમમાં વીસેક હજારથી વધારે પ્રસૂતિ કરાવી હશે.
આજે તો અહીં દવાખાના ઉપરાંત ઓલ્ડ એજ હોમ પણ ચાલે છે. સાથે ન્યુટ્રીશન પ્રોગ્રામ, સ્થાનિક મહિલાઓને મદદ મળી રહે એ માટે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતો મહિલા ઉદ્યોગનો કાર્યક્રમ પણ ચાલે છે. મહિલાઓને પોષણક્ષમ વાનગીઓ તદ્દન સસ્તાદરે મળી રહે એ હેતુથી આ વાનગીઓ નજીકની હોસ્પિટલોમાં અને અન્ય સંસ્થાઓમાં અપાય છે. ડો. મહેતાબ બાવજી અને પી.વી.એસ. મૂર્તિ જેવા આ ક્ષેત્રના અનુભવી લોકોનો સાથ પણ મળી રહે છે.
એમ તો થોડોક સમય દેવયાનીબહેને નરસાપુરથી નજીક પિલુટલા ગામની બહેનો સાથેય કામ કર્યું. ગામની બહેનોને દીવા માટે રૂની વાટ બનાવતા શીખવાડવાનું હાથ ધર્યું. આજે તો પિલુટલાની બહેનોએ બનાવેલી આ વાટ એમના મહિલા ઉદ્યોગ સહિત આ વિસ્તારમાં ઘણી વેચાય છે. સ્થાનિક બહેનો માટે રોજગારીની નવી તક ઉભી થઇ છે.
નરસાપુરનું આ કેમ્પસ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં છે. કોઇને અહીં આધુનિકતાનો સ્પર્શ કદાચ ન અનુભવાય તો પણ અહીંની આબોહવામાં કરૂણા અને સેવાની જે સુગંધ પ્રસરે છે એ ચોક્કસ સૂંઘી શકાય છે.
દેવયાનીબહેન કહે છે કે આ બધું ચલાવતા એમને મહિને જે ખર્ચ આવે છે એ આમ તો પરિવારના સભ્યોની મદદ અને દાતાઓ તરફથી જે કાંઇ મળે એમાંથી નીકળી જાય છે. ઓલ્ડ એજ હોમમાં રહેતા વૃધ્ધો પાસેથી ટોકન ચાર્જ લેવાય એ તો નગણ્ય છે. વચ્ચે વચ્ચે જ્યારે આર્થિક સંકડામણ વધી ત્યારે એમણે પોતાની બેંક અને મ્યુચ્યુઅલ ફંડની બચત વાપરીને ય આ પ્રવૃત્તિ ચાલુ રાખી. બાકી, રમેશભાઇ પ્રેમજી જેવા હૈદરાબાદના મોટા ગુજરાતીઓ પાસેથી આર્થિક મદદ મળી રહે છે કે પછી રોટરી કલબ જેવી સંસ્થા સાથે જોડાયેલા ગુજરાતી બિઝનેસમેન પરાગ શાહ જેવા મિત્રો વારે-તહેવારે કોઇને કોઇ ચીજવસ્તુઓનું વિતરણ કરવા આવતા રહે છે. દેવયાનીબહેને આ બધા માટે 1982માં ડંગોરિયા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે, જેથી દાતાઓને મદદ કરવી હોય તો સરળતા રહે.
ઢળતી ઉંમરે પણ દેવયાનીબહેન થાક્યા નથી. એમનું ખાનગી નર્સિંગ હોમ આસિસ્ટન્ટ્સ સંભાળે છે એટલે પોતે અઠવાડિયામાં જ્યારે સમય મળે ત્યારે નરસાપુર આવી જાય છે. એમણે લગ્ન તો કર્યા નથી, પણ અહીંનો સ્ટાફ, અહીં રહેતા લોકો જ એમનો પરિવાર છે. અને એ બધાના અમ્મા છે!