સ્કૂલ ફ્રોમ હોમઃ બાળકો માટે કેવો ડાયેટ રાખશો?

કોરોના: વાયરસનો કેર ઓછો નથી થઈ રહ્યો, પણ લોકો તેમજ બાળકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવી રહ્યો છે! નોકરિયાત લોકોએ લૉકડાઉનના આરંભે જ વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું હતું! હવે વારો આવ્યો છે બાળકોનો! એમનું પણ હવે ‘સ્કૂલ ફ્રોમ હોમ’ દ્વારા શિક્ષણ શરૂ થઈ ગયું છે!

બાળકોએ ઓનલાઇન સ્કૂલમાં ભણવાના કલાકો સાથે પોતાની રોજની દિનચર્યા સાથે પણ ગોઠવાવું પડે છે! જેમ એકધારું ઘરમાં રહીને મોટેરાઓ અકળાઈ જાય છે. તેમ બાળકો પણ ક્યાંક તો કંટાળી જતાં હોય છે! ખાવા પીવા માટે કજિયો કરતા હોય, આળસ પણ કરી જતા હોય, તેમનો ઉંઘવાનો સમય પણ ઓછો થઈ ગયો હોય! આવી ઘણી બધી ફરિયાદો સાંભળવા મળે છે. એમાં બાળકોનો તો કોઈ વાંક નથી જ ને!

તમને તમારા બાળકોમાં આવો બદલાવ જોવા મળે તો તમે પણ ન્યુટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરે આપેલી ટિપ્સ પ્રમાણે બાળકો માટે આહાર તૈયાર કરી શકો છો. જેનાથી બાળકોનું પાચનતંત્ર તેમજ મૂડમાં પણ સુધારો થશે! મુંબઈના જાણીતા સેલિબ્રિટી ન્યુટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળકો તેમજ ટીનેજરના સ્કૂલ ફ્રોમ હોમ દરમ્યાનના પૌષ્ટિક આહાર માટેની જરૂરી ટિપ્સ આપી છે!

તાજાં ફળઃ બાળકોએ રોજ સવારે નાસ્તામાં કેળાં તેમજ ઋતુ પ્રમાણે મળતાં ફળ ખાવા જોઈએ. નાસ્તામાં ફક્ત ફળ લઈ શકાય છે અથવા અન્ય નાસ્તા જેવા કે ઈડલી, પૌંઆ, ઉપમા, ઢોસા વગેરે સાથે પણ લઇ શકાય છે.

ફળો વિટામીન્સ તેમજ પોલિફેનોલ્સથી ભરપૂર હોય છે. જે શરીરનું પાચનતંત્ર તેમજ મૂડને પણ સુધારે છે. તેમજ જંક ફુડ ખાવાની ઈચ્છાને ઓછી કરે છે.

2. લંચ માટે કઠોળ અને ભાતનું કોમ્બિનેશન:

કઠોળ જેવાં કે, રાજમા, ચણા, છોલે, ચોળી અથવા એવા જ અન્ય સ્થાનિક કઠોળ રાંધતા પહેલાં એટલે કે, બપોર માટે રાંધવું હોય તો, આગલી રાત્રે કઠોળને ધોઈને પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે એને સરખું બાફીને રાંધી લો. બાળકને કઠોળ સાથે ભાત અને છાશ આપી શકો છો. કઠોળ, ભાત અને છાશના સંયોજનવાળો ખોરાક પ્રિબાયોટિક તેમજ પ્રોબાયોટિકથી ભરપૂર આહાર છે. એમાં એમિનો એસિડનું પૂરતું પ્રમાણ છે અને આ ખોરાક પચવામાં પણ સહેલો છે.

 

3. દહીં અને કાળી દ્રાક્ષઃ

ઘરમાં જમાવેલું દહીં અને એની સાથે કાળી સૂકી દ્રાક્ષ દિવસ દરમ્યાન ક્યારે પણ તમે આપી શકો છો. કોઈપણ સમયે ભૂખ લાગે તો આ એક ઉત્તમ નાસ્તો પુરવાર થઈ શકે છે! જે વિટામીન બી-12 અને લોહતત્ત્વથી ભરપૂર છે. એનાથી સુસ્તી ઉડે છે, ભૂખ ઉઘડે છે તેમજ હોર્મોન્સનું સંતુલન પણ જળવાય છે.

4. રાતના જમવાનો સમય વહેલો એટલે કે સાત વાગ્યા સુધી રાખો:

રાત્રે જમવામાં બાળકોને પનીર પરાંઠા, પુરી-ભાજી, શાકવાળી રોટલીનો રોલ, અજમા વાળા પરાંઠા, જુવાર અથવા નાચણીની ભાખરી સાથે બટેટાની સૂકી ભાજી, વેજીટેબલ પુલાવની સાથે રાયતું તેમજ તળેલું પાપડ વગેરે ડિશમાંથી કોઈપણ એક ડિશ બનાવીને આપી શકો છો. આપેલી વાનગીઓમાંની દરેક વાનગી એક સંપૂર્ણ પોષક આહાર છે. એનાથી પેટ પણ ભરાય છે. બાળકોની તંદુરસ્તી માટે આવો આહાર ખૂબ જરૂરી છે.

બાળકોને કોઈવાર ચટપટું ખાવાની ઈચ્છા થાય તો, તમે એમના માટે ઘરે જ પિઝા, પાસ્તા કે પાંઉભાજી બનાવીને આપી શકો છો. પરંતુ સાંજે સાત વાગ્યા પહેલાં જ ભોજન તૈયાર કરીને બાળકોનેે જમાડી લેવા એવું દિવેકર જણાવે છે.

5. રાત્રે સૂતી વખતે:

રાત્રે બાળકોને હળદર વાળું દૂધ, કોઈ ફળ સાથેનું મિલ્ક શેક કે ગુલકંદવાળું દૂધ આપી શકો છો. બાળકોને ભૂખ લાગે તો કોઈ ફળ ખાવા માટે આપી શકો છો.

ઋજુતા દિવેકર માતા-પિતાને ખાસ ટકોર કરીને કહે છે, ‘તેમણે આહારનું પ્લાનિંગ કરવામાં તેમજ ભોજન તૈયાર કરતી વખતે બાળકોને પણ સાથે રાખવાં. જેથી બાળકોને પણ રસોઈ તેમજ આહાર પ્રત્યે રસ જાગે તથા કયો ખોરાક તેમના માટે હેલ્ધી છે તેની સમજ પણ આવે!’ આહાર માટેના ઉપાયો બાળકની પ્રકૃતિ પ્રમાણે કરવા. જો બાળકને તબિયતને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી.