આ છે લીવર બગડવાનાં પાંચ લક્ષણો

લીવર આપણા શરીરમાં લગભગ ૫૦૦ ક્રિયાઓને સંચાલિત કરે છે. તેમાં પાચન માટે પાચક રસનું ઉત્પાદન, વિટામીનનું ભંડારણ, અંત:સ્ત્રાવોને નિયમિત રાખવા અને રક્ત શુદ્ધ કરવા જેવી બાબતો સમાવિષ્ટ છે. ઘણી વાર તો એવું થાય છે જ્યારે પ્રદૂષણ, ખરાબ ભોજન અને પાણીના કારણે લીવરમાં વિષાક્ત તત્ત્વ એકત્રિત થાય છે. તેનાથી લીવર પર ભાર વધી જાય છે અને શરીરમાં ઑક્સિજનની આપૂર્તિમાં પણ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં લીવરનું ડિટૉક્સ (વિષહરણ) કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ પહેલો પ્રશ્ન તો એ છે કે ખબર કેવી રીતે પડે કે લીવરમાં વિષાક્ત તત્ત્વો એકત્ર થયાં છે? એવાં કેટલાંક લક્ષણો છે જેના લીધે તમે જાણી શકશો કે લીવર બગડ્યું છે. આ લક્ષણો જો તમારાં પોતાનાં હોય તો સમજજો કે તમારું લીવર બગડ્યું છે અને તમારા સગાનાં હોય તો તેમનું.પહેલું તો મિજાજમાં પલટો. આ બાબતે તમે જો સૂક્ષ્મ નિરીક્ષણ કરશો તો તમને જણાશે કે ક્યારેક તમને કારણ વગર ઉદાસી આવી જાય છે તો ક્યારેક કારણ વગર આનંદ. જો તમને પોતાને ન જણાતું હોય તો તમારા કુટુંબમાં માતાપિતા કે પતિ-પત્ની કે ભાઈ-બહેનને પૂછો. તમારા શરીરમાં બનતા વિષાક્ત તત્ત્વો તમારા મગજ અને મૂડને ખરાબ રીતે અસર કરે છે. આથી તમારા મૂડમાં અચાનક પલટો આવી શકે છે. તમને કારણ વગર બેચેની કે ગુસ્સો વગેરે લક્ષણો આવી શકે છે. આ એક સંકેત છે જે બતાવે છે કે તમારે તમારા લીવરને ડિટૉક્સ કરવાની જરૂર છે.

આ સિવાય ખૂબ જ પરસેવો થવો તે પણ એક લક્ષણ છે. લીવરમાં વિષાક્ત તત્ત્વો વધી જતાં તમને ખૂબ પરસેવો પણ આવી શકે છે. તમારા શરીર અને શ્વાસમાં દુર્ગંધ પણ આવતી હોઈ શકે છે. તમારા શરીરમાં વધુ માત્રામાં વિષાક્ત તત્ત્વો ભેગા થાય તો આ ત્રણે લક્ષણ ઉપરાંત તમારી જીભ પર સફેદી આવી શકે છે. તમારી જીભ વધુ સફેદ હોઈ શકે છે.

થાકઃ તમને વધુ પડતો થાક લાગતો હોય તો એમ ન સમજતા કે તમારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે, પરંતુ આ સંકેત લીવરમાં બધું બરાબર ન હોવાનો પણ હોઈ શકે છે. જ્યારે લીવર પર વધુ ભાર આવી જાય છે ત્યારે તમને થાક લાગે તેવી પૂરી શક્યતા છે. આ પણ એક લક્ષણ છે. આવી સ્થિતિમાં પણ તમારે લીવરને ડિટૉક્સ કરવાની જરૂરિયાત છે.

આ ઉપરાંત પાચનની તકલીફ થવી તે પણ એક સંકેત છે. જો તમારું લીવર બરાબર કામ નહીં કરતું હોય તો તમને કબજિયાત, છાતીમાં બળતરા, એસિડિટી અને ઝાડા જેવી સમસ્યાઓ થશે. લીવર ભોજનના પાચનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા નડી રહી હોયતો સમજો કે તમારે તમારા લીવરને વિષાક્ત તત્ત્વોથી મુક્ત કરવાની જરૂરિયાત છે.

એક સંકેત ઉલટીનો પણ છે. ઉલટી પણ લીવરમાં વિષાક્ત તત્ત્વો વધુ હોવા તરફ ઈશારો કરે છે. બહુ મોટી માત્રામાં વાયુ, પેટમાં દુઃખાવો વગેરે થતું હોય તો પણ તમે સમજી શકો કે લીવરમાં કંઈક ગરબડ છે.

આ તો થઈ લક્ષણોની વાત. હવે લીવરને આ વિષાક્ત તત્ત્વોથી મુક્ત કઈ રીતે કરવું, અર્થાત્ ડિટૉક્સ કેવી રીતે કરવું? સૌથી પહેલાં તો તમે (ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં) જો દારૂ પીતા હો તો તેને બંધ કરી દ્યો. ‘સત્તે પે સત્તા’નો સંવાદ યાદ નથી? દારૂ પીને સે લીવર ખરાબ હોતા હૈ. વધુ પડતો દારૂ પીવાથી લીવરમાં મચકોડ આવી જાય છે. લીવરને સ્વસ્થ રાખવા ઉપવાસ એ સૌથી શ્રેષ્ઠ બાબત છે, પરંતુ ઉપવાસ એટલે રાજગરાની પુરી, બટેટાની સૂકી ભાજી, મોરૈયો, સામો, તળેલાં મરચાં વગેરે ખાઈને નહીં, પરંતુ ફળફળાદિ ખાઈને પેટને આરામ આપવાના સાચા હેતુવાળો ઉપવાસ. લીવરને સ્વસ્થ રાકવા તમે એન્ટિઑક્સિડન્ટથી ભરપૂર ફળ અને શાક ખાઈ શકો. હર્બલ ટી અને ગ્રીન ટી પણ લીવરને ડિટૉક્સ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત નિયમિત વ્યાયામ (જે લીવરને નુકસાન ન કરે તેવો હોય), યોગાસનો વગેરે પણ લીવરને સ્વસ્થ રાખી શકે છે.